CJP Protest News | દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા કનૉટ પ્લેસ (Connaught Place) ખાતે ‘લહેરા દો તિરંગા’ અભિયાન હેઠળ ઝંડો ફરકાવવાની જાહેરાત બાદ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. પાર્ટીના નેતાઓ આશુતોષ રાંકા અને સૌરવ દાસની અટકાયતના વિરોધમાં અને મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે CJP હવે આક્રમક મૂડમાં છે. આ તમામ હિલચાલ વચ્ચે CJP પ્રમુખ અભિજિત દીપકે (Abhijeet Dipke) એ મધરાત્રે એક અર્જન્ટ પ્રેસ કોન્ફરન્સ યોજીને પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે.
અમારો હેતુ સત્તા બદલવાનો નથી”
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અભિજિત દીપકેએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે તેમની પાર્ટી કોઈ સત્તા પરિવર્તન કે સરકાર ઉથલાવવા માંગતી નથી. તેમણે કહ્યું, “અમે બસ એટલી જ જવાબદાઈ માંગી રહ્યા છીએ કે જ્ઞાનેશ કુમારે ચૂંટણીમાં જે રીતે હેરાફેરી કરી છે અને સુપ્રીમ કોર્ટની મંજૂરી વિના ફોર્મ-6 માં ફેરફાર કર્યા છે, તેના પર સ્પષ્ટતા આવે. અન્ય બે ચૂંટણી કમિશનરોએ પણ જ્યારે આ નિર્ણયોનો વિરોધ કર્યો હતો, ત્યારે અમારું માત્ર એટલું જ કહેવું છે કે જ્ઞાનેશ કુમારને હટાવીને કોઈ અન્ય યોગ્ય વ્યક્તિને CEC બનાવો. શું લોકશાહીમાં આટલી માંગ કરવી પણ પાપ થઈ ગયું છે?”
દીપકેએ વધુમાં જણાવ્યું કે અમે મહાત્મા ગાંધી અને ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિચારોને અનુસરનારા લોકો છીએ. અમેકોઈ હિંસા કે ગેરબંધારણીય કામમાં માનતા નથી. તેમણે સવાલ કર્યો કે, “અમે એક ભારતીય નાગરિક તરીકે શાંતિપૂર્વક જઈને તિરંગો લહેરાવવા માંગીએ છીએ, તો સરકાર કે પોલીસ અમને તિરંગો લહેરાવવાથી કેવી રીતે રોકી શકે?”
દિલ્હી પોલીસનું કડક પહેરો અને સુરક્ષા વ્યવસ્થા
CJP ના આ એલાન બાદ દિલ્હી પોલીસ અને વહીવટી તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર છે. તહેવારોની મોસમ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને લુટિયન્સ દિલ્હી (Lutyens Delhi) અને કનૉટ પ્લેસ વિસ્તારમાં અંદાજે 27000 સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. સમગ્ર વિસ્તારમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની ધારા 163 લાગુ કરી દેવામાં આવી છે.
પોલીસની વૈકલ્પિક શરતો
દિલ્હી પોલીસે સ્પષ્ટ ચેતવણી આપી છે કે કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જો કે, પોલીસે એક વૈકલ્પિક દરખાસ્ત પણ મૂકી છે કે જો કેટલાક વ્યક્તિઓ ચોક્કસ નિયમો અને ગરિમા સાથે માત્ર રાષ્ટ્રગાન અને તિરંગાનું પ્રદર્શન કરવા માંગતા હોય, તો તેમને યોગ્ય સ્થાને તેની મંજૂરી આપી શકાય છે. હાલ તો સમગ્ર દિલ્હીમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે તણાવપૂર્ણ શાંતિ જોવા મળી રહી છે.