પહેલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે હજુ પણ તણાવ છે. ભારતે પાકિસ્તાન વિરૂદ્ધ ઘણા કડક પગલાં લીધા છે. જેના જવાબમાં પાકિસ્તાને અનેકવાર પરમાણુ બોમ્બની ધમકી આપી છે. હવે પાકિસ્તાનના પંજાબના મુખ્યમંત્રી મરિયમ નવાઝે પણ પરમાણુ બોમ્બને લઈને નિવેદન આપ્યું છે. મરિયમનું કહેવું છે કે પાકિસ્તાન પર કોઈ હુમલો કરી શકે નહીં.
ANI અનુસાર મરિયમ નવાઝે કહ્યું, “આજે ભારત-પાકિસ્તાન બોર્ડર પર તણાવ છે. ખતરો તોળાઈ રહ્યો છે, પરંતુ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અલ્લાહે પાકિસ્તાન સેનાને એટલી શક્તિ આપી છે કે તે દુશ્મનના દરેક હુમલાનો સામનો કરી શકે છે. હું તમને કહેવા માંગુ છું કે આજે પાકિસ્તાનનો કોઈ પણ દુશ્મન હુમલો કરતા પહેલા દસ વાર વિચારશે. તેનું કારણ એ છે કે અલ્લાહની કૃપાથી પાકિસ્તાને એક બોમ્બ વિસ્ફોટ કર્યો છે.”
મરિયમે તેના પિતા નવાઝ શરીફના વખાણ કર્યા –
મરિયમ નવાઝે તેના પિતા અને પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની પ્રશંસા કરતા કહ્યું કે નવાઝ શરીફે પાકિસ્તાનને પરમાણુ શક્તિ બનાવવામાં ઐતિહાસિક ભૂમિકા ભજવી છે.
પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ઉગ્ર તણાવ –
પહલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 લોકોના મોત થયા હતા. આ પછી ભારતે પાકિસ્તાન વિરુદ્ધ કડક કાર્યવાહી કરી અને સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી. આ સાથે અન્ય કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાને ભારત માટે તેની એરસ્પેસ બંધ કરી દીધી હતી. હવે પાકિસ્તાન ભારતને પરમાણુ બોમ્બની ધમકી આપી રહ્યું છે. જો કે આ દરમિયાન તે તુર્કી અને રશિયા જેવા ઘણા દેશોમાં પહોંચી ગયો છે. પાકિસ્તાને રશિયાને ભારતને મનાવવાની અપીલ કરી હતી.