સુરત શહેરમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે, પરંતુ આ વખતે ભાજપના નેતાઓ માટે પ્રચાર કરવો લોઢાના ચણા ચાવવા જેવો સાબિત થઈ રહ્યો છે. શહેરના વોર્ડ-3 (વરાછા)માં ભાજપે અલ્પેશ કથીરિયાની પત્ની કાવ્યા પટેલની ટિકિટ આપી છે. અલ્પેશ કથીરિયા જ્યારે સોસાયટીમાં પ્રવેશ્યા ત્યારે તેમને અપેક્ષા હશે કે ફૂલહારથી સ્વાગત થશે, પરંતુ અહીં ચિત્ર ઉલટું હતું. પાટીદાર યુવાનોએ અલ્પેશને જૂની યાદો યાદ કરાવતા કહ્યું કે, જે આંદોલન માટે સમાજે લાઠીઓ ખાધી અને કેસો વેઠ્યા, તે શક્તિનો ઉપયોગ હવે સત્તામાં ગયા પછી કેમ નથી થતો?
જ્યારે ભીડ વધી અને સવાલોનો મારો શરૂ થયો, ત્યારે અલ્પેશ કથીરિયાએ શાંતિ જાળવવાનો પ્રયાસ કરતા કહ્યું, “અમે ક્યાં ભાગીએ છીએ? જવાબ તો આપીએ જ છીએ.” જોકે, જનતાનો આક્રોશ અલ્પેશના આશ્વાસનથી શાંત થાય તેમ નહોતો. યુવકોએ સીધો રસ્તાનો મુદ્દો પકડ્યો અને પૂછ્યું કે, જો ભાજપની સત્તા છે તો કામ કેમ અટકેલા છે? અલ્પેશે ‘કોર્પોરેટર બન્યા પછી કામ થશે’ તેવી વાત કરી, પણ જનતાએ તેમને વર્તમાન સત્તાના જવાબદાર ગણીને ભીંસમાં લીધા હતા. ચર્ચા દરમિયાન જ્યારે મામલો ગરમાયો ત્યારે અલ્પેશ કથીરિયા અને તેમની ટીમે લોકોને વીડિયો ઉતારવાની મનાઈ કરી હતી. કહ્યું, “અમે કોઈના દુશ્મન નથી, વીડિયો બંધ કરો.”
ભાજપના ઉમેદવારોના સ્વાગત માટે સોસાયટીમાં ડીજે વગાડવામાં આવી રહ્યું હતું અને સમર્થકો હારતોરા કરી રહ્યા હતા. આ ભપકા વચ્ચે સોસાયટીની ગૃહિણીઓ બહાર આવી હતી અને ડીજે બંધ કરાવી દીધું હતું. મહિલાઓનો આક્રોશ હતો કે, જ્યારે વિસ્તારમાં રસ્તાના ઠેકાણા નથી, ખાડાઓનું સામ્રાજ્ય છે, ત્યારે આટલો મોટો દેખાડો શા માટે? જે વ્યક્તિએ થોડીવાર પહેલા ઉમેદવારને ખેસ પહેરાવ્યો હતો, તે જ વ્યક્તિએ સુવિધાના અભાવે નેતાઓનો ઉધડો લેવાનું શરૂ કર્યું હતું. વાત માત્ર રસ્તાઓ પૂરતી મર્યાદિત ન રહી, પણ સરકારી શિક્ષણ વ્યવસ્થા સુધી પહોંચી હતી. યુવાનોએ નેતાઓને પૂછ્યું કે, સરકારી શાળાઓની હાલત જુઓ, કોઈ મધ્યમ વર્ગનો માણસ પોતાના બાળકને ત્યાં મોકલવા માંગતું નથી. ખાનગી શાળાઓની ફી સિસ્ટમ બેફામ છે, તેમાં તમે શું સુધારો કર્યો? નેતાઓએ સુરતમાં નવી સ્કૂલો બની હોવાનો દાવો કર્યો હતો, પરંતુ લોકોએ તેને માત્ર કાગળ પરની વાતો ગણાવીને ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા.
ભાજપ જ્યારે તમામ બેઠકો જીતવાનો દાવો કરી રહી છે, ત્યારે યુવાનોએ કટાક્ષ કરતા કહ્યું કે, તમારે સાત કમળ (તમામ બેઠકો) જીતવી હોય તો જનતાના કામ પણ કરવા પડશે. લાઈટ, ગટર અને પાણી જેવી પાયાની જરૂરિયાતો માટે પણ જો જનતાએ વલખાં મારવા પડતા હોય, તો કયા મોઢે મત માંગવા આવો છો? નેતાઓએ જ્યારે એમ કહ્યું કે, અમે બધું જ કામ કર્યું છે, ત્યારે લોકોએ પુરાવા માંગ્યા હતા અને ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા. સ્થાનિકોએ નેતાઓને યાદ અપાવ્યું હતું કે, આ વિસ્તાર છેલ્લા 20 વર્ષથી ભાજપને સપોર્ટ કરતો આવ્યો છે, તેમ છતાં આજે પણ ગટરો ઉભરાય છે અને રસ્તા પર ખાડા છે. તમે જ્યારે મત લેવા આવો છો ત્યારે મોટા મોટા વાયદા કરો છો અને જીત્યા પછી ભૂલી જાઓ છો, તેવો ગંભીર આક્ષેપ યુવાને કર્યો હતો. સોસાયટીના લોકોએ એકસૂરે જણાવ્યું હતું કે, સમસ્યા કોઈ એક વ્યક્તિની નથી, આખી સોસાયટીના રસ્તા ચોમાસામાં નર્ક સમાન બને છે.