Gujarat Weather Forecast: ગુજરાતમાં ચોમાસાની સિઝન વચ્ચે આગામી દિવસોમાં ફરી વરસાદી માહોલ જોવા મળી શકે છે. ગુજરાતમાં ચોમાસાની વિદાય ટાણે ફરી એકવાર મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરવા માટે તૈયાર થઈ રહ્યા છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ આગામી દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામશે, જે નવરાત્રિના તહેવારોમાં પણ રંગમાં ભંગ પાડી શકે છે. અંબાલાલે રાજ્યમાં 6થી 10 સપ્ટેમ્બર દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તેમની આગાહી મુજબ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, બંગાળના ઉપસાગરમાં એક નવી અને મજબૂત સિસ્ટમ સક્રિય થઈ રહી છે. જેના કારણે આગામી 12 થી 17 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. આ સિસ્ટમની અસર દક્ષિણાવતી થવાથી મહારાષ્ટ્ર તેમજ ગુજરાતના મધ્ય, દક્ષિણ અને ઉત્તર ભાગોમાં સારો એવો વરસાદ વરસી શકે છે. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ તેમજ ઉત્તર ગુજરાતના ભાગોમાં 5 ઇંચ કે તેથી વધુ વરસાદ પડવાની પણ શક્યતા છે.
સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હળવાથી ભારે વરસાદ થવાની શક્યતા છે, ખાસ કરીને દ્વારકા અને પોરબંદર જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની પ્રબળ શક્યતા રહેલી છે. આ સિસ્ટમ પશ્ચિમ સૌરાષ્ટ્ર થઈને અરબ સાગરમાં જવાની સંભાવના છે, જેના લીધે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ થઈ શકે છે. દરિયાકિનારાના વિસ્તારોમાં તેજ પવનો ફૂંકાઈ શકે છે અને જો અલ નીનોની નકારાત્મક અસર ન થાય તો કેટલાક ભાગોમાં મુશળધાર વરસાદ પણ વરસી શકે છે.
સપ્ટેમ્બરના અંત તરફ નજર કરીએ તો, 18 થી 23 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં વરસાદી ઝાપટાં અથવા વરસાદ થવાની શક્યતા છે. એટલું જ નહીં, 26 સપ્ટેમ્બરથી 05 ઓક્ટોબર વચ્ચે એટલે કે નવરાત્રિના પવિત્ર તહેવારો દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની અને વરસાદી વાતાવરણ રહેવાની પૂરી શક્યતા છે, જે ગરબા રસિયાઓની મજા બગાડી શકે છે.
વરસાદનો આ સિલસિલો માત્ર સપ્ટેમ્બર પૂરતો મર્યાદિત નહીં રહે, પરંતુ ઓક્ટોબર મહિનામાં પણ ચાલુ રહેશે. 03 ઓક્ટોબરથી હવામાનમાં પલટો આવવાની શરૂઆત થશે અને 11 થી 16 ઓક્ટોબર વચ્ચે બંગાળના ઉપસાગરમાં ફરીથી હવાના હળવા દબાણો ઊભા થવાની સંભાવના છે. આ ઉપરાંત, અરબી સમુદ્ર પણ ધીરે ધીરે સક્રિય થતો જોવા મળશે અને ડિસેમ્બર સુધીમાં ચક્રવાત સર્જાવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે.
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પંચમહાલ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. આ વિસ્તારોમાં ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ વરસાદ વરસી શકે છે. આગામી દિવસોમાં વરસાદની સાથે પવનની ગતિ વધવાની શક્યતા પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. જેના કારણે કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે. 10 સપ્ટેમ્બરની આસપાસ બંગાળની ખાડીમાં નવી મજબૂત વરસાદી સિસ્ટમ બનવાની શક્યતા છે. જો આ સિસ્ટમ મજબૂત બને અને તેની ગતિ અનુકૂળ રહે તો તેની અસર ગુજરાતના હવામાન પર પણ પડી શકે છે.