Thailand Fire : થાઈલેન્ડના લોકપ્રિય પ્રવાસન સ્થળ ફુકેટમાં વહેલી સવારે ભીષણ આગ! 11નાં કરુણ મોત

By: Nation Gujarat Team
16 Nov, 2026

Thailand Fire : થાઈલેન્ડના લોકપ્રિય પર્યટન સ્થળ ફુકેટમાં ભયાનક આગની ઘટના સામે આવી છે. ફુકેટના પટોંગ વિસ્તારમાં સોમવારે વહેલી સવારે એક કોમર્શિયલ ઇમારતમાં આગ લાગતાં ભારે અફરાતફરી સર્જાઈ હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે આસપાસની ઇમારતો પણ તેની ઝપેટમાં આવી ગઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 11 લોકોનાં મોત થયા છે, જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. કેટલાક અહેવાલોમાં ઘાયલોની સંખ્યા 36 જણાવવામાં આવી છે.

વહેલી સવારે 3:20 વાગ્યે લાગી આગ

મળતી માહિતી અનુસાર, સોમવારે સવારે લગભગ 3:20 વાગ્યે ફુકેટના પટોંગ વિસ્તારમાં આવેલી ફાંગ મુઆંગ સાઈ કોર રોડ પરની એક કોમર્શિયલ શોપહાઉસમાં અચાનક આગ લાગી હતી. આ ઇમારતમાં વાહનો ભાડે આપવાનો વ્યવસાય ચાલતો હતો. શરૂઆતમાં આગ એક જ ઇમારત સુધી મર્યાદિત હતી, પરંતુ થોડી જ વારમાં આગની જ્વાળાઓએ આસપાસની અન્ય ઇમારતોને પણ પોતાની ઝપેટમાં લઈ લીધી હતી.

આગના કારણે સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. કેટલાક લોકો સમયસર બહાર નીકળી ગયા હતા, જ્યારે અન્ય લોકો આગ અને ધુમાડા વચ્ચે ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટીતંત્ર, ફાયર બ્રિગેડ અને બચાવ ટીમો સ્થળ પર પહોંચી હતી. ફાયર વિભાગે સતત પ્રયાસો કરીને લગભગ 2 કલાકમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો.

મૃતકોમાં કોઈ પ્રવાસી નહીં, પોલીસ તપાસ શરૂ

આ દુર્ઘટનામાં 11 લોકોનાં મોત થયાં છે. મીડિયા અહેવાલો અનુસાર, મૃતકોમાં કોઈ વિદેશી પ્રવાસી સામેલ નથી. જોકે, મૃતકોની ઓળખ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ઘાયલોમાં 15 થાઈ નાગરિકો અને મ્યાનમારનો એક નાગરિક સામેલ હોવાનું જણાવાયું છે. તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં પોલીસ અને સંબંધિત અધિકારીઓ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ કરી રહ્યા છે. ખાસ કરીને એક કોમર્શિયલ ઇમારતમાં શરૂ થયેલી આગ આટલી ઝડપથી આસપાસની ઇમારતો સુધી કેવી રીતે પહોંચી તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.

થાઈલેન્ડમાં અગાઉ પણ બની હતી આવી દુર્ઘટનાઓ

 

ઉલ્લેખનીય છે કે થાઈલેન્ડમાં આગની આ ઘટના અગાઉ પણ અનેક ભયાનક દુર્ઘટનાઓ બની ચૂકી છે. લગભગ 4 મહિના પહેલાં જુલાઈમાં બેંગકોકના ચાતુચક જિલ્લામાં આવેલા ના લાડપ્રાઓ બારમાં આગ લાગતાં 27 લોકોનાં મોત થયાં હતાં. આ ઉપરાંત વર્ષ 2022માં દેશના પૂર્વ વિસ્તારમાં આવેલા એક મ્યુઝિક પબમાં આગ લાગતાં 14 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે 1 જાન્યુઆરી, 2009ના રોજ બેંગકોકના સેન્ટિકા નાઇટક્લબમાં લાગેલી આગમાં 66 લોકોનાં મોત થયાં હતાં. ફુકેટની તાજેતરની દુર્ઘટનાએ ફરી એકવાર જાહેર સ્થળોની આગ સામેની સુરક્ષા વ્યવસ્થા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.


Related Posts

Load more
Follow Us

Live Cricket Score