મોંઘવારીનો વધુ એક માર! ગુજરાત એનર્જીએ CNGના ભાવમાં પ્રતિ કિલો ₹5નો વધારો ઝીંક્યો

By: Nation Gujarat Team
16 Nov, 2026

ગુજરાતમાં મોંઘવારીનો માર સહન કરી રહેલા નાગરિકોને વધુ એક ઝટકો લાગ્યો છે. ગુજરાત એનર્જી દ્વારા CNG ગેસના ભાવમાં પ્રતિ કિલો ₹5નો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારા સાથે CNGના જૂના ભાવ ₹88.76 પ્રતિ કિલોથી વધીને હવે ₹93.76 પ્રતિ કિલો થઈ ગયા છે.

CNGના ભાવમાં એકસાથે પાંચ રૂપિયાનો વધારો થતાં વાહનચાલકોના ખિસ્સા પર વધારાનો બોજ પડશે. ખાસ કરીને રોજિંદા વાહનવ્યવહાર માટે CNG વાહનોનો ઉપયોગ કરતા લોકોના માસિક બજેટ પર તેની સીધી અસર જોવા મળી શકે છે.

મહત્વનું છે કે આ અગાઉ અદાણી દ્વારા પણ CNGના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. ભાવ વધારા બાદ અદાણીના CNGના નવા દર પ્રતિ કિલો 100 રૂપિયાને પાર પહોંચી ગયા હતા. હવે ગુજરાત એનર્જીએ પણ ભાવમાં વધારો કરતાં CNG વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે. એક તરફ પેટ્રોલ-ડીઝલ સહિત જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવને કારણે સામાન્ય જનતા મોંઘવારીનો સામનો કરી રહી છે, ત્યારે CNGના ભાવ વધારાથી પણ લોકોના ખર્ચમાં વધારો થશે.

રિક્ષા અને ટેક્સીના ભાડા વધવાની શક્યતા

CNGના ભાવ વધારાની અસર માત્ર ખાનગી વાહનચાલકો પૂરતી મર્યાદિત નહીં રહે. રિક્ષા અને ટેક્સીચાલકોને પણ હવે ઇંધણ પાછળ વધુ ખર્ચ કરવો પડશે. જેના કારણે આગામી દિવસોમાં રિક્ષા અને ટેક્સીના ભાડામાં વધારો થવાની શક્યતા છે. જો ભાડાં વધે તો તેની સીધી અસર મુસાફરોના ખિસ્સા પર પડશે. આમ, CNGના ભાવમાં થયેલો આ વધારો વાહનચાલકોની સાથે સામાન્ય મુસાફરો માટે પણ મોંઘવારીનો વધુ એક બોજ સાબિત થઈ શકે છે.


Related Posts

Load more
Follow Us

Live Cricket Score