T-20 વર્લ્ડકપની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની એન્ટ્રી થતા જ અમદાવાદમાં જબરદસ્ત ક્રિકેટ ફિવેર છવાયો છે. ટીમ ઈન્ડિયા અને કિવિઝ ટીમ અમદાવાદ આવી ચૂકી છે. તો બીજી તરફ ફાઈનલ મેચ નિહાળવા માટે ક્રિકેટ પ્રેમીઓએ પણ અમદાવાદ પહોંચવા તૈયારીઓ કરી લીધી છે.
T-20 વર્લ્ડકપ ફાઈનલ મેચમાં અંદાજે 40 હજાર પ્રેક્ષકો બહારથી આવી તેવી શક્યતા જોવાઈ રહી છે. જેના કારણે અમદાવાદની હોટલ રૂમના અને ફ્લાઈટના ભાડા આસમાને પહોંચ્યા છે. સામાન્ય દિવસોમાં હોટલ રૂમના અને ફ્લાઈટના જે ભાડા હોય છે તેમાં ત્રણથી ચાર ગણો વધારો થયો છે. T-20 વર્લ્ડકપની મેચ નિહાળવા આવનાર ક્રિકેટ પ્રેમીઓ 80 હજાર સુધી રૂમનું ભાડું ચૂકવવા તૈયાર છે. તો બીજી તરફ દિલ્હી, મુંબઈ, બેંગાલુરુથી અમદાવાદ આવતી ફ્લાઈટના ભાડા પણ 15 હજારથી 30 હજાર સુધી પહોંચ્યા છે. હોટલ અને એર ટ્રાવેલ્સ સાથે સંકળાયેલા લોકોના મતે આ ભાડામાં હજી પણ વધારો થવાની શક્યતા જોવાઈ રહી છે.
અમદાવાદમાં ક્રિકેટનો જબરદસ્ત ઉત્સાહ જોવા મળવાનો છે. વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ગણાતું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ફરી એક વખત ઇતિહાસ રચવા તૈયાર છે. જ્યાં 8 માર્ચે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપની ફાઈનલ રમવાની છે. ફાઈનલ મેચના કારણે ક્રિકેટ પ્રેમીઓમાં જ નહીં પરંતુ શહેરના હોટલ અને હૉસ્પિટાલિટી સેક્ટરમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મેચ પહેલા જ શહેરની તમામ હોટલો લગભગ હાઉસફુલ થઈ ગઈ છે અને રૂમના ભાવોમાં 300થી 400 ટકા સુધીનો તોફાની વધારો નોંધાયો છે.
સામાન્ય દિવસોમાં 5 હજારથી 6 હજાર રૂપિયામાં મળતા હોટલ રૂમ હવે 15 હજારથી શરૂ થઈ 80 હજાર સુધી પહોંચી ગયા છે. ઘણી હોટલોમાં તો રૂમ મળવો મુશ્કેલ બની ગયો છે. હાલની સ્થિતિ એવી છે કે અમદાવાદની ઘણી જાણીતી હોટલોમાં 70થી 80 ટકા સુધીનું બુકિંગ પહેલેથી જ થઈ ગયું છે. જ્યારે અમુક કલાકોમાં તો તમામ હોટલો સોલ્ડ આઉટ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ક્રિકેટ ફાઈનલના કારણે શહેરમાં હજારો ફેન્સ આવવાના છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ક્ષમતા 1.20 લાખથી વધુ છે અને અંદાજે 30થી 40 હજાર જેટલા લોકો બહારના શહેરો કે દેશોમાંથી મેચ જોવા અમદાવાદ પહોંચે તેવી શક્યતા છે. આ જ કારણ છે કે હોટલોની માંગ અચાનક વધી ગઈ છે. માંગ વધારે અને રૂમોની સંખ્યા મર્યાદિત હોવાથી હોટલના ભાવ આસમાને પહોંચી ગયા છે.
માર્ચ મહિનો હોટલ ઇન્ડસ્ટ્રી માટે ઘણો ઠંડો રહ્યો હતો. પરંતુ ફાઈનલ મેચના કારણે હોટલ ઇન્ડસ્ટ્રીમાં લગભગ 50થી 60 ટકા સુધીનો ગ્રોથ જોવા મળી શકે છે. ઘણા ક્રિકેટ ફેન્સે તો મેચની ટિકિટ મળ્યા પહેલા જ હોટલ બુક કરી દીધી છે. એક તરફ ક્રિકેટ પ્રેમીઓ માટે આ મેચ ઉત્સાહ અને ગૌરવનો ક્ષણ બનવાની છે. તો બીજી તરફ અમદાવાદના હોટલ ઇન્ડસ્ટ્રી માટે ફાઈનલ સોનેરી તક સાબિત થઈ રહી છે. શહેરમાં ક્રિકેટનો જાદુ એવો છવાયો છે કે,લોકો મેચની એક ઝલક જોવા માટે ભારે ખર્ચ કરવા તૈયાર થઈ ગયા છે. જેથી ભાવમાં 300થી 400 ટકાનો વધારો થયો છે છતાં 80 ટકા જેટલું તો બુકિંગ પણ થઈ ગયું છે. સામાન્ય દિવસમાં 6 હજારમાં મળતા હોટલના રૂમ 15,000માં પણ મળવા મુશ્કેલ છે. જેથી હજુ પણ જેમ ડિમાન્ડ વધશે તેમ હોટલના ભાવમાં પણ વધારો થવાનો છે.
હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રભાઈ સોમાણીએ જણાવ્યું હતું કે, અમદાવાદ માટે ગૌરવની વાત છે કે T20 વર્લ્ડ કપની ફાઈનલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેના કારણે હોટલ સંચાલકોને ઘણો ફાયદો થવાનો છે. જેમ જેમ લોકોને ટિકિટ મળી રહી છે તેમ તેમ બુકિંગ માટેનો ઘસારો જોવા મળી રહ્યો છે. અત્યારે હોટલના ભાવ 15,000થી 80,000 સુધી ચાલી રહ્યા છે. તેમજ જેમ જેમ લોકોને ટિકિટ મળી રહી છે તેમ થોડા થોડા ભાવ વધી રહ્યા છે અને હોટલ બુકિંગ માટેની ડિમાન્ડ પણ વધી રહી છે. જેથી હજુ પણ ભાવ વધી શકે છે.
હોટલ ઇન્ડસ્ટ્રીને કેટલો ફાયદો થશે તેને લઈને નરેન્દ્રભાઈ સોમાણી જણાવે છે કે, તમામ હોટલ ફુલ થઈ જાય તેવી આશા છે. કારણ કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની કેપેસિટી એક લાખ કરતા વધુની છે. જેથી બહારથી 40,000 જેટલા લોકો મેચ જોવા માટે અમદાવાદ આવતા હોય છે. જેથી 10,000થી 15,000 રૂમની વ્યવસ્થાની જરૂર પડતી હોય છે. પરંતુ ડિમાન્ડની સામે રૂમની વ્યવસ્થા ઓછી હોવાથી ભાવ વધી જતા હોય છે. માર્ચ મહિનો હોટલ ઇન્ડસ્ટ્રી માટે ખૂબ જ ઠંડો મહિનો થયો હતો. પરંતુ મેચના કારણે બે ત્રણ દિવસમાં જ હોટલ સંચાલકોને ઘણો ફાયદો થવાનો છે.
ફાઇનલ મેચના કારણે હોટલમાં થયેલા ભાવ વધારાને લઈને નરેન્દ્રભાઈ સોમાણીએ જણાવ્યું હતું કે, બે દિવસમાં જ હોટલ ઇન્ડસ્ટ્રીને 50થી 60 ટકાનો ગ્રોથ થવાનો છે. અત્યાર સુધીમાં 70 થી 80 ટકા જેટલું બુકિંગ થઈ ગયું છે. ફાઇનલ મેચ હોવાથી બહારથી વધુ લોકો આવતા આ વખતે 300થી 400 ટકા ગણો ભાવમાં વધારો થયો છે. જે હોટલમાં રૂમમાં ભાવ 6000 હતા તે લોકો અત્યારે 18થી 20 હજારમાં વહેંચી રહ્યા છે. નરેન્દ્ર મોદી જ્યારથી પ્રધાનમંત્રી બન્યા છે ત્યારથી અમદાવાદમાં મોટી મોટી ઇવેન્ટ અમદાવાદમાં યોજાઇ રહી છે. જેના કારણે હોટલ ઇન્ડસ્ટ્રીને ઘણો ફાયદો થઈ રહ્યો છે. તેમજ કોમનવેલ્થ ગેમ્સ અને ઓલમ્પિક ગેમ્સ આવી રહી છે તેના કારણે 2030 સુધીમાં અત્યારે જેટલી હોટલો છે તેટલી જ વધુ નવી હોટલો નવી તૈયાર થવાની છે.
ચિક્કી ટ્રાવેલ્સના ડાયરેક્ટર અંકિત બજાજના જણાવ્યા અનુસાર T-20 મેચની ફાઈનલના કારણે મોટી સંખ્યામાં ક્રિકેટ ફેન્સ અન્ય રાજ્ય અને દેશમાંથી અમદાવાદ આવવાના છે. રેલવે દ્વારા મુંબઈ-અમદાવાદ વચ્ચે ખાસ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમ છતાં દિલ્હી, મુંબઈ, બેંગાલુરુ જેવા શહેરોમાંથી અમદાવાદ આવતી ફ્લાઈટના ભાડા પણ સામાન્ય દિવસની સરખામણીએ ત્રણથી ચાર ગણા વધી ગયા છે. જ્યાં સામાન્ય રીતે 5 થી 7 હજારમાં ટિકિટ મળતી હતી, ત્યાં હવે 20 થી 30 હજાર રૂપિયા બોલાઈ રહ્યા છે. ડોમેસ્ટિકની સાથે સાથે દુબઈ અને લંડનથી આવતા ક્રિકેટ પ્રેમીઓ માટે પણ મુસાફરી મોંઘી બની છે. લંડનથી અમદાવાદની ટિકિટ હવે 1.2 લાખ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.