ઉનાળામાં ગરમીમાં ડિહાઇડ્રેશનને કારણે થતી તમામ તકલીફોના નિવારણ તરીકે નાળિયેર પાણીને જોવામાં આવે છે.
આપણે બધા ગરમીથી રાહત મેળવવા, તરસ છીપાવવા અને થાકમાં રાહત માટે નાળિયેર પાણી પીએ છીએ.
વધુમાં નાળિયેર પાણી પીવાથી દારૂનો નશો ઘટતો હોવાનું, કિડનીની પથરી ધોવાઈ જતી હોવાનું અને ડાયાબિટીસના દર્દીઓનું બ્લડસુગર લેવલ ઘટતું હોવાનું કહેવાય છે.
આ અહેવાલમાં જાણીએ કે આખરે નાળિયેર પાણી પીવાથી આરોગ્યને લગતા કયા ફાયદા થાય છે.
નાળિયેર પાણીમાં શું હોય છે?
લીલાં અને કૂમળાં નાળિયેરમાં વધુ પાણી હોય છે. ટોપરાનો સ્વાદ જે માટીમાં એ ઊગે છે એ પ્રમાણે અલગ-અલગ હોય છે.
ઍસોસિયેશન ફૉર ન્યૂટ્રિશન ખાતે ન્યૂટ્રિશનિસ્ટ જો વિલિયમ્સ કહે છે કે 100 મિલીલિટર નાળિયેર પાણીમાં 18 કૅલરી, 0.2 ગ્રામ પ્રોટીન, 4.5 ગ્રામ કાર્બોહાઇડ્રેટ્સ, 4.1 ગ્રામ સુગર અને 165 મિલીગ્રામ પોટેશિયમ અને ચરબીનું પ્રમાણ બિલકુલ હોતું નથી.
સેલેબ્રિટી ન્યૂટ્રિશનિસ્ટ પૂજા માખીજાએ વોગ ઇન્ડિયાને જણાવ્યું છે એ મુજબ નાળિયેર પાણી એ ખૂબ સારું પીણું છે, તેમાં ભરપૂર પ્રમાણમાં ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે. આ સિવાય ફાઇબર, વિટામિન્સ અને અન્ય ખનીજો પણ હોય છે.
સંશોધન અનુસાર નાળિયેર પાણીમાં ઍન્ટિઓક્સિડન્ટ હોય છે.
શું નારીયેળ પાણી સુગર લેવલ ઘટાડે
ઇન્ટરનૅશનલ જર્નલ ઑફ ફાર્માસ્યુટિકલ રિસર્ચના એક રિપોર્ટ અનુસાર ડાયાબિટીસથી ગ્રસ્ત ઉંદરો પર કરાયેલ એક અભ્યાસમાં ખબર પડી હતી કે નાળિયેર પાણીથી શરીરમાં ઇન્સુલિનનું સ્તર વધ્યું હતું, તેમજ ગ્લાયકોહિમોગ્લોબિન ઘટ્યું હતું.
એનઆઇએચ અનુસાર પ્રાણીઓ પર થયેલા સંશોધનમાં સામે આવ્યું હતું કે નાળિયેર પાણીથી બ્લડસુગર લેવલ નિયંત્રિત રાખવામાં મદદ મળે છે.
એ ડાયાબિટીસ સાથે સંકળાયેલ ઓક્સિડેટિવ સ્ટ્રેસની ખરાબ અસરો ઘટાડવા માટે ઉપયોગી મનાય છે.
નાળિયેર પાણીમાં રહેલ મેગ્નેશિયમ વધારાના લાભ આપે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે મેગ્નેશિયમ બ્લડસુગર લેવલ ઘટાડવામાં મદદ કરે છે. જોકે, અવાકાડો અને કેળામાં પણ ભરપૂર પ્રમાણમાં મેગ્નેશિયમ હોય છે.
જોકે, પ્રાણીઓ પર નાળિયેર પાણી અંગે થયેલાં સંશોધનોના આશાજનક પરિણામો મળ્યાં છે, જો વિલિયમ્સ કહે છે કે આની માનવી પર થતી અસરોના યોગ્ય મૂલ્યાંકન માટે વધુ સંશોધન કરવાની જરૂર છે.
શું નારીયેળ પાણી પિવાથી દારુનો નશો ઉતરી જાય ?
દારૂ (આલ્કોહોલ) પીધા બાદ નશો ચડે એ સ્વાભાવિક છે. દારૂ પીધા બાદ લિવર લોહીમાંથી ઝેરી તત્ત્વો નથી કાઢી શકતું, જેથી ડિહાઇડ્રેશન અને માથાનો દુખાવો, થાક અને ઊલટી જેવાં લક્ષણો દેખાવાં લાગે છે.
ધ વોગ વેબસાઇટે ફૂડ દાર્જિલિંગના સહસ્થાપક અને ન્યૂટ્રિશનિસ્ટ ડૉ. સિદ્ધાંત ભાર્ગવના નિવેદનમાં નોંધ્યું છે કે ઝડપથી હાઇડ્રેટ થવા માટે સૌથી સરળ અને સૌથી આરોગ્યપ્રદ વિકલ્પ નાળિયેર પાણી છે.
નાળિયેર પાણી પીવાથી ઉપર જણાવેલાં દારૂ પીધા બાદનાં લક્ષણોમાં રાહત મળી શકે છે. માથાના દુખાવામાં રાહત માટે પોટેશિયમ ખૂબ અસરકારક સાબિત થાય છે. નાળિયેર પાણીમાં રહેલા મૅંગેનીઝ અને ઍન્ટિઓક્સિડન્ટ્સ લિવરમાંથી ઝેરી તત્ત્વો બહાર કાઢવામાં મદદરૂપ સાબિત થાય છે. મૅંગેનીઝમાં સોજા સામે રક્ષણ આપવાના ગુણ હોય છે. એ દારૂના નશાને કારણે જોવાં મળતાં લક્ષણો ઠીક કરવા માટે પણ ઉપયોગી છે.
આવી જ રીતે જ્યારે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટનું સંતુલન બગડે, માથાનો દુખાવો, થાક અને ઊલટી થાય ત્યારે પણ નાળિયેર પાણી પીવાથી રાહત મળે છે.
નિષ્ણાતો અનુસાર નાળિયેર પાણી પીવાથી દારૂના નશાને લગતાં લક્ષણોને તાત્કાલિક અસર નથી થતી, પરંતુ તેનાથી શરીરને તાત્કાલિક પાણીનું પ્રમાણ વધારવા માટેની ઊર્જા જરૂર મળી રહે છે.
અહીં એ પણ નોંધનીય છે કે નશો ઉતારવા માટે નાળિયરેનું પાણી ઉપયોગી હોવાના પૂરતા વૈજ્ઞાનિક પુરાવા નથી. જોકે, એ નાળિયેર પાણીમાં ભરપૂર ઇલેક્ટ્રોલાઇટ હોવાને કારણે ઘણી વાર તેનો શરીરને રિહાઇડ્રેટ કરવા માટે ઉપયોગ થાય છે.