પેરિસ,3 મે 2025,શનિવાર
ફ્રાંસમાં ફૂટબોલ કલબ ઓલિમ્પિક માર્સે દુનિયાની પ્રથમ એવી ફૂટબોલ ટીમ તૈયાર કરી છે જેના તમામ ખેલાડીઓ એમ્પ્યુટી (શરીરનું કોઇ અંગ ગુમાવનારા) છે. શરીરના કોઇને કોઇ અંગના અભાવે પીડાતા ખેલાડીઓેને ફૂટબોલ મેચ રમવા તાલીમ આપવામાં આવી છે. ફ્રાંસની કલબે એમ્પ્યુટી લોકોની ટીમ તૈયાર કરવાનો અનોખો પ્રયોગ કરીને એક નવો જ કિર્તિમાન સ્થાપ્યો છે. ઓલિમ્પિક માર્સના સંસ્થાપકને એમ્પ્યુટી ફૂટબોલ ટીમ તૈયાર થવાનું ગૌરવ છે. કલબની યુરોપ અને દુનિયા ભરમાં વ્યાપક ઓળખ હોવાથી એમ્પ્યુટી ફૂટબોલ ટીમ જાણીતી બની જશે.
આ ટીમ પોતાની પ્રથમ ફ્રેંચ ચેમ્પિયનશીપ મેચ પણ રમી હતી. આમ તો માનસિક અને શારીરિક સમતોલનનું ફૂટબોલની મેચમાં ખૂબજ મહત્વ છે. ખેલાડીઓનું મનોબળ તો મજબૂત છે પરંતુ શરીરમાં ખામી હોવાથી શારીરિક સમતોલન એક પડકાર છે આ પડકારની વચ્ચે મેચ રમવી એ જ મોટી સિધ્ધિ છે,હાર જીત તો સાવ જુદી જ બાબત છે. એમ્પ્યુટી ફૂટબોલ ટીમ ૪ ટીમો ધરાવતી લીગમાં ભાગ લેતી હશે જેમાં પેરિસની લીગ-૨ જેવી ઉચ્ચ દરજ્જાની ટીમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બુઆગે કલબ પણ આ ટીમનો હિસ્સો છે.
ઓલિમ્પિક માર્સેના કેપ્ટન જેરોમ રફેટોએ ૨૦૦૫માં એક સડક અકસ્માતમાં પોતાના પગ ગુમાવ્યા હતા. દુર્ઘટના પહેલા પોતાની ઇચ્છા ફૂટબોલ મેચ રમવાની હતી. રફેટોને આ ટીમ તૈયાર કરવાનો વિચાર ૪ વર્ષ પહેલા આવ્યો હતો. તેનું માનવું છે કે ફૂટબોલ બધાના માટે સુલભ હોવું જરુરી છે. દરેકની ઇચ્છા પૂરી થવી જોઇએ તેના માટે રમત વધુને વધુ લોકો પાસે પહોંચે તે જરુરી છે. એવું માનવામાં આવે છે કે આ પહેલથી જ વિશ્વમાં એમ્પ્યુટી ફૂટબોલનો વિકાસ થશે.