JPMorgan Chase outage: અમેરિકાની સૌથી મોટી બૅન્કો પૈકીની એક JPMorgan Chaseમાં સોમવારે આવેલી એક ટેકનિકલ ખામીને કારણે સમગ્ર અમેરિકાની બૅન્કિંગ અને નાણાકીય સેવાઓ પર મોટી અસર પડી હતી. આ ખામીને કારણે હજારો ગ્રાહકોને પોતાના બૅન્ક ખાતા એક્સેસ કરવામાં, બેલેન્સ તપાસવામાં અને પૈસા ટ્રાન્સફર કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ અસર માત્ર ચેઝ બૅન્ક પૂરતી સીમિત ન રહેતા બૅન્ક ઓફ અમેરિકા, વેલ્સ ફાર્ગો, યુએસ બૅન્ક અને ટ્રુઇસ્ટ જેવી અન્ય મોટી બૅન્કો તેમજ ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ ઝેલે પર પણ જોવા મળી હતી.
સોફ્ટવેર બગ જવાબદાર, સાયબર હુમલાનો ઈનકાર
સંપત્તિની દ્રષ્ટિએ અમેરિકાની સૌથી મોટી બૅન્ક ચેઝએ સ્પષ્ટતા કરી હતી કે આ વિક્ષેપ તેની ઇન્ટરનલ હાર્ડવેર સિસ્ટમમાં આવેલા એક સોફ્ટવેર બગને કારણે સર્જાયો હતો. બૅન્કે કોઈપણ પ્રકારના સાયબર હુમલાની શક્યતાને સંપૂર્ણપણે નકારી કાઢતા જણાવ્યું હતું કે આ ઘટના સાયબર સંબંધિત હોવાના કોઈ પુરાવા નથી. બૅન્કના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, ગ્રાહકો તેમના ખાતા અને નાણાંનો ઉપયોગ કરી શકતા હતા, પરંતુ અમુક વ્યવહારો પૂરા થવામાં સામાન્ય કરતાં વધુ સમય લાગી રહ્યો હતો. આ સમસ્યા માત્ર ઓનલાઈન અને મોબાઈલ બૅન્કિંગ પૂરતી મર્યાદિત નહોતી, પરંતુ ચેઝની ઘણી શાખાઓ પર પણ ગ્રાહકોને પૈસા જમા કરાવવા અને ઉપાડવામાં મુશ્કેલી પડી હતી.
અન્ય બૅન્કો અને ઝેલે પેમેન્ટ સિસ્ટમ પર અસર
આઉટેજ ટ્રેક કરતી વેબસાઈટ ડાઉનડિટેક્ટર પર બપોરે 1:30 વાગ્યાની આસપાસ ચેઝ બૅન્ક અંગે લગભગ 4,500 ફરિયાદો નોંધાઈ હતી, જે 2:22 વાગ્યા સુધીમાં વધીને 20,000ને પાર કરી ગઈ હતી. ચેઝ ઉપરાંત વેલ્સ ફાર્ગોએ પણ પોતાની વેબસાઈટ પર ટેકનિકલ સમસ્યાની જાણકારી આપી ગ્રાહકોને એટીએમ (ATM) અને ટેલિફોન બૅન્કિંગનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી.
બીજી તરફ, બૅન્કો વચ્ચે સીધા પૈસા ટ્રાન્સફર કરતી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ ઝેલેએ સ્પષ્ટ કર્યું હતું કે તેમનું નેટવર્ક સામાન્ય રીતે કામ કરી રહ્યું છે, પરંતુ બૅન્કોની આંતરિક ખામીને કારણે પેમેન્ટમાં વિલંબ થઈ રહ્યો છે. યુએસ બૅન્કે પણ કહ્યું હતું કે જે વ્યવહારોમાં ચેઝ બૅન્ક સામેલ હતી તેમાં જ વિલંબ જોવા મળ્યો હતો.
મોડી સાંજે સેવાઓ પૂર્વવત, ટેક્નોલોજી પર ઉઠ્યા સવાલ
સોમવારે મોડી સાંજે ચેઝ બૅન્કે પુષ્ટિ કરી હતી કે ટેકનિકલ સમસ્યાનું સમાધાન કરી લેવામાં આવ્યું છે અને હવે તમામ વ્યવહારો સામાન્ય રીતે થઈ રહ્યા છે. નોંધનીય છે કે આ બૅન્કિંગ ખામીના થોડા દિવસો પહેલાં જ માઈક્રોસોફ્ટની સેવાઓ (આઉટલુક, ટીમ્સ અને કોપાયલટ) કલાકો સુધી ખોરવાઈ હતી અને ગયા અઠવાડિયે અમેરિકાના એર ટ્રાફિક કંટ્રોલની કોમ્યુનિકેશન સિસ્ટમમાં ખામી આવતા દેશભરમાં ફ્લાઈટ્સ રોકવી પડી હતી. એક પછી એક બની રહેલી આ ઘટનાઓએ મહત્ત્વપૂર્ણ ટેક્નોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વિશ્વસનીયતા પર સવાલો ઊભા કર્યા છે, જોકે આ તમામ ઘટનાઓ એકબીજા સાથે જોડાયેલી હોવાના કોઈ પુરાવા મળ્યા નથી.