Ahmedabad ના આંગણે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘રાષ્ટ્રીય સરસ મેળો 2026’નો આજથી ભવ્ય પ્રારંભ થયો છે. ગ્રામ વિકાસ વિભાગ અંતર્ગત ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની (GLPC) દ્વારા આયોજિત આ મેળો 26 ઑક્ટોબરથી 5 નવેમ્બર સુધી જાહેર જનતા માટે ખુલ્લો રહેશે. આ મેળો દેશભરની ગ્રામીણ મહિલાઓને આત્મનિર્ભર અને આર્થિક રીતે સશક્ત બનાવવાની દિશામાં એક અત્યંત મહત્વપૂર્ણ પગલું છે.
15 રાજ્યોની મહિલાઓ અને લખપતિ દીદીઓ લેશે ભાગ
આ રાષ્ટ્રીય સરસ મેળામાં દેશના 15 જેટલા વિવિધ રાજ્યોમાંથી મહિલા ઉદ્યોગસાહસિકો ભાગ લઈ રહી છે. આ સિવાય 50 જેટલા સ્વ-સહાય જૂથો (Self Help Groups) ની મહિલાઓ અને ‘લખપતિ દીદીઓ’ તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલા ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ કરશે. મેળામાં કુલ 150 જેટલા સ્ટોલની ફાળવણી કરવામાં આવી છે, જેમાં સ્વ-સહાય જૂથોની મહિલાઓને તંત્ર દ્વારા વિનામૂલ્યે સ્ટોલની સુવિધા પૂરી પાડવામાં આવી છે.
પરંપરાગત કલા અને હસ્તકલા બનશે આકર્ષણનું કેન્દ્ર
મેળામાં સમગ્ર ભારતની પરંપરાગત કલા, હસ્તકલા, હેન્ડલૂમ, ગૃહઉદ્યોગની ચીજવસ્તુઓ અને સ્થાનિક કલાત્મક ઉત્પાદનો આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બનશે. આ માધ્યમથી મહિલા ઉદ્યોગસાહસિકોને પોતાના નાના વ્યવસાયના વિસ્તરણ માટે રાષ્ટ્રીય સ્તરનું મોટું પ્લેટફોર્મ મળી રહેશે. આ ઉપરાંત, જથ્થાબંધ ખરીદદારો (Wholesalers), રિટેલર્સ અને કોર્પોરેટ સંસ્થાઓ સાથે સીધા સંપર્કમાં આવવાની ઉત્તમ તક પણ તેમને સાંપડશે.
ડિજિટલ સાક્ષરતા અને જાગૃતિ વર્કશોપનું આયોજન
માત્ર ઉત્પાદનોનું વેચાણ જ નહીં, પરંતુ મહિલાઓને આધુનિક વેપાર શૈલીથી સજ્જ કરવા માટે મેળા દરમિયાન ડિજિટલ પેમેન્ટ, ઈ-કોમર્સ અને ઑનલાઇન માર્કેટિંગ અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવશે. આ સાથે સાયબર ક્રાઇમ, નાણાકીય છેતરપિંડીથી બચાવ અને માઇક્રો ફાઇનાન્સ અંગેના ખાસ વર્કશોપનું પણ આયોજન કરાયું છે. ગ્રામીણ મહિલા ઉદ્યોગસાહસિકોને સ્થાનિક બજારથી આંતરરાષ્ટ્રીય બજાર સુધી પહોંચાડવાનો આ એક સરાહનીય પ્રયાસ છે.