થોડા સમયમાં લોકો જાયરોકોપ્ટર ઉડાવશે:એન્જિન ફેલ થઇ જાય તો પણ લેન્ડ થઇ શકે

By: Nation Gujarat Team
16 Mar, 2026

કલ્પના કરો કે રોજ તમે જે રીતે કાર, બાઇક કે એક્ટિવા ચલાવો છો એ જ રીતે હેલિકોપ્ટર ઉડાવવા લાગો તો કેવું લાગે?. આ શેખચલ્લી જેવો લાગતો વિચાર હવે હકીકત બનાવવા જઇ રહ્યાં છે ગુજરાતી રિટાયર્ડ વિંગ કમાન્ડર જયદેવ દેસાઇ. શાર્ક ટેન્કમાં પિચ કરીને આવેલા જયદેવ દેસાઈ ભારતમાં પહેલી હેલિકોપ્ટર ટ્રેનિંગ સ્કૂલ ખોલશે અને જાયરોકોપ્ટર તથા હેલિકોપ્ટર વેચશે, એ પણ સામાન્ય હેલિકોપ્ટર કરતાં ચોથા ભાગની કિંમતે.

જાયરોકોપ્ટર દેખાવમાં હેલિકોપ્ટર જેવું લાગે છે પણ તેની ટેકનોલોજી અલગ છે. હેલિકોપ્ટરમાં રોટર અને એન્જિન કનેક્ટેડ હોય છે. જેથી એન્જિન ચાલુ કરતાં રોટર ફરવા લાગે. જેનાથી ટોર્ક ઉત્પન્ન થાય. એન્ટી-ટોર્ક માટે ટેલ હોય. જ્યારે જાયરોકોપ્ટરમાં રોટર અને એન્જિન વચ્ચે કોઈ કનેક્શન નથી હોતું. જેથી રોટર ફેરવવા માટે સ્પીડ જોઈએ. જાયરોકોપ્ટર ફરતું રહે એ માટે મિનિમમ 30 કિમી સ્પીડ જોઈએ. હેલિકોપ્ટર વર્ટિકલ ટેક-ઓફ અને લેન્ડિંગ કરી શકે, જાયરોકોપ્ટર નહીં. જોકે જાયરોકોપ્ટર કોમ્પ્લિકેટેડ નથી એટલે જ ઇઝી ટુ ફ્લાય, મેન્ટેન અને કોસ્ટ ઇફેક્ટિવ છે.

વેસ્ટર્ન દેશોની પોલીસ જાયરોકોપ્ટરનો ઉપયોગ કરે છે જાયરોકોપ્ટરનો ઉપયોગ ઘણી રીતે થઈ શકે. સર્વેલન્સ સિક્યોરિટી, સ્ટેટ પોલીસ, SRP અને BSF પાસે આજે એરક્રાફ્ટ નથી. પરંતુ વેસ્ટર્ન દેશોમાં જેમ કે ન્યૂયોર્ક પોલીસ પાસે છે. ચીન પાસે જાયરોકોપ્ટરનું એક રેજિમેન્ટ છે. જેમાં કુલ 60 છે. એમણે અકસાઈ ચીનમાં મૂકેલા છે. ભારતમાં ડિફેન્સનું બજેટ મોટું હોવાથી મોંઘું અને મોટું એરક્રાફ્ટ ખરીદે છે. પણ પેરા-મિલિટરી ફોર્સ અને સ્ટેટ પોલીસ 50-100 કરોડ ન વાપરી શકે. એ આ ખરીદી શકે છે. જાયરોકોપ્ટરમાં 1 કલાકમાં 20 લિટર પેટ્રોલ વપરાય. 1 કલાકમાં 140 કિમી ચાલે છે. એ મુજબ 1 લિટરમાં લગભગ 7.5 કિમીની એવરેજ આપે છે.

વિંગ કમાન્ડર જયદેવ દેસાઈ એવીઆ ટ્રેનિંગ સોલ્યુશનના પ્રમોટર ડાયરેક્ટર અને સીઈઓ છે. તેમની કંપની અલ્ટ્રા-લાઇટ એરક્રાફ્ટ, જાયરોકોપ્ટર અને હેલિકોપ્ટરનું પ્રોડક્શન, મેન્યુફેક્ચરિંગ અને એસેમ્બલિંગ કરે છે. ધોરણ 12 સુધીનો અભ્યાસ તેમણે અમદાવાદમાં જ કર્યો હતો. ત્યારબાદ બિટ્સ પિલાનીથી એન્જિનિયરિંગ પૂર્ણ કર્યું. જૂન 1978માં તેઓ ઇન્ડિયન એરફોર્સમાં જોડાયા અને 21 વર્ષની સેવા બાદ ડિસેમ્બર 1999માં પ્રિ-મેચ્યોર રિટાયરમેન્ટ લીધું. તેમણે કારગિલ યુદ્ધમાં સક્રિય ભાગ લીધો હતો.

