ભાજપ સુરતમાં ધારાસભ્યની નારાજગી ? ચાર વર્ષ સારો લાગ્યો હવે સારો નથી લાગતો .. ભાજપાના ધારાસભ્યએ સુરતમાં ચર્ચા જગાવી

By: Nation Gujarat Team
23 Nov, 2026

Surat ગ્રામ્યની ઓલપાડ વિધાનસભા બેઠક પર ભાજપમાં ચાલી રહેલો આંતરિક જૂથવાદ ફરી એકવાર જાહેરમાં સામે આવ્યો છે. પૂર્વ મંત્રી અને ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલે સ્નેહ મિલન સમારોહમાં જાહેર મંચ પરથી પોતાની નારાજગી વ્યક્ત કરતાં રાજકીય વર્તુળોમાં ગરમાવો આવી ગયો છે. ચૂંટણી વર્ષ પહેલાં જ ભાજપના આંતરિક મતભેદો ખુલ્લેઆમ ચર્ચાનો વિષય બન્યા છે.

સ્નેહ મિલન સમારોહમાં સંબોધન દરમિયાન મુકેશ પટેલે કટાક્ષભર્યા અંદાજમાં કહ્યું હતું કે, ‘ચાર વર્ષ મુકેશ પટેલ સારો લાગ્યો, હવે સારો લાગતો નથી.’ તેમના આ નિવેદનને પક્ષમાં ચાલી રહેલી આંતરિક ખેંચતાણ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે.

બ્રિજેશ પટેલને હોદ્દો ન મળે તે માટે ચિઠ્ઠી લખ્યાનો દાવો

મુકેશ પટેલે વધુમાં દાવો કર્યો હતો કે સુરત જિલ્લા પંચાયતના સભ્ય બ્રિજેશ પટેલ કારોબારી અધ્યક્ષ ન બને તે માટે પણ ચિઠ્ઠી લખવામાં આવી હતી. આ મુદ્દે તેમણે પક્ષના જ કેટલાક લોકો સામે નારાજગી વ્યક્ત કરી હતી.

‘પોતાની લીટી ટૂંકી ન કરવી જોઈએ’

ધારાસભ્યએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, ‘આ બધું બંધ થવું જોઈએ, પોતાની લીટી ટૂંકી ના કરવી જોઈએ.’ તેમના આ નિવેદનથી ઓલપાડ ભાજપમાં ચાલી રહેલા આંતરિક વિખવાદની ચર્ચાએ ફરી જોર પકડ્યું છે.

એક તરફ ભાજપ ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત છે, ત્યારે બીજી તરફ ઓલપાડમાં જાહેર મંચ પરથી જ ધારાસભ્યની નારાજગી સામે આવતાં સંગઠનની આંતરિક એકતા સામે સવાલો ઊભા થયા છે. હવે પક્ષના મોવડીમંડળ દ્વારા આ જૂથવાદને કેવી રીતે થાળે પાડવામાં આવે છે તેના પર સૌની નજર છે.


Related Posts

Load more
Follow Us

Live Cricket Score