Virat Kohli-Anushka Sharma Planning to Settle in London? : ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ઘણીવાર લંડનમાં જોવા મળે છે. એવામાં સોશિયલ મીડિયામાં ઘણા સમયથી એવી ચર્ચા ચાલી રહી હતી કે બંને ત્યાં જ સ્થાઈ પણ શકે છે. એવામાં હવે વિરાટ અને અનુષ્કા અવારનવાર લંડન કેમ જાય તેને લઈને બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિતના પતિ ડૉક્ટર શ્રીરામ નેનેએ મોટો ખુલાસો કર્યો છે.
બાળકોને ગ્લેમરથી દૂર રાખવા માંગે છે વિરાટ કોહલી અને અનુષ્કા
એક પૉડકાસ્ટમાં ડૉ. નેનેએ જણાવ્યું છે કે ‘હું ઘણીવાર તેમને મળી ચૂક્યો છું. એક દિવસ મેં અનુષ્કા સાથે વાત કરી તેઓ લંડન જવાનું વિચારી રહ્યા હતા કારણ કે ભારતમાં તેઓ પોતાની સફળતાનો આનંદ નથી ઉઠાવી શકતા. તેઓ જે કંઈ પણ કરે તેના પર સૌ કોઈનું ધ્યાન ખેંચાય છે. ઘણીવાર તમે લંચ કે ડિનર કરી રહ્યા હોવ અને અચાનક જ કોઈ સેલ્ફી લેવા માટે આવી જાય, એવા સમયે પણ તમારે વિનમ્ર જ રહેવું પડે. વિરાટ અને અનુષ્કા તેમના બાળકોને સાદગીથી મોટા કરવા માંગે છે. તેઓ બાળકોને ઝાકમઝોળ (ગ્લેમર)થી દૂર રાખવા માંગે છે.’