Rajkot Lodhika Sangh Election: રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીના પરિણામોએ સહકારી રાજકારણમાં ભારે ચકચાર મચાવી દીધી છે. સવારે 9 વાગ્યે મતગણતરી શરૂ થયા બાદ આવેલા પરિણામોમાં ભાજપના જ બે દિગ્ગજ જૂથો (જયેશ રાદડિયા જૂથ અને પ્રશાંત કોરાટ જૂથ) સામસામે હોવાથી ચૂંટણી અત્યંત રસાકસીભરી બની હતી. કુલ 15 બેઠકોમાંથી 10 બેઠકો અગાઉ બિનહરીફ થઈ ચૂકી હતી, જ્યારે બાકી રહેલી અન્ય 5 બેઠકો પર મતદાન યોજાયું હતું. આ 5 બેઠકો માટે કુલ 21માંથી 20 મતદારોએ પોતાના મતદાનનો ઉપયોગ કર્યો હતો. ચૂંટણીના આ જંગમાં પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી, પૃથ્વીસિંહ જાડેજા ઉર્ફે ઘોઘુભા, બાબુ નસિત, મહેશ આસોદરિયા અને વિજય સખિયા સહિતના અનેક દિગ્ગજ નેતાઓ મેદાનમાં હતા.
આ ચૂંટણીમાં રાજકોટ લોધિકા સંઘની બેઠકો પર મોટા રાજકીય ઉલટફેરો જોવા મળ્યા છે. ભાજપ દ્વારા જેને સત્તાવાર વ્હિપ આપવામાં આવ્યો હતો અને પક્ષના તમામ 4 મતદારોને મત આપવા આદેશ કરાયો હતો તેવા પૃથ્વીસિંહ જાડેજા ઉર્ફે ઘોઘુભાનો પરાજય થયો છે. તેમની સામે વિજય સખિયાની શાનદાર જીત થઈ છે. માધાપર જૂથ બેઠક પર વિજય સખિયા અને કુંવાડવા જૂથ બેઠક પર નીતિન ચોવટિયાની જીત થઈ છે. ખાસ વાત એ છે કે આ બંને સીટો પર રાદડિયા જૂથના ટેકેદારોને સત્તાવાર મેન્ડેટ ન મળવા છતાં તેમણે બળવો કરીને ફોર્મ ભર્યા હતા અને અંતે આ બળવાખોર ઉમેદવારોની જીત થઈ હતી. આ સાથે જ પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી પણ કુંવાડવા બેઠક પર નીતિન ચોવટિયા સામે ચૂંટણી હારી ગયા છે.
ચૂંટણીના અંતિમ આંકડા મુજબ આ સમગ્ર જંગમાં જયેશ રાદડિયા જૂથનો સ્પષ્ટ દબદબો જોવા મળ્યો છે. ત્રંબા સીટ પર ચૂંટણી ટાઈ થઈ હતી, ત્યારબાદ હાથ ધરાયેલી ચિઠ્ઠી પદ્ધતિમાં નીતિન રામાણીની જીત થઈ હતી. હલેન્ડા બેઠક પર મહેશ આસોદરિયાની જીત થઈ છે, જેને પાર્ટી દ્વારા સત્તાવાર મેન્ડેટ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત ખોખડદડ બેઠક પર બાબુ નસિતની જીત થઈ છે, જેઓ જયેશ રાદડિયા વિરુદ્ધ જૂથના માનવામાં આવે છે. બાબુ નસિતની આ બેઠક પર મતદાન દરમિયાન એક મતદારે પોતાનો મત આપ્યો ન હતો. આમ, યોજાયેલી પાંચમાંથી ત્રણ મહત્વની બેઠકોમાં પક્ષના વ્હિપનો ખુલ્લેઆમ અનાદર થયો હોવાનું સામે આવ્યું છે.