Sri Lanka vs Zimbabwe: T20 વર્લ્ડ કપ 2026માં ઝિમ્બાબ્વેની ટીમ કમાલ કરી રહી છે. હવે તેણે શ્રીલંકાને તેના જ ઘરમાં 6 વિકેટથી હરાવ્યું છે. કોલંબો સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં શ્રીલંકાએ પહેલા બેટિંગ કરતા 178 રનનો સ્કોર કર્યો હતો. જેના જવાબમાં ઝિમ્બાબ્વેએ 3 બોલ બાકી રહેતા ટાર્ગેટ હાંસલ કરી લીધો. આ અગાઉ ઝિમ્બાબ્વેની ટીમ આ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાને હરાવી ચૂકી છે. ઝિમ્બાબ્વેએ T20 વર્લ્ડ કપમાં વધુ એક મોટો ઉલટફેર કર્યો છે.
આ મેચમાં ટોસ જીતીને શ્રીલંકન ટીમ પહેલા બેટિંગ કરવા આવી હતી, તેમણે પથુમ નિસાંકાની અડધી સદીની મદદથી સ્કોરબોર્ડ પર ઠીકઠાક સ્કોર બનાવ્યો હતો. પરંતુ સિકંદર રજા અને તેની સેનાએ વધુ એક મોટો ઉલટફેર કરવાના મૂડમાં મેદાનમાં ઉતરી હતી.

179 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની ટીમને બ્રાયન બેનેટ અને તાડિવાનાશે મરૂમાનીએ દમદાર શરૂઆત અપાવી અને 69 રનોની સલામી ભાગીદારી કરી નાખી. પહેલી 10 ઓરમાં ઝિમ્બાબ્વેની ટીમે ખૂબ ધીમા રન-રેટથી સ્કોર આગળ વધાર્યો. 10 ઓવરમાં તેણે માત્ર 78 રન બનાવ્યા હતા, પરંતુ સારી વાત એ હતી કે તેની પાસે 9 વિકેટ બચેલી હતી.

સિકંદર રજાની તોફાની ઈનિંગ
એક બાજુ બ્રાયન બેનેટે મોરચો સંભાળ્યો હતો, જે મેચમાં 63 રન બનાવીને અણનમ પરત ફર્યો. ત્યારે ઈનિંગની 12મી ઓવરમાં કેપ્ટન સિકંદર રજા બેટિંગ કરવા આવ્યો. તેણે પોતાની ઈનિંગના પહેલા 9 બોલમાં માત્ર 6 રન બનાવ્યા હતા, જ્યારબાદ તેણે ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ શરૂ કરી દીધો. આગામી 16 બોલમાં સિકંદરે 39 રન ફટકારી દીધા.
અંતિમ 10 ઓવરમાં ઝિમ્બાબ્વેને જીત માટે 101 રન બનાવવાના હતા. તે સિકંદર રજાની 45 રનની તોફાની ઈનિંગનું પરિણામ રહ્યું કે, ઝિમ્બાબ્વે 179ના વિશાળ ટાર્ગેટને હાંસલ કરી શકી. જણાવી દઈએ કે, આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટ ઇતિહાસમાં ઝિમ્બાબ્વેનો બીજો સૌથી મોટો સફળ રન ચેઝ છે. ત્યારે ઝિમ્બાબ્વેની ટીમ ગ્રુપ Bમાં ટોપ પર રહી.