બોલિવૂડની ગ્લેમર ક્વીન મલાઇકા અરોરા તેની પ્રોફેશનલ લાઇફ કરતાં તેના અંગત જીવનને લઈને વધારે ચર્ચામાં રહે છે. હાલમાં 52 વર્ષીય એક્ટ્રેસનો વીડિયો વાઇરલ થયો છે, જેમાં તે મિસ્ટ્રી મેન સાથે કોન્સર્ટમાં નાચતી જોવા મળી રહી છે. વીડિયો જોઈને યુઝર્સ બંને વચ્ચે અફેર ચાલતું હોવાની અટકળો લગાવી રહ્યા છે. વીડિયોમાં દેખાઈ રહેલો મિસ્ટ્રી મેન બીજું કોઈ નહીં, પરંતુ 33 વર્ષીય ગુજરાતી હીરાનો વેપારી છે.
તાજેતરમાં મુંબઈમાં ગ્રેમી એવોર્ડ વિનર એનરિકે ઇગ્લેશિયસનો કોન્સર્ટ યોજાયો હતો. એનરિકે 13 વર્ષ પછી ભારતમાં પર્ફોર્મ કર્યું હતું. બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં યોજાયેલા આ કોન્સર્ટમાં અનેક બોલિવૂડ અને ટીવી સેલિબ્રિટીઝ હાજર રહ્યા હતા. આ બધા વચ્ચે પોતાની ફિટનેસ માટે જાણીતી મલાઇકા એક મિસ્ટ્રી મેન સાથે જોવા મળી હતી.
મિસ્ટ્રી મેન સાથે કાનાફૂસી કરતી જોવા મળી
વાસ્તવમાં મલાઇકા અરોરા ગુજરાતી મૂળના હીરાના વેપારી હર્ષ મહેતા સાથે કોન્સર્ટમાં પહોંચી હતી. મલાઇકા સ્ટ્રેપી વ્હાઇટ ટેન્ક ટોપમાં ગ્લેમરસ લાગી રહી હતી, જ્યારે હર્ષે પણ વ્હાઇટ શર્ટ પહેરીને મલાઇકા સાથે ટ્વિનિંગ કર્યું હતું. મલાઇકા કોન્સર્ટમાં મન મૂકીને નાચતી જોવા મળી હતી. ઉપરાંત બંનેનો એક વીડિયો પણ વાઇરલ થયો હતો, જેમાં મલાઇકા પહેલા હર્ષને પ્રેમથી જોતી દેખાઈ રહી છે અને બાદમાં તેના કાનમાં કંઈક કહેતી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાઇરલ થતાં જ બંને વચ્ચે અફેરની ચર્ચા શરૂ થઈ ગઈ છે.
મલાઇકા સાથે આવેલો મિસ્ટ્રી મેન કોણ છે?
અહેવાલો મુજબ 52 વર્ષની મલાઇકા અરોરા સાથે કોન્સર્ટમાં આવેલો મિસ્ટ્રી મેન 33 વર્ષનો હીરાનો વેપારી હર્ષ મહેતા છે. મૂળ ગુજરાતના પાલનપુરનો વતની હર્ષનો પરિવાર બેલ્જિયમમાં સ્થાયી થયેલો છે. હર્ષ મહેતાનો પરિવાર મુંબઈની લીલાવતી હૉસ્પિટલના ટ્રસ્ટીશિપ અંગે લાંબા સમયથી ચાલી રહેલા કાયદાકીય વિવાદના કારણે ચર્ચામાં રહ્યો હતો.
વાસ્તવમાં મુંબઈની પ્રતિષ્ઠિત લીલાવતી હોસ્પિટલના ટ્રસ્ટ, લીલાવતી કીર્તિલાલ મહેતા મેડિકલ ટ્રસ્ટ (LKMMT)માં સ્થાપક કીર્તિલાલ મહેતાના વંશજો વચ્ચે દાયકાઓથી ચાલી રહેલા પારિવારિક ઝઘડાએ કાયદાકીય સ્વરૂપ ધારણ કર્યું હતું. વર્તમાન ટ્રસ્ટી પ્રશાંત મહેતાએ ભૂતપૂર્વ ટ્રસ્ટીઓ અને સપ્લાયર્સ સહિત 17 લોકો વિરુદ્ધ ₹1,250 કરોડથી વધુની રકમના ઉચાપતનો આરોપ લગાવતી FIR નોંધાવી હતી. પરિણામે ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
12 વર્ષ નાના અર્જુન કપૂર સાથે બ્રેકઅપ થયું
મલાઇકા અરોરાએ 12 ડિસેમ્બર 1998ના રોજ સલમાન ખાનના ભાઈ અને એક્ટર અરબાઝ ખાન સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. 2002માં તેણે દીકરા અરહાનને જન્મ આપ્યો હતો. 2016માં તેમના સંબંધોમાં તિરાડ પડી હોવાના અહેવાલો સપાટી પર આવવા લાગ્યા. પછીના વર્ષે 2017માં બંનેએ સત્તાવાર રીતે છૂટાછેડા લઈ લીધા.છૂટાછેડાનાં થોડાં વર્ષો પછી મલાઇકાનું નામ એક્ટર અર્જુન કપૂર સાથે જોડાયું. લાંબા સમય સુધી પોતાનો સંબંધ છુપાવ્યા બાદ 2019માં બંનેએ જાહેરમાં પોતાના સંબંધનો સ્વીકાર કર્યો હતો. બંને લગભગ 5 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યાં બાદ 2024માં અલગ થઈ ગયાં હતાં.