બ્રાઝિલની રાજનીતિમાં એક ઐતિહાસિક અને રોમાંચક ઉલટફેર જોવા મળ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ખુલ્લા સમર્થન અને ભારે દબાણ છતાં, 80 વર્ષના લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ અદ્ભુત પુનરાગમન કરીને ચોથી વખત બ્રાઝિલની સત્તા હાંસલ કરી લીધી છે. પ્રથમ તબક્કાના મતદાનમાં ટ્રમ્પ સમર્થિત બોલ્સોનારો પરિવાર સામે પરાજયના આરે ઉભેલા લુલાએ બીજા જ તબક્કામાં બાજી પલટીને ટ્રમ્પની આખી ‘અમેરિકી ચાલ’ પર પાણી ફેરવી દીધું છે. જીત બાદ ગર્વભેર એલાન કરતા લુલાએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, બ્રાઝિલ કોઈની કઠપૂતળી નથી અને તે પોતાના નિર્ણયો લેવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છે.
1989માં બ્રાઝિલમાં સીધી રાષ્ટ્રપતિની ચૂંટણી શરૂ થઈ હતી. ત્યાર બાદ પહેલીવાર એવું બન્યું છે કે પ્રથમ તબક્કામાં બીજા ક્રમે રહેલો ઉમેદવાર અંતિમ તબક્કામાં જીત મેળવીને રાષ્ટ્રપતિ બન્યા છે. વળી, ફ્લાવિયો પૂર્વ રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોના પુત્ર છે. બોલ્સોનારો પરિવાર અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો નજીકનો માનવામાં આવે છે. તેમને પ્રથમ તબક્કામાં 47% મત મળ્યા હતા. લુલાએ 2022ની ચૂંટણીમાં ફ્લાવિયોના પિતા અને બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોને પણ હરાવ્યા હતા.
લૂલા 2003થી 2011 સુધી બ્રાઝિલના રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે. સતત બે વાર રાષ્ટ્રપતિ રહ્યા બાદ તેમને પદ છોડવું પડ્યું હતું. 2022માં તેમણે ફ્લાવિયોના પિતા જાયર બોલ્સોનારોને હરાવીને ફરી સત્તા હાંસલ કરી.
લૂલાનો રાજકીય સફર ઘણો ઉતાર-ચઢાવભર્યો રહ્યો છે. 2018માં ભ્રષ્ટાચારના કેસમાં તેમને જેલમાં જવું પડ્યું હતું. બાદમાં તેમની સજા રદ કરવામાં આવી. ત્યારબાદ તેઓ 2022ની ચૂંટણી લડી શક્યા અને રાષ્ટ્રપતિ બન્યા.
પ્રથમ તબક્કામાં પાછળ રહ્યા બાદ લુલા કેવી રીતે જીત્યા
સંસદમાં વિરોધી પક્ષો મજબૂત
રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા બાદ પણ લૂલા માટે સરકાર ચલાવવી સરળ નહીં હોય. બ્રાઝિલની સંસદમાં દક્ષિણપંથી પક્ષો મજબૂત છે. જાયર બોલ્સોનારોની લિબરલ પાર્ટી અને તેના સહયોગીઓને નીચલા ગૃહમાં 280થી વધુ અને સેનેટમાં 50 સુધી બેઠકો મળવાનો અંદાજ છે.
આવા સંજોગોમાં લૂલાએ પોતાના નિર્ણયો લાગુ કરાવવા માટે અન્ય પક્ષોનો સાથ લેવો પડશે. સરકારી ખર્ચ અને ગરીબોને મળતી મદદ જેવા મુદ્દાઓ પર સંસદમાં ટકરાવ થઈ શકે છે.
માનવામાં આવી રહ્યું છે કે વિરોધી પક્ષો મજબૂત હોવાથી લૂલા માટે ચૂંટણીનાં વચનો પૂર્ણ કરવા મુશ્કેલ બની શકે છે.
લૂલાએ ગરીબો અને મજૂરોને રાહત આપવાનું વચન આપ્યું હતું
ચૂંટણી પ્રચારમાં લૂલાએ ગરીબો અને ઓછી આવક ધરાવતા પરિવારોની મદદ કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે અનેક વચનો આપ્યાં છે:
સરકારી સહાયમાં વધારો: ગરીબો માટે ચલાવવામાં આવતી મુખ્ય યોજનાની રકમમાં 15% વધારો કરવાનું વચન.
મફત મુસાફરી: શનિવાર અને રવિવારે દેશભરમાં જાહેર પરિવહન મફત કરવાની યોજના. આ અમલમાં મૂકવા માટે સંસદની મંજૂરી જરૂરી રહેશે.
ગરીબી અને બેરોજગારી ઘટાડવી: ગરીબ પરિવારોની સ્થિતિ સુધારવી અને રોજગારી વધારવી. મજૂરોનું જીવન બહેતર બનાવવું.
વધતું દેવું અને મોંઘવારી મુશ્કેલી વધારશે
લૂલાનો નવો કાર્યકાળ આર્થિક દબાણ વચ્ચે શરૂ થશે. દેશમાં વ્યાજદરો ઊંચા છે, સરકારી દેવું વધી રહ્યું છે અને સામાન્ય લોકો પર પણ દેવાનો બોજ વધ્યો છે.
બ્રાઝિલ સરકારના અંદાજ મુજબ, આવતા વર્ષે આર્થિક વિકાસ દર 2.3% રહી શકે છે. બીજી તરફ, સરકારી દેવું દેશની કુલ અર્થવ્યવસ્થા એટલે કે જીડીપીના 82%થી ઉપર પહોંચી ગયું છે.
ગોલ્ડમૅન સૅક્સના જણાવ્યા મુજબ, લુલાની સરકાર માટે આગામી કાર્યકાળમાં સરકારી ખર્ચને નિયંત્રણમાં રાખવો સરળ નહીં હોય.
લોકો પર વધી રહેલા દેવાને ધ્યાનમાં રાખીને લુલાએ ચૂંટણી પ્રચાર દરમિયાન દેવામાં રાહત આપવાની યોજના રજૂ કરી હતી. ઑનલાઇન સટ્ટાબાજી પર અસ્થાયી પ્રતિબંધ મૂકવાનું પગલું પણ લેવામાં આવ્યું હતું.
બીજી તરફ, સંસદમાં મજબૂત દક્ષિણપંથી પક્ષો ઉદ્યોગપતિઓના પક્ષમાં આર્થિક સુધારાઓની માંગ કરી શકે છે. તેનાથી સરકારી ખર્ચ અને ગરીબોને મળતી સહાયને લઈને ટકરાવ થઈ શકે છે.