અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં વાઇબ્રન્ટ નવરાત્રિમાં ફ્રી એન્ટ્રી બંધ

By: Nation Gujarat Team
27 Sep, 2026

Ahmedabad GMDCVibrant Navratri 2026: વર્ષોથી અમદાવાદના આંગણે GMDC મેદાનમાં ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ઉજવાતો ‘વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ’ અત્યાર સુધી આમ જનતા માટે વિનામૂલ્યે ગરબા માણવાનું એક શ્રેષ્ઠ માધ્યમ હતો. પરંતુ, આ વર્ષે રાજ્ય સરકારે ખેલૈયાઓને મોટો ઝટકો આપ્યો છે. પહેલા નોરતાના અપવાદને બાદ કરતા, બાકીના તમામ દિવસો માટે સરકારી આયોજનમાં ‘ટિકિટ વિના પ્રવેશ નહીં’ તેવો તઘલખી નિર્ણય છૂપી રીતે લેવાયો છે. કારણ કે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પણ ‘બુક માય શો’ પર ટિકિટનું બુકિંગ શરૂ થઈ ચૂક્યું છે. અહીં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે, 23 વર્ષ સામાન્ય લોકો માટે ફ્રીમાં ચાલતા ધાર્મિક અને સાંસ્કૃતિક પર્વને કમાણીનું સાધન બનાવવાની જરૂર કેમ પડી ગઈ? કોંગ્રેસ પાર્ટી તરફથી પણ વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવમાં આસ્થા, સંસ્કૃતિ અને લાગણીનું વ્યાપારીકરણ થયું હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

માતાજીની આરાધના કરવા કે ગુજરાતની ઓળખ સમાન ગરબા જોવા માટે પણ હવે નાગરિકોએ ઓનલાઈન પ્લેટફોર્મ ‘બુક માય શો’ પર જઈને પોતાના ખિસ્સા ખાલી કરવા પડશે. પ્રાઇવેટ પાર્ટી પ્લોટના આયોજકોની જેમ જ સરકારે પણ મેદાનને અલગ અલગ ઝોનમાં વહેંચી દીધું છે. સામાન્ય લોકો માટે ‘સેલિબ્રેશન ઝોન’ અને પૈસા ખર્ચી શકતા વર્ગ માટે સ્ટેજની નજીક ‘પ્રીમિયમ એક્સપિરિયન્સ ઝોન’ ઊભો કરાયો છે.

સરકારના વાઈબ્રન્ટ નહીં ‘વેપાર’ના નવરાત્રિ મહોત્સવના પાસના આંકડા સામાન્ય અને મધ્યમ વર્ગ માટે આંચકાજનક છે. બીજાથી પાંચમા નોરતા દરમિયાન સામાન્ય ‘સેલિબ્રેશન ઝોન’માં એન્ટ્રી લેવા વ્યક્તિ દીઠ રૂપિયા 100 અને ગ્રુપ માટે રૂપિયા 300 થી 600 ચૂકવવા પડશે. જ્યારે VIP સુવિધા વાળા ‘પ્રીમિયમ ઝોન’નો ચાર્જ વ્યક્તિ દીઠ રૂપિયા 200 અને ગ્રુપ દીઠ 600 થી 1200 રહેશે. નવાઈની વાત એ છે કે છઠ્ઠા નોરતાથી આ ભાવ સીધા બમણાંથી પણ વધુ કરી દેવાયા છે! અંતિમ દિવસોમાં સેલિબ્રેશન ઝોન માટે રૂપિયા 250 (ગ્રુપ માટે 750-1500) અને પ્રીમિયમ ઝોન માટે અધધ 500 (ગ્રુપ માટે 1500-3000) ખર્ચવા પડશે.

એક તરફ સરકાર ગુજરાતની ગરબા સંસ્કૃતિને વૈશ્વિક ફલક પર પ્રમોટ કરવાના મોટા મોટા દાવા કરે છે, અને બીજી તરફ પોતાના જ રાજ્યના નાગરિકો પાસેથી ગરબા રમવા કે જોવા માટે ભારેખમ ઉઘરાણી કરી રહી છે. વર્ષોથી ફ્રી ચાલી આવતા આ સરકારી અને લોકોની આસ્થા અને ગુજરાતની ગરિમા સાથે જોડાયેલા કાર્યક્રમમાં વ્યવસાયિકતાનો આ ખુલ્લો પ્રવેશ ખરેખર નિરાશાજનક છે. શું પ્રવાસન વિભાગ પાસે બજેટ ખૂટી પડ્યું છે કે પછી આ તહેવારને માત્ર નફો રળવાનું માધ્યમ માની લેવામાં આવ્યું છે? સામાન્ય જનતા માટે આ નિર્ણય અત્યંત અન્યાયી છે અને તેનાથી ખેલૈયાઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

 


Related Posts

Load more