સુરતમાં વરાછાની SBI બેંકમાં ગત 27 એપ્રિલ, 2026ના રોજ થયેલી લૂંટના આરોપી શુભમ ઠાકુરને જ્યાં હથિયાર સહિતનો સામાન સંઘર્યો હતો એ કન્યાસી ગામ લઈ જવાયો હતો. રિકન્સ્ટ્રક્શન અને રિકવરીની આ કાર્યવાહી દરમિયાન સાંજના સાડા પાંચેક વાગ્યાના અરસામાં શુભમ ઠાકુરે પોલીસ પર ફાયરિંગ કરતા પોલીસે વળતા પ્રહાર કરતા પગમાં ગોળી ધરબી દીધી હતી.
સુરત જિલ્લાના કન્યાસી ગામમાં ગણતરીની ક્ષણોમાં જ સામ સામા ફાયરિંગમાં લગભગ હાફ એન્કાઉન્ટર જેવી સ્થિતિ ઉભી થઈ ગઈ હતી. આ દિલધડક બનાવ કેવી રીતે બન્યો, અને તે સમયે શું શું થયું તે અંગે જણાવીશું
સુરત ક્રાઇમ બ્રાન્ચ કન્યાસી ગામે નેશનલ હાઇવે 48 થી અંદરના વિસ્તારમાં રિકન્સ્ટ્રક્શન તથા તેણે છુપાવેલા હથિયારો રિકવર કરવા પોલીસ કાફલો પહોંચ્યો હતો. પોલીસ અને આરોપી શુભમ સામાન્ય સ્થિતિ હોય એ રીતે ઘટનાસ્થળ સુધી પહોંચ્યા હતા. આ કાર્યવાહીમાં ક્રાઈમ બ્રાન્ચના એસીપી કિરણ મોદી, એક પીઆઈ અને બે કોન્સ્ટેબલ પણ સામેલ હતા. તેમની સાથે મદદમાં વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈ અને તેમના બે કોન્સ્ટેબલ પણ હાજર રહ્યા હતા. કાયદેસરની પ્રક્રિયાની પારદર્શિતા જાળવવા માટે પોલીસ પોતાની સાથે બે પંચોને પણ ઘટનાસ્થળે લઈ ગઈ હતી.
આરોપી શુભમ ઠાકુરે જ્યારે હથિયાર અને મોબાઈલ જે જગ્યાએ છુપાવ્યા હતા તે જગ્યા બતાવી, ત્યારે પોલીસ અને પંચોની હાજરીમાં જમીનમાંથી વસ્તુઓ કાઢવાની પ્રક્રિયા શરૂ થઈ. આ સમયે સમયે અચાનક જ શુભમે એક પોલીસ કર્મચારીને ધક્કો મારી પોતે જ છુપાવેલી પિસ્તોલ કાઢી લીધી અને સીધું જ વરાછા પીઆઈ પર નિશાન સાધીને ફાયરિંગ કર્યું હતું, પરંતુ પીઆઈ બેહદ સતર્ક હોવાથી સાઈડમાં ખસી ગયા અને ગોળી હવામાં જતી રહી. પોલીસ કાફલા પર અચાનક જ થયેલા આ હુમલાથી સ્થળ પર થોડીવાર તો અફરાતફરી મચી ગઈ.
પોલીસ ટીમ પર જીવલેણ હુમલો થતા જ એસીપી કિરણ મોદીએ તુરંત જ મોરચો સંભાળી લીધો. આરોપી ભાગી ન જાય અને વધુ નુકસાન ન કરે તે હેતુથી એસીપીએ પોતાની સર્વિસ ગનથી આરોપીના પગ પર નિશાન સાધ્યું અને સચોટ નિશાન સાથે છોડવામાં આવેલી ગોળી આરોપીના બંને પગમાં વાગતા તે ત્યાં જ ફસડાઈ પડ્યો હતો. શુભમ ફસડાતા જ આ સમગ્ર ઓપરેશનમાં હાજર પોલીસકર્મીઓએ તેને દબોચી લીધો હતો.
સુરતની વરાછા બ્રાન્ચની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ₹50 લાખ લૂંટ કેસની તપાસમાં બહાર આવ્યું છે કે, લૂંટારૂ ટોળકીને સુરતમાં ચંદન ઉર્ફે જેક નામના શખ્સે આશરો આપ્યો હતો અને લૂંટ બાદ આરોપીઓ પોલીસથી બચવા ભરૂચ તથા સોમનાથ સુધી પહોંચી ગયા હતા. જોકે, હજુ પણ ₹48 લાખથી વધુની રોકડ રકમ અને લૂંટમાં વપરાયેલા હથિયારો કબજે કરવાના બાકી હોવાથી પોલીસે માસ્ટરમાઇન્ડ કુંદન ભગત સહિત અન્ય સાત ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
વરાછામાં આવેલી SBI બેંકમાં 50 લાખની લૂંટના તાર બિહારની જેલ સાથે જોડાયા છે. આ લૂંટનો માસ્ટરમાઇન્ડ કુંદન કુમાર ઉર્ફે કુંદન ભગત હાલ બિહારની આદર્શ સેન્ટ્રલ જેલ બેઉર (પટના)માં બંધ છે. જેલમાં હોવા છતાં તેણે પોતાની ગેંગના સભ્યો સાથે સંપર્ક જાળવી રાખી સુરતની બેંકને ટાર્ગેટ બનાવી હતી.
કુંદન ભગત અગાઉ દેહરાદૂનમાં 12 કરોડની રિલાયન્સ જ્વેલરી લૂંટમાં પણ સંડોવાયેલો હતો. ક્રાઇમ બ્રાન્ચ ઝડપાયેલા કુખ્યાત કુંદન ભગત ગેંગના બે સાગરીત એવા શુભમ અને વિકાસને UPથી સુરત લાવી હતી. કુંદન જેલમાં હોવા છતાં એક ખાસ એપના માધ્યમથી તે લૂંટારુઓને સૂચનાઓ આપતો હતો. સુરત ક્રાઈમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશના ગોંડાથી મુખ્ય આરોપી શુભમ સિંહ અને તેને આશરો આપનાર તેના મિત્ર વિકાસ સિંહની ધરપકડ કરી હતી. પોલીસની તપાસ એકદમ ફિલ્મી રહી હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમે રાયબરેલીમાં વિકાસની શૂઝની દુકાને ગ્રાહક બનીને તપાસ કરી હતી. ત્યારબાદ સતત પીછો કરી બંનેને ગોંડા પાસેથી ઝડપી પાડ્યા હતા. મુખ્ય આરોપી શુભમ મૂળ બિહારનો વતની છે અને રાયબરેલીમાં વિકાસની દુકાન પાસે જ પોતાની દુકાન ચલાવતો હતો.