એર ઈન્ડિયાની ફ્લાઈટના અરીસામાં કોણે લખી હાઈજેકની ધમકી? સુરક્ષા એજન્સીઓ એક્શનમાં

By: Nation Gujarat Team
11 Nov, 2026

Air India Hijack Threat : કોલકાતાથી મુંબઈ જતી એર ઈન્ડિયાની એક ફ્લાઇટમાં હાઇજેકની ધમકી મળતાં એરપોર્ટ પર ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બુધવારે (11 નવેમ્બર) સવારે ઉડાન ભરવાની તૈયારી કરી રહેલા વિમાનમાં ધમકીભર્યો સંદેશ મળી આવતાં પાયલટે તાત્કાલિક એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને જાણ કરી હતી. ત્યારબાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી અને વિમાનને આઇસોલેશન બેમાં ખસેડવામાં આવ્યું હતું. CISF સહિતની સુરક્ષા એજન્સીઓએ વિમાનની તપાસ શરૂ કરી હતી.

ઉડાન પહેલાં મળ્યો હાઇજેકનો એલર્ટ

મળતી માહિતી અનુસાર, કોલકાતાના નેતાજી સુભાષચંદ્ર બોઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી મુંબઈ જવા માટે તૈયાર એર ઈન્ડિયાની ફ્લાઇટ AI 772 ટેકઓફ કરવાની તૈયારીમાં હતી. આ દરમિયાન વિમાનમાં હાઇજેક સંબંધિત ધમકીનો સંદેશ મળી આવ્યો હતો. વિમાનના પાયલટને આ અંગે જાણ થતાં તેમણે તરત જ ATCને એલર્ટ આપ્યું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એરપોર્ટ સત્તાવાળાઓએ તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા સક્રિય કરી હતી.

ટોયલેટના અરીસા પર લખ્યો હતો ધમકીભર્યો સંદેશ?

પ્રાથમિક મીડિયા અહેવાલો અનુસાર, વિમાનના ટોયલેટમાં આવેલા અરીસા પર હાઇજેક સંબંધિત ધમકીભર્યો સંદેશ લખવામાં આવ્યો હોવાની આશંકા છે. અન્ય એક અહેવાલમાં પાયલટને કોકપિટમાં ધમકી અંગેની ચિઠ્ઠી મળી હોવાની માહિતી આપવામાં આવી છે. જોકે, સંદેશ ચોક્કસ ક્યાંથી મળ્યો તે અંગે સત્તાવાર પુષ્ટિ સામે આવી નથી. આ સંદેશની જાણ થતાં જ પાયલટે સુરક્ષા એજન્સીઓને જાણ કરી હતી, જેના પગલે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

વિમાનને આઇસોલેશન બેમાં ખસેડાયું

હાઇજેકના એલર્ટ બાદ વિમાનને સામાન્ય પાર્કિંગ વિસ્તારથી દૂર આઇસોલેશન બેમાં ખસેડવામાં આવ્યું હતું. ત્યારબાદ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF) અને એરપોર્ટના સુરક્ષા અધિકારીઓએ તપાસ શરૂ કરી હતી. વિમાનમાં કોઈ શંકાસ્પદ વસ્તુ કે અન્ય જોખમની શક્યતા છે કે નહીં તે જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી હતી. અહેવાલો અનુસાર, મુસાફરોને પણ વિમાનમાંથી નીચે ઉતારવામાં આવ્યા હતા.

CCTV ફૂટેજ અને મુસાફરોની વિગતોની તપાસ

બીજી તરફ, ધમકીભર્યો સંદેશ કોણે લખ્યો અને તેની પાછળ કોનો હાથ છે તે જાણવા પોલીસ તથા સુરક્ષા એજન્સીઓ તપાસ કરી રહી છે. આ માટે વિમાનમાં સવાર મુસાફરોની યાદી અને એરપોર્ટ પર ઉપલબ્ધ CCTV ફૂટેજ તપાસવામાં આવી રહ્યાં છે. વિમાનની અંદર અને એરપોર્ટ પરની હિલચાલ અંગે પણ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. હાલ સુરક્ષા એજન્સીઓ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ ધમકીની વાસ્તવિકતા અને તેની પાછળના વ્યક્તિ અંગે વધુ વિગતો સામે આવશે.


Related Posts

Load more
Follow Us

Live Cricket Score