વૈદિક જ્યોતિષમાં પંચક કાળને અત્યંત સંવેદનશીલ સમય માનવામાં આવે છે. આ એવો સમયગાળો છે કે, હિન્દુ ધર્મમાં અશુભ અથવા સાવધાની રાખવાનો સમય કહેવાય છે. ‘પંચક’ નો અર્થ પાંચ ભાગો અથવા પાંચ નક્ષત્રોનો સમૂહ થાય છે. જ્યારે ચંદ્ર કુંભ અને મીન રાશિના છેલ્લા પાંચ નક્ષત્રોમાંથી પસાર થાય છે: ધનિષ્ઠા, શતભિષા, પૂર્વાભાદ્રપદ, ઉત્તરાભાદ્રપદ અને રેવતી, ત્યારે પંચક કાળ સ્થાપિત થાય છે. આ સમયગાળો લગભગ પાંચ દિવસ સુધી ચાલે છે, અને આ સમયગાળા દરમિયાન કેટલીક પ્રવૃત્તિઓ પ્રતિબંધિત માનવામાં આવે છે. શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે પંચક દરમિયાન શુભ કાર્યોમાં પણ ખૂબ સાવધાની રાખવી જરૂરી છે. એવું માનવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન કરવામાં આવતા શુભ કાર્યો વારંવાર અવરોધ આવે છે.
ભીષ્મ પંચકનું મહત્ત્વ અને અર્થ
દ્રિક પંચાંગ પ્રમાણે પંચક કાળ 1 નવેમ્બર, 2025 થી શરૂ થાય છે અને 5 નવેમ્બર, 2025 ના રોજ સમાપ્ત થશે. આ પંચકને ભીષ્મ પંચક કહેવામાં આવશે.
પંચાંગ અંગે પૌરાણિક માન્યતાઓ એવી છે કે, મહાભારત કાળ દરમિયાન ભીષ્મ પિતામહે પોતાના વરદાન મુજબ ઈચ્છામૃત્યુનું વ્રત કર્યું હતુ. યુદ્ધ દરમિયાન જ્યારે બાણ શય્યા પર હતા ત્યારે, તેઓએ સૂર્ય ઉત્તર તરફ જાય તેની રાહ જોઈ હતી. તે સમયગાળા દરમિયાન તેમણે કાર્તિક મહિનાના શુક્લ પક્ષની એકાદશીથી પૂર્ણિમા સુધીના પાંચ દિવસ ભગવાન શ્રીકૃષ્ણના ઉપવાસ, ધ્યાન અને પૂજામાં વિતાવ્યા. આ પાંચ પવિત્ર દિવસોને ભીષ્મ પંચક કહેવામાં આવે છે. ભીષ્મ પંચકનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્ત્વ ઊંડુ છે. એવું માનવામાં આવે છે, કે આ પાંચ દિવસોમાં ઉપવાસ, દાન, ધ્યાન અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે. આ સમયગાળાને વૈકુંઠ પંચક અથવા હરિ પંચક તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે તે ભગવાન વિષ્ણુની પૂજા સાથે જોડાયેલ છે.
ભીષ્મ પંચક દરમિયાન શું ન કરવું?
ભીષ્મ પંચક દરમિયાન કોઈ નવો વ્યવસાય, ઘરનું બાંધકામ અથવા યાત્રા શરુ ન કરવી જોઈએ. આ સમયગાળા દરમિયાન ખાસ કરીને દક્ષિણ દિશામાં યાત્રા ટાળવી જોઈએ. આ સમયગાળા દરમિયાન કોઈ ખરીદી પણ ટાળવી જોઈએ. જો પંચક દરમિયાન કોઈનું મૃત્યુ થાય છે, તો અગ્નિ પંચક દોષથી બચવા માટે મૃતકની સાથે એક પૂતળા બનાવીને અગ્નિસંસ્કાર કરવો જોઈએ. આ સમય આત્મ-શિસ્ત, ઉપવાસ અને ધ્યાનનો છે. તેથી, આ સમય દરમિયાન જૂઠુ બોલવું કે મોડે સુધી સૂવાનું ટાળવું જોઈએ. ભીષ્મ પિતામહને ધર્મ, સત્ય અને નીતિનું પ્રતીક માનવામાં આવે છે. આ પંચક દરમિયાન જૂઠું બોલવું, છેતરપિંડી કરવી અથવા અન્યનું અપમાન કરવું અત્યંત અશુભ માનવામાં આવે છે.
પંચક દરમિયાન શું કરવું?
ભગવાન વિષ્ણુ અને હનુમાનની પૂજા કરવી જોઈએ. આમ કરવાથી પંચકના અશુભ પ્રભાવોથી બચી શકાય છે. હનુમાન ચાલીસાનો પાઠ કરો. દક્ષિણ દિશામાં યાત્રા કરતા પહેલા સરસવના તેલનો દીવો પ્રગટાવો.