Oracle Layoffs: AI અને Cloud બિઝનેસમાં તેજી વચ્ચે Oracleમાં છટણી, ખર્ચ ઘટાડવા વર્કફોર્સ રિસ્ટ્રક્ચરિંગ

By: Nation Gujarat Team
15 Sep, 2026

Oracle Layoffs: Oracleમાં ફરી એક વખત મોટા પાયે છટણીનો દોર શરૂ થયો છે. સોમવારે સવારે અનેક કર્મચારીઓને તેમની નોકરી સમાપ્ત કરવામાં આવી હોવાની જાણકારી ઈમેલથી મળી હતી. અચાનક થયેલી આ કાર્યવાહીથી કંપનીના કર્મચારીઓમાં ચિંતા વધી છે. ખાસ વાત એ છે કે અગાઉ પણ Oracle હજારો કર્મચારીઓને નોકરીમાંથી દૂર કરી ચૂકી છે.

સવારે જ કર્મચારીઓને મળ્યો નોકરી જવાનો સંદેશ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોમવારથી Oracleમાં નવી છટણી શરૂ થઈ છે. ઘણા કર્મચારીઓએ સવારે પોતાના ઈમેલ ચેક કર્યા ત્યારે તેમને કંપનીમાં તેમની ભૂમિકા સમાપ્ત કરવામાં આવી હોવાની જાણકારી મળી હતી.

કંપનીમાં મોટા પાયે ફેરફાર અને વર્કફોર્સ રિસ્ટ્રક્ચરિંગ ચાલી રહ્યું હોવાની માહિતી પણ કર્મચારીઓને આપવામાં આવી છે. જોકે, આ વખતે કેટલા કર્મચારીઓની નોકરી ગઈ છે તે અંગે Oracleએ હજુ સત્તાવાર આંકડો જાહેર કર્યો નથી.

LinkedIn અને Reddit પર કર્મચારીઓએ વ્યક્ત કરી વ્યથા

નોકરી ગુમાવનારા અનેક કર્મચારીઓએ સોશિયલ મીડિયા પર પોતાનો અનુભવ શેર કર્યો છે. LinkedIn અને Reddit પર કર્મચારીઓએ પોસ્ટ કરીને Oracleની નવી છટણી અંગે માહિતી આપી છે.

કેટલાક કર્મચારીઓએ વીડિયો પણ પોસ્ટ કર્યા છે. અચાનક નોકરી જવાથી તેમની સામે ઊભી થયેલી મુશ્કેલીઓ અંગે પણ લોકોએ વાત કરી છે.

અગાઉ 21,000 કર્મચારીઓની થઈ હતી છટણી

Oracleમાં અગાઉ પણ મોટા પાયે કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો થયો હતો. કંપનીની વાર્ષિક ફાઇલિંગ અનુસાર, 31 મે 2026 સુધીમાં Oracleના કર્મચારીઓની સંખ્યા આશરે 1.41 લાખ રહી હતી.

એક વર્ષ અગાઉ કંપનીમાં લગભગ 1.62 લાખ કર્મચારીઓ હતા. એટલે એક વર્ષના સમયગાળામાં કંપનીના વૈશ્વિક વર્કફોર્સમાં લગભગ 13%નો ઘટાડો થયો હતો. આ ઘટાડામાં આશરે 21,000 કર્મચારીઓનો સમાવેશ થાય છે.

AI અને Cloud બિઝનેસ વચ્ચે છટણી કેમ?

Oracle એવા સમયે વર્કફોર્સમાં ઘટાડો કરી રહી છે જ્યારે કંપની AI અને Cloud Infrastructureમાં મોટું રોકાણ કરી રહી છે. કંપની પોતાના Data Center Infrastructureનો વિસ્તાર કરી રહી છે.

Oracleના AI બિઝનેસમાં ભારે માંગ જોવા મળી રહી છે. કંપનીએ $30 બિલિયનથી વધુના વધારાના AI Cloud Contracts સાઇન કર્યા હોવાની માહિતી આપી છે. આ સેક્ટરમાં આવતી મોટી માંગને ધ્યાનમાં રાખીને કંપની આગામી સમયમાં આવકમાં નોંધપાત્ર વૃદ્ધિની અપેક્ષા રાખે છે.

એક તરફ AI અને Cloud બિઝનેસનો વિસ્તાર થઈ રહ્યો છે, તો બીજી તરફ ખર્ચ ઘટાડવા અને કર્મચારીઓની ભૂમિકાઓને ફરીથી ગોઠવવા માટે કંપની વર્કફોર્સ રિસ્ટ્રક્ચરિંગ કરી રહી છે. નવી છટણીમાં કેટલા કર્મચારીઓ પ્રભાવિત થયા છે તેનો સત્તાવાર આંકડો હવે સામે આવવાનો બાકી છે.


Related Posts

Load more