ગાંધીનગર: ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં એક તરફ ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ થયું છે, તો બીજી તરફ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. વિધાનસભાના સત્રના પ્રથમ દિવસથી જ વિપક્ષ કોંગ્રેસ પક્ષ સંપૂર્ણ આક્રમક મૂડમાં જોવા મળ્યો છે. વિધાનસભા ભવનથી માત્ર થોડા જ અંતરે કોંગ્રેસ દ્વારા વિરાટ ‘જન આક્રોશ ધારણા’ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ, કાર્યકરો અને સામાન્ય નાગરિકો ઉમટી પડ્યા હતા.
વિવિધ પ્રશ્ને કોંગ્રેસનો વિરોધ
જયારે ગૃહની અંદર વિવિધ મુદ્દે સરકારી નીતિઓનો વિરોધ થઈ રહ્યો હતો, ત્યારે ગૃહની બહાર જાહેર મંચ પરથી કોંગ્રેસના શિર્ષ નેતાઓએ ભાજપ સરકારની કામગીરી સામે આકરા પ્રહારો કર્યા હતા. આ વિરોધ પ્રદર્શન દ્વારા કોંગ્રેસે પ્રજાના પડતર પ્રશ્નો અને મુશ્કેલીઓને વાચા આપવાનો પ્રયાસ કર્યો હતો.
કોંગ્રેસ નેતાઓએ રાજ્યમાં દિન-પ્રતિદિન કથળતી જતી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. ખાસ કરીને રાજ્યમાં વધી રહેલા મહિલા અત્યાચારના બનાવો અને ગુનાખોરી સામે સરકાર લાચાર સાબિત થઈ હોવાના ગંભીર આરોપો લગાવ્યા હતા.
ખેડૂતોની સમસ્યાઓ અને દુષ્કાળની માગ: ચોમાસાની સીઝનમાં અનિયમિત અને અપૂરતા વરસાદને કારણે જગતનો તાત ભારે મુશ્કેલીમાં મુકાયો છે. કોંગ્રેસે તત્કાલિક ધોરણે પીડિત વિસ્તારો માટે વિશેષ આર્થિક સહાય પેકેજ જાહેર કરવાની અને રાજ્યમાં વિધિવત રીતે ‘દુષ્કાળ’ જાહેર કરવાની પૂરજોર માગ કરી છે.
મોંઘવારી અને સામાન્ય વર્ગ: આકાશે આંબતી મોંઘવારીમાં સામાન્ય અને મધ્યમ વર્ગનું જીવવું દુષ્કર બની ગયું છે. ગેસ, પેટ્રોલ-ડીઝલ અને ઘરગથ્થુ વસ્તુઓના ભાવવધારા સામે રક્ષણ આપવા માટે સરકારે નક્કર પગલાં ભરવા જોઈએ તેવી રજૂઆત કરાઈ હતી.
રોજગારી અને પેપર લીક કાંડ: યુવાનોના ભવિષ્ય સાથે થતા ખિલવાડ મુદ્દે પણ કોંગ્રેસ આકરા પાણીએ જોવા મળી હતી. સરકારી ભરતીઓમાં વારંવાર થતા ‘પેપર લીક’ અને વધતી જતી બેરોજગારી મુદ્દે યુવાનોને કાયમી અને સન્માનજનક રોજગારી આપવાની માંગણી મંચ પરથી કરવામાં આવી હતી.
શિક્ષણ અને આરોગ્યનું વ્યાપારીકરણ: સરકારી શાળાઓ અને હોસ્પિટલોની નબળી સ્થિતિ તથા શિક્ષણ-આરોગ્ય ક્ષેત્રે વધી રહેલા ખાનગીકરણના વિરોધમાં પણ અવાજ ઉઠાવવામાં આવ્યો હતો.
જાતિગત અત્યાચાર: સમાજના વંચિત અને શોષિત વર્ગો પર વધી રહેલા જાતિગત અત્યાચારો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગણી દોહરાવવામાં આવી હતી. સત્રના પ્રારંભે જ કોંગ્રેસે જે રીતે રસ્તા પર ઉતરીને અક્રમક વિરોધ નોંધાવ્યો છે, તે જોતાં આગામી દિવસોમાં વિધાનસભા સત્ર દરમિયાન પણ ગૃહમાં ભારે ગરમાવો અને તોફાની દ્રશ્યો જોવા મળી શકે છે. પ્રજાના પ્રાણપ્રશ્નોને લઈને કોંગ્રેસે ચોમાસું સત્રના પ્રારંભે જ સરકાર સામે સીધો જંગ છેડી દીધો છે.