Indian Song Banned In Pakistan : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી તણાવનો માહોલ બની ગયો છે. પહલગામ આતંકી હુમલા બાદ ભારતીય સરકારે પાકિસ્તાન વિરૂદ્ધમાં કડક નિર્ણય લીધા છે, ત્યારે હવે પાકિસ્તામાં પાકિસ્તાન બ્રોડકાસ્ટર્સ એસોસિએશને દેશભરમાં ભારતીય ગીતો પર પ્રતિબંધ લગાવી દીધો છે.
પાકિસ્તાને ભારતીય ગીતો પર લગાવ્યો પ્રતિબંધ
પાકિસ્તાન બ્રોડકાસ્ટર્સ એસોસિએશને ભારતીય ગીતો પર પ્રતિબંધ મુક્યો છે, ત્યારે પાકિસ્તાની સરકારે 1 મે, 2025ના રોજ એક નોટિફિકેશન જાહેર કર્યું છે. જેમાં એ જણાવવામાં આવ્યું છે કે, પાકિસ્તાન હવે બોલિવૂડ ગીતો પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ મામલે પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ મંત્રાલયે કહ્યું હતું કે, ‘હવે પાકિસ્તાની એફએમ રેડિયો સ્ટેશનો પર ભારતીય ગીતો વગાડવામાં આવશે નહીં.’ એવું પણ કહેવામાં આવ્યું હતું કે, આ નિર્ણય સમગ્ર દેશને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
‘વડાપ્રધાન મોદીએ નિર્દોષોને સજા ન આપવી જોઈએ’
તમને જણાવી દઈએ કે, આ પહેલા ભારત સરકારે પણ નિર્ણય લઈને પાકિસ્તાનના અનેક મોટા સ્ટાર્સને લઈને સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ લિસ્ટમાં હાનિયા આમિર, માહિરા ખાન, આયઝા ખાન, ઈકરા અઝીઝ જેવા એક્ટર્સનું નામ સામેલ છે. જ્યારે આ ખબરને લઈને ઈન્ટરનેટ પર હલચલ મચી ગઈ હતી. આ પછી, હાનિયાની એક નકલી પોસ્ટ પણ વાઈરલ થઈ હતી. જેમાં તેણે કહ્યું હતું કે, ‘વડાપ્રધાન મોદીએ નિર્દોષોને સજા ન આપવી જોઈએ.’