Shankersinh Vaghela Statement: ભગવાન બિરસા મુંડા (Bhagwan Birsa Munda) ની જન્મજયંતિ નિમિત્તે પંચમહાલ જિલ્લાના મોરવા હડફ (Morva Hadaf) તાલુકાના મોરા (Mora) ગામે આદિવાસી સમાજના એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા (Shankersinh Vaghela) એ આદિવાસી સમાજની ઓળખ, બંધારણીય અધિકારો અને વસ્તી ગણતરી મુદ્દે એક અત્યંત મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ નિવેદન આપ્યું છે, જેના કારણે રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
મોરા ખાતે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “તમે હિન્દુ નથી, આદિવાસી છો અને તમને હિન્દુ કાયદો લાગુ થતો નથી.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “તમને હિન્દુ બનાવે તો હિન્દુ ધર્મને શું ફાયદો થાય તે ખબર નથી, પરંતુ આદિવાસીઓને મળતા લાભ ચોક્કસ બંધ થઈ જાય. 1952 થી હિન્દુ-હિન્દુ ચાલે છે, પરંતુ તમે હિન્દુ નથી એટલે આદિવાસીઓને જે લાભ મળે છે તે તમને ન મળે. હિન્દુને શું લાભ મળે તે ખબર નથી, હું પણ હિન્દુ છું.”
આગામી વસ્તી ગણતરીમાં આદિવાસી સમાજને ખાસ સાવચેતી રાખવાની અપીલ કરતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, વસ્તી ગણતરીમાં મહત્વનું ધ્યાન રાખજો અને અમે એક્સ, વાય કે ઝેડ (XYZ) નહીં, પરંતુ ‘આદિવાસી’ છીએ એવું ચોક્કસ જણાવજો. આ ઉપરાંત તેમણે આદિવાસી સર્ટિફિકેટ (જાતિના પ્રમાણપત્ર) અંગે પણ પોતાનો મત વ્યક્ત કરતા કહ્યું હતું કે, જેના માતા અને પિતા બંને આદિવાસી હોય તેને જ સાચા આદિવાસી ગણવા જોઈએ.
પોતાના વક્તવ્ય દરમિયાન શંકરસિંહ વાઘેલાએ નેતાની પસંદગી અંગે ભારતીય જનતા પાર્ટી (BJP) નું નામ લીધા વિના આકરા શાબ્દિક કટાક્ષ પણ કર્યા હતા. આદિવાસી સમાજ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ઉપરાંત યુવરાજસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ સહિત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના રાજકીય અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જોકે, આયોજકો દ્વારા આ સમગ્ર કાર્યક્રમને બિન-રાજકીય ગણાવવામાં આવ્યો હતો.