જયદેવ દેસાઇ ખાસ વાતચીત કરતા કહે છે કે આજની તારીખે જાયરોકોપ્ટરની કિંમત 1.25 કરોડ, 1.40 કરોડ, 1.7 કરોડ જ્યારે હેલિકોપ્ટરની કિંમત 3.5 કરોડ છે. આની સામે યુએસએનું આર્ક-22 ટુ-સીટર હેલિકોપ્ટર જૂનામાં લગભગ 4.5 કરોડનું મળે છે. હેલિકોપ્ટરની ઊંચી કિંમતોને કારણે જ ભારતમાં હેલિકોપ્ટર પાયલટ ટ્રેનિંગ સ્કૂલ નથી.’

આ 4 સ્ટ્રોક એન્જિન છે. જે અત્યારે એવિએશનમાં વપરાય છે. એ હાઈ-ઓક્ટેન પેટ્રોલ જ છે. જોકે એની જરૂર નથી, સામાન્ય પેટ્રોલથી પણ એ ચાલે છે. DGCA સાથે અમારી આ અંગે વાત ચાલે છે. એવિએશન ગેસની કિંમત સામાન્ય પેટ્રોલ કરતાં બે ગણી હોય છે. અમારો ટાર્ગેટ વર્ગ ઉપયોગ પ્રમાણે લગભગ બધા છે. સિક્યોરિટી સર્વેલન્સ માટે પેરા-મિલિટરી ફોર્સ, પોલીસ. એગ્રીકલ્ચર માટે રેવન્યુ ડિપાર્ટમેન્ટ, ફાર્મર, સરપંચ. ટ્રાન્સમિશન લાઇન માટે ઇલેક્ટ્રિક કંપની; સુપરવિઝન માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ. ડેમ-કેનાલ માટે વોટર ડિપાર્ટમેન્ટ. ઉપરાંત લગ્નમાં એન્ટ્રી કરવી હોય અથવા ટુરિઝમના ઉપયોગ માટે પણ લઈ શકાય. અત્યારે ઇન્ક્વાયરી ઘણી આવી છે. અમે ગુજરાત સરકારને પણ પ્રપોઝ કર્યું છે કે આઠેક ટુરિઝમ સાઇટ પર જોયરાઈડ શરૂ કરીએ. એમણે કહ્યું છે કે તમે એરક્રાફ્ટ લઈ આવો, એ જોઈને MoU કરશે. અમે આ જ રીતે મહારાષ્ટ્ર સરકાર સાથે પણ વાત કરી છે. જાયરોકોપ્ટરની ઊંચાઇ 3 મીટર, લંબાઇ 8 મીટર અને પહોળાઇ 4 મીટર છે. જાયરોકોપ્ટર સૌથી સેફેસ્ટ છે. ’

જાયરોકોપ્ટરનું મેન્યુફેક્ચરિંગ ત્રણ સ્ટેજમાં થાય છે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ અંગે તેઓ જણાવે છે કે, કોઈપણ એરક્રાફ્ટનું મેન્યુફેક્ચરિંગ ત્રણ સ્ટેજમાં થાય. 1. કીટ લઈને આવે અને એસેમ્બલ કરે. 2. બધું એસેમ્બલ ન હોય, ઘણું બધું ડિસમેન્ટલ અને છૂટા ભાગ લઈને એને એસેમ્બલ કરે. 3. બધા જ પાર્ટ અલગ હોય. બધું જ અહીંયા એસેમ્બલ થાય. ત્યારે લોકલ વેન્ડર પાસેથી પાર્ટ ખરીદો અથવા જરૂર પ્રમાણે પાર્ટ બનાવો. એમ ત્રણેક વર્ષમાં અમે વેન્ડર સાથે ટોટલ મેન્યુફેક્ચરિંગ શરૂ કરીશું. એનાથી ગુજરાતની ઇન્ડસ્ટ્રીને પણ ફાયદો થશે. આના બે પર્પઝ છે એક કોઈને એવિએશનમાં બિઝનેસ શરૂ કરવો હોય તો 1 કરોડથી ઓછા રૂપિયામાં શરૂ કરી શકાય. 1 વર્ષમાં એક કરોડથી વધુ રૂપિયા કમાઈ શકાય. એ ખરીદવા લીધેલી લોન 2 વર્ષમાં રિપે કરી શકાય. અને બીજો જો કોઈની પાસે પાંચ-દસ કાર હોય તો વધુ એક કાર લેવાનો ફાયદો નથી. જાયરોકોપ્ટર લઈને હવામાં મુસાફરી કરી શકે છે.

