આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. હજી ચૂંટણીને આડે એક વર્ષ જેટલો સમય બાકી છે પણ ભાજપના કાર્યકરોને લોકો સુધી પહોંચવા માટે નવી રણનીતી ઘડવામાં આવી રહી છે. હાલમાં ચાલી રહેલા દિવાળીના તહેવાર બાદ ભાજપ એક્શન મોડમાં આવશે. રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો પર લોકો સુધી પહોંચવા માટે ભાજપે ખાસ આયોજન કર્યું છે. તમામ ધારાસભ્યોને મોવડી મંડળ દ્વારા આદેશો આપી દેવામાં આવ્યા છે.
દિવાળીના તહેવારો પૂર્ણ થતાંની સાથે જ ગુજરાત ભાજપ સંગઠન એક્શન મોડમાં આવી ગયું છે.નવા વર્ષના પાવન અવસરે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર રાજ્યમાં એક વ્યાપક અને સંગઠનાત્મક સ્નેહમિલન અભિયાન હાથ ધરવાનો નિર્ણય કરાયો છે.આ વિશેષ સ્નેહમિલન સમારોહના માધ્યમથી ભાજપ સીધો સામાન્ય જનતા અને મતદારો સુધી પહોંચશે તથા લોકસંપર્કને વધુ વ્યાપક બનાવશે.આ ઉપરાંત વર્ષ 2027માં યોજાનારી ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીઓના પ્રચાર પ્રસાર માટે પણ આ સ્નેહમિલન સમારોહ એક અત્યંત પ્રભાવશાળી અને મહત્વનું રાજકીય માધ્યમ બની રહેશે.નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવાની સાથોસાથ પક્ષ સ્નેહમિલનના આ મંચ પરથી પ્રચાર અભિયાનને અત્યારથી જ વેગ આપશે.
આ અભિયાનને પાયાના સ્તરે લઈ જવા માટે ભાજપના તમામ ધારાસભ્યોને પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતેથી મહત્વપૂર્ણ સૂચનાઓ જારી કરવામાં આવી છે. કમલમ તરફથી મળેલી સ્પષ્ટ સૂચના મુજબ ભાજપના તમામ ધારાસભ્યોએ પોતાના સંબંધિત વિધાનસભા મતવિસ્તારમાં સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવાનું રહેશે. સમગ્ર ગુજરાતની તમામ 182 વિધાનસભા બેઠકો પર આ સ્નેહમિલન સમારોહ યોજવામાં આવશે.કાર્યક્રમોના સુચારુ સંચાલન માટે સમયગાળો પણ નિર્ધારિત કરવામાં આવ્યો છે.જે અનુસાર પ્રત્યેક વિધાનસભા વિસ્તાર પ્રમાણે લાભ પાંચમથી શરૂ કરીને દેવ દિવાળી સુધીના સમયગાળા દરમિયાન આ તમામ સ્નેહમિલન સમારોહ સંપન્ન કરવાના રહેશે. તમામ ધારાસભ્યો પોતાના વિસ્તારોમાં લોકસંપર્ક વધારવા માટે સંપૂર્ણ તૈયારી કરી રહ્યા છે.
ગુજરાતની તમામ 182 બેઠકો પર યોજનારા આ સ્નેહમિલન સમારોહમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ અને રાજ્ય સરકારના મંત્રીઓ પણ વિશેષ રૂપે હાજરી આપશે. પક્ષના અગ્રણી વરિષ્ઠ નેતાઓ અને મંત્રીઓની હાજરીથી કાર્યક્રમોનું મહત્વ અનેકગણું વધી જશે તથા સંગઠનને નવી ઊર્જા પ્રાપ્ત થશે. વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભાજપ આ સ્નેહમિલન સમારોહને જનસંપર્ક અને ચૂંટણી પ્રચારનું પ્રમુખ સાધન બનાવી રહ્યું છે. લાભ પાંચમથી દેવ દિવાળી સુધી યોજાનારા આ કાર્યક્રમોમાં વરિષ્ઠ નેતાઓ સ્થાનિક લોકો અને કાર્યકરો સાથે સંવાદ સાધશે. કમલમની તાકીદ બાદ તમામ ધારાસભ્યોએ પોતાના ક્ષેત્રમાં સ્નેહમિલન યોજવા તડામાર તૈયારીઓ આરંભી છે. આ સમારોહ દ્વારા ભાજપ પ્રત્યેક મતદાર સુધી પહોંચીને પોતાનો જનાધાર વધુ મજબૂત કરશે અને ચૂંટણી પ્રચારની આગોતરી પૂર્વતૈયારીઓ આખરી ઓપ આપીને પૂર્ણ કરશે.