Junagadh News: વિસાવદર પાલિકામાં ભાજપ કોંગ્રેસે હાથ મિલાવ્યા, પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી

By: Nation Gujarat Team
05 Oct, 2026

જૂનાગઢ જિલ્લાની વિસાવદર નગરપાલિકામાં અસંતોષ ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપના 14 અને કોંગ્રેસના 3 સહિત કૂલ 17 નગરસેવકોએ પાલિકાના મહિલા પ્રમુખ દયાબેન સોલંકી સામે મનમાની અને અણધડ વહિવટ કરતા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. આ ઉપરાંત તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

કુલ 17 સભ્યોમાં 14 સભ્યો સત્તાધારી ભાજપના

વિસાવદર નગરપાલિકામાં સર્જાયેલા આશ્ચર્યજનક રાજકીય ડ્રામામાં સત્તા અને વિરોધ પક્ષના સભ્યો હાથ મિલાવતા જોવા મળ્યા છે.પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરનાર કુલ 17 સભ્યોમાં 14 સભ્યો સત્તાધારી ભાજપના જ છે જ્યારે 3 સભ્યો કોંગ્રેસ પક્ષના છે.શાસક પક્ષના જ બહુસંખ્ય સભ્યો દ્વારા પોતાના જ પક્ષના મહિલા પ્રમુખ સામે ખુલ્લેઆમ મોરચો ખોલવામાં આવતા સ્થાનિક સંગઠનની કામગીરી સામે મોટા સવાલો ખડા થયા છે.

વહીવટી બાબતોમાં મનમાની કરવાનો આક્ષેપ

અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરનાર અસંતુષ્ટ સભ્યોએ આક્ષેપ કર્યો છે કે નગરપાલિકાના પ્રમુખ દયાબેન સોલંકી દ્વારા છેલ્લા કેટલાક સમયથી વહીવટી બાબતોમાં મનમાની કરવામાં આવી રહી છે.વિકાસના કાર્યો કે સામાન્ય જનતાના પ્રશ્નોના નિરાકરણમાં પરામર્શ કરવાને બદલે એકચક્રી શાસન ચલાવવામાં આવતું હોવાની રજૂઆત સભ્યો દ્વારા કરવામાં આવી છે.અણઘડ વહીવટના કારણે શહેરમાં નાગરિક સુવિધાઓ પર માઠી અસર પડી હોવાનો દાવો પણ આ સભ્યોએ કર્યો છે.

જનરલ બોર્ડ બોલાવવામાં આવે તેવી પ્રબળ સંભાવના

આગામી દિવસોમાં આ અવિશ્વાસની દરખાસ્તને લઈને નગરપાલિકામાં સ્પેશિયલ જનરલ બોર્ડ બોલાવવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે.જેના કારણે જૂનાગઢ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વિસાવદર નગર પાલિકામાં 6 વોર્ડની કૂલ 24માંથી 21 બેઠકો પર ભાજપના ઉમેદવારો જીત્યા હતાં. જ્યારે ત્રણ બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો જીત્યા હતાં. આ 21માંથી ભાજપના 14 સભ્યોએ પોતાની જ સત્તાધારી પાર્ટીના પાલિકા પ્રમુખ સામે મોરચો માંડ્યો છે.


Related Posts

Load more