અત્યારે અમે 3 કંપનીઓ સાથે પાર્ટનરશિપ કરી છે. જાયરોકોપ્ટર આગળ-પાછળ સીટ અને સાઈડ-બાય-સાઈડ સીટ એમ બે પ્રકારના છે. આગળ-પાછળ સીટવાળું Carpenter Pagotto srl ઇટાલીથી, જ્યારે સાઈડ-બાય-સાઈડ Aviation Artur Trendak પોલેન્ડ અને હેલિકોપ્ટર Lamana Helicopter srl ઇટાલીથી લાવવાના છીએ. ત્રણેય અમારા સ્ટ્રેટેજિક પાર્ટનર છે. અમે એસેમ્બલ અને મેન્યુફેક્ચર કરી શકીએ છીએ. ઉપરાંત 20 દેશોમાં માર્કેટિંગ અને ડિસ્ટ્રિબ્યુટ પણ કરી શકીશું.’

જયદેવ દેસાઇ કહે છે કે મેં નિવૃત્તિ પછી શરૂઆતમાં બિઝનેસ કર્યો જે સફળ ન રહ્યો. ત્યારબાદ ઇલેક્ટ્રોથર્મ ઇન્ડિયા અને સહજાનંદ જેવી કંપનીઓમાં પ્લાન્ટ હેડ અને બિઝનેસ હેડ તરીકે નોકરી કરી. બાદમાં સંરક્ષણ અને એરોસ્પેસ સેક્ટરમાં એડવાઇઝર તરીકે કામ શરૂ કર્યું. અને ગોદરેજ ડિફેન્સ અને આઈએન્ડબી ડિફેન્સ જેવી કંપનીઓના સલાહકાર તરીકે પણ કામ કર્યું છે તેમજ ગુજરાતમાં CII ની ડિફેન્સ ટાસ્ક ફોર્સના કમિટી મેમ્બર પણ રહ્યો છું.

‘એરફોર્સની જોબ દરમિયાન મારી 3 મુખ્ય ઉપલબ્ધિઓ હતી. હમણાં જ રિટાયર થયેલા મિગ-21ની ઓવરહોલ રિપેર લાઇન મેં સેટઅપ કરી હતી. મિરાજ એન્જિનની રિપેર ઓવરહોલ લાઇન કાનપુરમાં મેં સેટઅપ કરી. મિરાજ એન્જિન, સાફરાજ એન્જિન અને રાફેલ એન્જિન માટે તેમણે મને ટ્રેન કર્યો હતો. અબ્દુલ કલામ એ જોવા માટે આવ્યા હતા. છેલ્લે મેં કારગિલ વોરમાં પણ ભાગ લીધો હતો. મારી પોસ્ટિંગ ગાંધીનગરમાં હતી. એ પછી 1999માં રિટાયર થયો.’

કંપનીની શરૂઆત અંગે તેઓ જણાવે છે કે 2019માં અમે એક કંપની શરૂ કરી. 2023માં DGCAએ જાયરોકોપ્ટર ભારતમાં લાવવાની પરમિશન આપી. ફેબ્રુઆરી 2024માં અમે કામ શરૂ કર્યું. અમારું પહેલું એરક્રાફ્ટ ગુજરાતમાં આવી ગયું છે. એને એસેમ્બલ કરીને ટેસ્ટ પણ થઈ ગયું છે. એના દ્વારા જોયરાઈડ, ટ્રેનિંગ સ્કૂલ વગેરે અમે ટૂંક સમયમાં શરૂ કરીશું. 2018માં સુરેન્દ્રનગરના MLA ધનજીભાઈ જર્મનીમાં એવિએશન એક્ઝિબિશન એટેન્ડ કરવા ગયા હતા. ત્યાં જાયરોકોપ્ટરનું મટિરિયલ જોઈને આવ્યા હતા.

