કુમકુમ મંદિરના સંતો દ્વારા ટોરેન્ટો સેન્ટ્રલ આઇસલેન્ડ ખાતે ધ્યાન – ભજન – કીર્તન કરવામાં આવ્યા.
ધ્યાન ભજન કરવાથી જ મનની શાંતિ પ્રાપ્ત થાય છે.- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ
સદગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણીનગર અમદાવાદના સંતો અત્યારે કેનેડા ખાતે વિચરણ કરી રહ્યા છે.
તેઓ ટોરંટોમાં આવેલા સેન્ટ્રલ આઇસલેન્ડ ખાતે પધાર્યા હતા અને શ્રી સ્વામિનારાયણ ભગવાનને નૌકામાં વિહાર કરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ બગીચાની અંદર શ્રી હરિકૃષ્ણ મહારાજને બિરાજમાન કરી સંધ્યા આરતીનાં નિત્ય નિયમ કરવામાં આવ્યા હતા.
ત્યારબાદ માનસી પૂજા અને ધ્યાન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજી જણાવ્યું હતું કે, જીવનમાં સુખ શાંતિ મેળવવી હોય તો ભગવાનની ભક્તિ ઉપાસના કરવી જોઈએ. ભગવાનનું ધ્યાન કરવાથી માનસિક ટેન્શન દૂર થાય છે અને દિવ્ય શાંતિની અનુભૂતિ થાય છે. માનસિક ટેન્શન દૂર કરવા માટે નિત્ય ભગવાનને પ્રાર્થના અને સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરવી જોઈએ.
ભગવાનનો મંત્ર જાપ કરવાથી મનમાં ઉદ્ભવતા સંકલ્પનો વિરામ થાય છે અને દિવ્ય સુખની અનુભૂતિ થાય છે તેથી નિત્ય સ્વામિનારાયણ મહામંત્રની માળા ફેરવવી જોઈએ.