BCCI Revises Pay Structure : ભારતીય મહિલા ક્રિકેટને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં ભારતીય મહિલા ટીમે 2025ની વનડે વર્લ્ડ કપ ટ્રોફી જીતીને ઇતિહાસ રચ્યો હતો. આ જીત પછી હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ મહિલા ક્રિકેટરોને એક મોટી ખુશખબર આપી છે. BCCI એ ઘરેલુ મહિલા ક્રિકેટમાં મેચ ફી અંગે મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. હવે ઘરેલુ ક્રિકેટમાં મહિલા ખેલાડીઓને પુરુષ ખેલાડીઓ જેટલી જ મેચ ફી મળશે. આ નિર્ણયને મહિલા ક્રિકેટ માટે મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.
હવે મહિલા ખેલાડીઓને કેટલી મળશે મેચ ફી?
નવા નિર્ણય મુજબ ઘરેલુ વનડે અને મલ્ટી-ડે મેચોમાં રમતી મહિલા ખેલાડીઓને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ થવા બદલ દરરોજ 50 હજાર રૂપિયા મળશે. જો ખેલાડી રિઝર્વ તરીકે ટીમમાં હોય તો તેને પ્રતિ મેચ 25 હજાર રૂપિયા મળશે. T20 ફોર્મેટની વાત કરીએ તો પ્લેઇંગ ઇલેવનમાં રમનાર મહિલા ખેલાડીઓને પ્રતિ મેચ 25 હજાર રૂપિયા મળશે જ્યારે બેન્ચ પર રહેનાર ખેલાડીઓને 12,500 રૂપિયા આપવામાં આવશે. આ પહેલા સિનિયર મહિલા ખેલાડીઓને પ્લેઇંગ ઇલેવનમાં હોવા બદલ માત્ર 20 હજાર રૂપિયા મળતા હતા અને રિઝર્વ ખેલાડીઓને 10 હજાર રૂપિયા આપવામાં આવતા હતા. એટલે કે હવે મેચ ફીમાં બમણાથી પણ વધુ વધારો થયો છે.
જુનિયર મહિલા ખેલાડીઓને પણ મોટો લાભ
BCCI એ જુનિયર સ્તરની મહિલા ટુર્નામેન્ટમાં પણ સમાનતા લાગુ કરી છે. બહુ-દિવસીય અને વનડે મેચોમાં જુનિયર સ્તરની પ્લેઇંગ ઇલેવનને દરરોજ 25 હજાર રૂપિયા મળશે અને રિઝર્વ ખેલાડીઓને 12,500 રૂપિયા મળશે. T20 મેચોમાં જુનિયર પ્લેઇંગ ઇલેવનને 12,500 રૂપિયા અને અન્ય ખેલાડીઓને 6,250 રૂપિયા પ્રતિ મેચ ચૂકવવામાં આવશે. આ નિર્ણયથી યુવા મહિલા ક્રિકેટરોને પણ આગળ વધવાની મોટી તક મળશે.
માત્ર ખેલાડીઓ જ નહીંપરંતુ અમ્પાયર અને મેચ રેફરીઓ માટે પણ BCCI એ પગારમાં વધારો કર્યો છે. સ્થાનિક ટુર્નામેન્ટની લીગ મેચોમાં હવે અમ્પાયર અને મેચ રેફરીઓને દરરોજ 40 હજાર રૂપિયા મળશે. નોકઆઉટ મેચોમાં આ રકમ વધીને 50 હજારથી 60 હજાર રૂપિયા સુધી પહોંચશે. રણજી ટ્રોફીની લીગ મેચોમાં અમ્પાયરિંગ કરનાર અધિકારીઓને હવે એક મેચ માટે અંદાજે 1.60 લાખ રૂપિયા મળશે, જ્યારે નોકઆઉટ મેચોમાં આ રકમ 2.5 લાખથી 3 લાખ રૂપિયા સુધી રહેશે.
મહિલા ક્રિકેટ માટે મહત્વપૂર્ણ પગલું
BCCIનો આ નિર્ણય મહિલા ક્રિકેટમાં સમાનતા અને પ્રોત્સાહન માટે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યો છે. આથી મહિલા ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધશે અને આવનારા સમયમાં વધુ પ્રતિભાશાળી ખેલાડીઓ ભારતીય ક્રિકેટ તરફ આકર્ષાશે.