Russia Earthquake : રશિયાના દૂર પૂર્વના વિસ્તારમાંના કામશ્યતકા દ્વિપકલ્પમાં 30 જુલાઈએ સવારે 8.8ની તીવ્રતાનો ધરતીકંપ આવ્યા બાદ આજે (3 ઓગસ્ટે) ફરી સાતની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ ભૂકંપના કારણે કુરીલ આઈલેન્ડની ધરતી ધ્રુજી ગઈ છે. એટલું જ નહીં ભૂકંપના કારણે 600 વર્ષ બાદ જ્વાળામુખી પણ ફાટ્યો છે, જેના કારણે આસપાસના વિસ્તારો એલર્ટ મોડ પર આવી ગયા છે.
જ્વાળામુખી સક્રિય થયો
અમેરિકન જિયોલોજિકલ સર્વેના જણાવ્યા મુજબ, રશિયાના સેવેરો-કુરીલથી લગભગ 121 કિલોમીટર પૂર્વમાં સાતની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે. ભારતીય સમય અનુસાર ભૂકંપ સવારે 11 કલાકે આવ્યો હતો. ભૂકંપ બાદ કામચટકા દ્વિપકલ્પ પર ક્રશેનિનિકોવ જ્વાળામુખી સક્રિય થઈ ગયો છે. ‘સિન્હુઆ’ સમાચાર એજન્સીએ પણ કહ્યું છે કે, ભૂકંપના કારણે કમચટકા આઈલેન્ડ પર ક્રશેનિનિકોવ જ્વાળામુખી ફાટી ગયો છે. કુરીલ દ્વિપ પર સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે.
બીજી ઓગસ્ટે 6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો
ભૂકંપ નિષ્ણાંતોના મતે કોઈપણ મોટો ભૂકંપ આવ્યા બાદ કેટલાક કલાકોથી લઈને કેટલાક દિવસો સુધી મોટા આંચકા અને સતત આવતા રહે છે. જેમ જેમ સમય પસાર થાય છે, તેમ તેમ તેની તીવ્રતા ઘટતી રહે છે. 30 જુલાઈએ આવેલા ભૂકંપ બાદ જાહેર કરાયેલી સુનાવણીની ચેતવણી હટાવી લેવાઈ છે. આ ભૂકંપ આવ્યા બાદ બે ઓગસ્ટે પણ ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા 6.0 આંકવામાં આવી હતી.
6000 મીટર ઊંચે ઉડી જ્વાળામુખીની રાખ
કમચટકા વોલ્કેનિક ઈરપ્શન રિસ્પોન્સ ટીમના જણાવ્યા મુજબ, 1856 મીટર ઊંચે આવેલા જ્વાળામુખીની રાખ લગભગ 6000 મીટર ઊંચે સુધી ઉડતી દેખાઈ છે. ટીમના પ્રમુખ ઓલ્ગા ગિરિનાએ કહ્યું કે, 600 વર્ષમાં પહેલીવાર આવો વિસ્ફોટ સંભળાયો છે. જ્વાળામુખીના ઢોળાવ પર લાવા તિરાડો પડી રહી છે. ઉત્તર દિશામાં ખાડામાંથી રાખના વાદળો સતત બહાર આવી રહ્યા છે અને સાથે જ મજબૂત વરાળ અને ગેસનું ઉત્સર્જન પણ થઈ રહ્યું છે. આ જ્વાળામુખીનું નામ તેના શોધક સ્ટેપન ક્રેશેનિનિકોવના નામ પરથી રાખવામાં આવ્યું છે.
રશિયાના કામચટકા અને ક્યુરિલ ટાપુ પર જ્વાળામુખી
રશિયા વિશ્વના સૌથી વધુ જ્વાળામુખી ધરાવતા દેશોમાંનો એક છે. તેના મોટાભાગના સક્રિય જ્વાળામુખી દેશના દૂર પૂર્વ ભાગમાં, ખાસ કરીને કામચટકા દ્વીપકલ્પ અને ક્યુરિલ ટાપુઓ પર આવેલા છે. આ પ્રદેશો પેસિફિક મહાસાગરની આસપાસના ભૂકંપ અને જ્વાળામુખીની પ્રવૃત્તિઓ માટે જાણીતા ‘રિંગ ઓફ ફાયર’ નો એક ભાગ છે.
રશિયામાં 26 જ્વાળામુખી સક્રિય
રશિયામાં 160 થી વધુ જ્વાળામુખીઓ છે, જેમાંથી લગભગ 29 સક્રિય ગણાય છે. તેમાંથી કેટલાક સૌથી મહત્વપૂર્ણ જ્વાળામુખીની વાત કરીએ તો કામચટકા દ્વીપકલ્પના ક્લ્યુચેવસ્કાયા સોપકા સ્થિત આવેલો જ્વાળામુખી યુરેશિયાનો સૌથી ઊંચો સક્રિય જ્વાળામુખી છે, જેની ઊંચાઈ 4,750 મીટરથી વધુ છે. આ જ્વાળામુખી ખૂબ જ સક્રિય છે અને વારંવાર વિસ્ફોટ થાય છે. તાજેતરમાં, જુલાઈ 2025માં તેના વિસ્ફોટને કારણે રાખનો મોટો પ્લુમ 13 કિલોમીટર સુધી ફેલાયો હતો. ત્યારબાદ કામચટકા દ્વીપકલ્પ શિવલુચ પરનો જ્વાળામુખી લગભગ 60,000 વર્ષ જૂનો છે અને તેના વિસ્ફોટો ખૂબ જ વિનાશક હોય છે. એપ્રિલ 2023માં થયેલા તેના વિસ્ફોટથી આસપાસના ગામોમાં ભારે માત્રામાં રાખ ફેલાઈ ગઈ હતી. આ જ દ્વીપકલ્પ પર આવેલો ટોલબાચિક પરનો જ્વાળામુખી અનેક વિસ્ફોટ માટે જાણીતો છે. બેઝીમયાની પરના જ્વાળામુખીમાં 1956માં વિસ્ફોટ થયો હતો, જેને અત્યાર સુધીના સૌથી મોટા વિસ્ફોટોમાંનો એક ગણવામાં આવે છે. ત્યારથી તે સતત સક્રિય રહે છે.