‘પહેલા હું એકલો હતો પછી લોકો જોડાતા ગયા’ ‘અમારા ચેરમેન એરમાર્શલ પી.કે. દેસાઈ પાસે આ જાયરોકોપ્ટર ભારતમાં લાવવા મદદ માંગી હતી. એમણે મને ફોન કરીને ધનજીભાઈને કહ્યું કે વિંગ કમાન્ડર જયદેવ દેસાઈ તમને મદદ કરશે. પણ મેં રિસર્ચ કર્યા બાદ ખબર પડી કે DGCA અત્યારે આ જાયરોકોપ્ટર ભારતમાં લાવવાની પરમિશન નથી આપતું. ફાઇનલી, 2023 ઓક્ટોબરમાં તેમણે એપ્રુવ કર્યું. ફેબ્રુઆરીમાં હું ફરી એરમાર્શલ દેસાઈ પાસે ગયો કે સર, આનો બિઝનેસ ઘણો સારો છે, શરૂ કરીએ. ત્યારે હું એકલો હતો. પછી મારી સાથે લોકો જોડાતા ગયા. અમારી ટીમમાં બધા એરફોર્સ વેટરન છે. બધા પ્રુવન ટ્રેક રેકોર્ડ સાથે છે.’

તેઓ જણાવે છે કે જે વ્યક્તિ લક્ઝરી કાર ખરીદી શકે એ વ્યક્તિ આ ખરીદી શકે છે. આજની તારીખે ભારતમાં આવા એકપણ જહાજ નથી પરંતુ આવનારા 5 વર્ષમાં ભારતમાં 5થી 10 હજાર એરક્રાફ્ટ ઉડતા હશે. અત્યારે ગુજસેલની પરમિશનથી અમે મહેસાણામાં સેટઅપ કર્યું છે. અમને ઇન્વેસ્ટમેન્ટ મળશે ત્યારે અમદાવાદની નજીક સેટઅપ કરીશું. વડનગર, મોરબી અને નવસારીમાં ટ્રેનિંગ સેન્ટર માટે વાત ચાલે છે. ભારતમાં આવા 20 સેન્ટર શરૂ કરવા માટે રાજીવ પ્રતાપ રુડી સાથે અમારી વાત ચાલે છે. એ માટે એરો ક્લબ ઓફ ઈન્ડિયા 20 હેલિકોપ્ટર અને 50 જાયરોકોપ્ટર અમારી પાસેથી ખરીદશે. અમે ચીફ ઓફ એર સ્ટાફ સાથે મીટિંગ કરીને પાયલોટ ટ્રેનિંગ હેલિકોપ્ટર માટે તેમને પણ પ્રપોઝલ આપ્યું છે.’

‘શાર્ક ટેન્કમાં અમને ઘણી સારી સલાહ આપી’ શાર્ક ટેન્કનો અનુભવ શેર કરતા તેઓ જણાવે છે કે, શાર્ક ટેન્ક માટે જૂનમાં એપ્લાય કર્યું હતું. એના ત્રણેક સ્ટેજ હોય છે. પહેલા ફોર્મ ભરાય, પછી ક્વેશ્ચન થાય, પછી મુંબઈમાં ઓડિશન કરે, એ પછી ફાઇનલ શૂટ થાય. શૂટનો મતલબ એ નથી કે એપિસોડ ટેલિકાસ્ટ થશે. એમાંથી સિલેક્ટ કરીને પબ્લિશ કરે. એમણે અમને ઘણી સારી સલાહ આપી અને સુધારો કર્યો. અનુપમે અમને કહ્યું કે ‘સર, હું તમારામાં ઇન્વેસ્ટ નથી કરતો કારણ કે હું ઇન્વેસ્ટ કરું ત્યારે કેટલીક વાર પ્રમોટરને ખખડાવવા પડતા હોય છે, પણ તમને હું ખખડાવી નહીં શકું જેથી હું ઇન્વેસ્ટ કરવા માંગતો નથી.

‘હું જોઉં છું કે 2-3 વર્ષમાં તમારા બેમાંથી એક અહીંયા શાર્કની સીટ પર બેઠા હશે.’ મેં કહ્યું 10 વર્ષમાં એવીઆ યુનિકોર્ન બનશે.અત્યારે અમે પોતાનું ફંડ વાપરી રહ્યા છીએ અને ઇન્વેસ્ટમેન્ટ શોધીએ છીએ.’

 


Related Posts

Load more