રંગીલા રાજકોટમાં હવે નહી ચાલે વગર નંબર પ્લેટના વાહનો હો ભાઇ…. નવો પરિપત્ર આવી ગયો છે

By: Nation Gujarat Team
18 Aug, 2026

Rajkot News: રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા તથા ગુનાખોરી પર અંકુશ મેળવવા માટે રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ નવા નિયમ મુજબ, હવેથી રાજકોટ શહેરના કોઈપણ પેટ્રોલ પંપ પરથી એવા વાહનોને ઈંધણ (પેટ્રોલ કે ડીઝલ) મળશે નહીં કે જેના પર આગળ અને પાછળ બંને બાજુ યોગ્ય HSRP (High-Security Registration Plate) નંબર પ્લેટ લગાવેલી ન હોય.

વાહનની આગળ અને પાછળ બંને બાજુ નિયમાનુસારની HSRP નંબર પ્લેટ ફરજિયાત
રાજકોટ શહેર પોલીસ કમિશનરે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ 163(2) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને આ જાહેરનામું અમલમાં મૂક્યું છે. વાહનની આગળ અને પાછળ બંને બાજુ નિયમાનુસારની HSRP નંબર પ્લેટ હોવી અનિવાર્ય છે. તૂટેલી, અસ્પષ્ટ કે નંબર પ્લેટ વગરના વાહનોને પેટ્રોલ પંપ પર ઈંધણ આપવામાં આવશે નહીં. જાહેરનામાના નિયમોનો ભંગ કરનાર વાહનચાલક તેમજ નિયમ વિરુદ્ધ ઈંધણ આપનાર પેટ્રોલ પંપ સંચાલક કે કર્મચારી – બંને સામે કાયદાકીય રીતે કડક કાર્યવાહી કરવામાં આવશે.

જો કોઈ વાહનચાલક નંબર પ્લેટ વગર ઈંધણ લેવા માટે દાદાગીરી કરે કે પેટ્રોલ પંપના સંચાલકો/કર્મચારીઓ સાથે ઘર્ષણમાં ઉતરે, તો પંપ સંચાલકોએ તુરંત જ નજીકના પોલીસ સ્ટેશન અથવા કંટ્રોલ રૂમને જાણ કરવાની રહેશે.

શા માટે લેવાયો આ નિર્ણય?
અન્ય રાજ્યો અને શહેરોની જેમ રાજકોટમાં પણ નંબર પ્લેટ વગરના કે ફેક નંબર પ્લેટ વાળા વાહનો દ્વારા ચોરી, ચેઈન સ્નેચિંગ અને અકસ્માત કરીને ભાગી જવા જેવા ગુનાઓનું પ્રમાણ વધતું અટકાવવા આ નિર્ણય લેવાયો છે. HSRP નંબર પ્લેટના કારણે વાહનની ઓળખ સરળ બને છે અને સીસીટીવી કેમેરામાં વાહન સરળતાથી ટ્રેક થઈ શકે છે.

પોલીસ તંત્રના આ કડક વલણથી શહેરમાં ટ્રાફિકના નિયમોનું પાલન વધશે અને ગુનેગારો પર લગામ કસાશે. રાજકોટના તમામ વાહનચાલકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ વહેલી તકે પોતાના વાહનમાં HSRP નંબર પ્લેટ લગાવી લે જેથી ઈંધણ પુરાવતી વખતે કોઈ મુશ્કેલીનો સામનો કરવો ન પડે.


Related Posts

Load more