26થી 28 સપ્ટેમ્બર, 2025 દરમિયાન મધ્યપ્રદેશના છિંદવાડામાં હાથ ધરવામાં આવેલા ડ્રગ નિરીક્ષણના ભાગ રૂપે, 19 નમૂના પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. સોમવારે બહાર પાડવામાં આવેલા અહેવાલમાં ચાર સીરપ અસુરક્ષિત હોવાનું જાણવા મળ્યું. માન્ય ધોરણ મુજબ, DEG ની મહત્તમ માત્રા 0.1% હોવી જોઈએ, પરંતુ આ સીરપમાં તેની માત્રા વધારે હતી.
આ ત્રણ સિરપ ખતરનાક
- મધ્યપ્રદેશના એક રિપોર્ટમાં તમિલનાડુથી આવતી કોલ્ડરિફ બેચ નંબર SR-13 માં 46.2% ડાયથિલિન ગ્લાયકોલ (DEG) હોવાની પુષ્ટિ થઈ છે. તમિલનાડુના એક રિપોર્ટમાં કોલ્ડરિફ સીરપમાં 48.6% DEG હોવાની પુષ્ટિ થઈ છે.
2. રાજકોટ હાઇવે રોડ, સુરેન્દ્રનગરના શેખપુર પર આવેલી મેસર્સ શેપ ફાર્મા પ્રાઇવેટ લિમીટેડની રિલાઇફ સીરપ બેચ નંબર LSL25160 માં 0.616% ડાયથિલિન ગ્લાયકોલ (DEG) હોવાનું જાણવા મળ્યું છે.
3. અમદાવાદના બાવળામાં આવેલી રેન્ડેક્સ ફાર્માની રેસ્પિફ્રેશ TR સીરપ બેચ નંબર R01GL2523 માં 1.342% ડાયથિલિન ગ્લાયકોલ (DEG) હોવાનું જાણવા મળ્યું છે.
ગુજરાત સરકારને લખ્યો પત્ર
આ અહેવાલ બાદ, મધ્યપ્રદેશ સરકારે ગુજરાત સરકારને પત્ર લખીને ઉત્પાદન સુવિધાની તપાસની માંગ કરી છે. આમાં અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ સિરપના કેટસીક માત્રા મધ્યપ્રદેશના વિવિધ જિલ્લાઓમાં ઉપલબ્ધ હતી. હવે આ બાકી માત્રાને બજારમાંથી તાત્કાલિક જપ્ત કરવાના આદેશો જાહેર કરી દેવામાં આવ્યા છે.
આ દવાઓ પર પહેલાથી જ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ પહેલા કોલ્ડરિફ અને નેક્સ્ટ્રો-DS જેવી સિરપ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વધુમાં, ઇન્દોર સ્થિત ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા ઉત્પાદિત ડિફ્રોસ્ટ સીરપ બજારમાંથી પાછી ખેંચી લેવામાં આવી છે. આર્ક ફાર્માસ્યુટિકલ્સ, ઇન્દોરને પણ શો કોઝ નોટિસ મોકલવામાં આવી છે.
હવે આ બે કેમિકલ અંગે ચેતવણી
રાજ્ય સરકારે ફાર્માસ્યુટિકલ વ્યવસાય સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ, નિરીક્ષકો અને મેડિકલ કોલેજોને એક માહિતી આપી છે. જેમાં તેમને ક્લોરફેનિરામાઇન મેલેટ અને ફિનાઇલફ્રાઇન HCL ના ઉપયોગ અંગે સાવચેતી રાખવા વિનંતી કરવામાં આવી છે. આ કેમિકલનો ઉપયોગ ઘણીવાર કફ સિરપમાં થાય છે, પરંતુ જો ડોક્ટરની સલાહ વિના ઉપયોગ કરવામાં આવે તો બાળકોમાં ગંભીર આડઅસરો થઈ શકે છે.