અમદાવાદની 3 સ્કૂલ અને ગાંધીનગરની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ અને બોમ્બ સ્ક્વૉડ ઘટના સ્થળે

By: Nation Gujarat Team
10 Sep, 2026

Ahmedabad school and Court Bomb Threat : અમદાવાદ શહેરની ત્રણ સ્કૂલ બોપલની ડીપીએસ, થલતેજની ઉદગમ અને વેજલપુરની ઝાયડસ સહિત ઘણી સ્કૂલ તથા ગાંધીનગરમાં કોર્ટને ઈ-મેલ મોકલીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા વાલીઓ અને વિદ્યાર્થીઓ સહિત શહેરના લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

આ થ્રેટ મેઇલની જાણ થતાં જ પોલીસ કાફલો, બોમ્બ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. સુરક્ષાના ભાગરૂપે ઝાયડસ સહિતની શાળાઓ સત્વરે ખાલી કરાવવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને તાત્કાલિક રજા આપી દેવાતાં ગભરાયેલા વાલીઓ દોડતા થઈ ગયા હતા. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં શાળાઓ ખાતે 108 એમ્બ્યુલન્સ અને પ્રહલાદનગર ફાયર સ્ટેશનની ગાડીઓ પણ તૈનાત કરીને ચેકિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

જ્યારે બીજી બાજુ ગાંધીનગર જિલ્લા અને સેશન્સ કોર્ટના ઇ-મેલ આઇડી પર પણ બોમ્બ વિસ્ફોટ કરવાનો ધમકીભર્યો મેલ મળ્યો હોવાની જાણકારી સામે આવી છે. કોર્ટ પરિસર ખાલી કરાવીને તંત્ર દ્વારા ત્વરિત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મહત્ત્વનું છે કે, થોડાક દિવસ પહેલા ગુજરાત હાઈકોર્ટ અને સુરતની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ પછી અમદાવાદ સાયબર ક્રાઈમે અને સુરત ક્રાઈમે બે શખ્સની ધરપકડ કરી હતી. જે બાદ ફરીથી બોમ્બની ધમકી મળતા અફરાતફરી મચી ગઈ છે.

આ ગંભીર ઘટના અંગે જિલ્લા શિક્ષણાધિકારીએ શહેરની તમામ શાળાઓને સતર્ક રહેવા ખાસ સૂચના આપી છે. તેમણે તમામ સ્કૂલ સંચાલકોને પોતાના સત્તાવાર ઈ-મેલ ચેક કરવા અને જો આવો કોઈ ધમકીભર્યો મેઈલ મળ્યો હોય તો તુરંત જ પોલીસને જાણ કરવા આદેશ કર્યો છે. વધુમાં, કોઈપણ જાતના ગભરાટ વિના બાળકોને શાળામાંથી સુરક્ષિત રીતે બહાર કાઢીને પોલીસની તપાસ કાર્યવાહીમાં સંપૂર્ણ સહકાર આપવા માટે પણ વહીવટી તંત્ર દ્વારા શાળાઓને તાકીદ કરવામાં આવી છે.

અંગત અદાવત, પરીક્ષા કે સનસનાટી મચાવવા બોમ્બની ખોટી ધમકી અપાઈ હોય તેવા કિસ્સા

  • ઓગસ્ટ 2021 (ગુજરાત હાઈકોર્ટ): ગુજરાત હાઈકોર્ટ પરિસરમાં બોમ્બ પ્લાન્ટ કર્યાનો ધમકીભર્યો પત્ર/મેઇલ રજિસ્ટ્રી શાખાને મળ્યો હતો. સોલા હાઈકોર્ટ પોલીસે સ્થાનિક શખ્સને ઝડપી પાડ્યો હતો. આરોપી અદાલતમાં પોતાના અંગત કેસની ચાલી રહેલી કાર્યવાહીથી નારાજ હતો અને ન્યાયિક પ્રક્રિયા પર દબાણ લાવવા આ કૃત્ય કર્યું હતું.
  • સપ્ટેમ્બર 2023 (સુરત નવી કોર્ટ): સુરત નવી કોર્ટ બિલ્ડિંગને આરડીએક્સથી ઉડાવી દેવાનો મેઇલ રજિસ્ટ્રાર કચેરીને મળ્યો હતો. તપાસમાં સામે આવ્યું કે એક કેસના પક્ષકારના પરિચિતે ફેક એકાઉન્ટ બનાવી મેઇલ કર્યો હતો, જેથી તે દિવસે કોર્ટ કામગીરી ખોરવાય અને કેસમાં આગામી તારીખ (મુદ્દત) લંબાવી શકાય.
  • 14 ઓક્ટોબર 2023 (નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ): ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપ મેચ વખતે સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાનો ઇ-મેલ કરાયો હતો. ક્રાઇમ બ્રાન્ચે રાજકોટના ધર્મોલી ગામથી કરણ માળી નામના 24 વર્ષના યુવકની ધરપકડ કરી હતી. આરોપીએ સોશિયલ મીડિયા પર ઝડપથી ફેમસ થવા અને ફોલોઅર્સ વધારવા આ ધમકી આપી હતી.
  • 18 જૂન 2024 (અમદાવાદ સહિત દેશભરના એરપોર્ટ): અમદાવાદ અને વડોદરા સહિત દેશના અનેક એરપોર્ટને બોમ્બની ધમકી આપવામાં આવી હતી. ટેકનિકલ તપાસમાં સાયબર ઠગ ટોળકીનું નેટવર્ક સામે આવ્યું હતું, જેણે સુરક્ષા એજન્સીઓનું ધ્યાન ભટકાવી ક્રિપ્ટોકરન્સી મારફતે આર્થિક લાભ મેળવવા માસ મેઇલિંગ કર્યું હતું.

Related Posts

Load more