દિલ્હીથી AAPનું સ્થાનિક સ્વરાજ ચૂંટણી પૂર્વે સુરતમાં ફંડિંગ!, ઇન્કમટેક્સની એન્ટ્રી

By: Nation Gujarat Team
20 Apr, 2026

સુરત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવતા જ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે એક અત્યંત ચોંકાવનારા ‘પોલિટિકલ હવાલા કાંડ’નો પર્દાફાશ કર્યો છે. દિલ્હીથી સુરત સુધી ફેલાયેલા આ નેટવર્ક દ્વારા છેલ્લા ચાર મહિનામાં 1 કરોડથી વધુની રકમ મોકલવામાંં આવી હોવાનોઆક્ષેપ.

સુરત ક્રાઈમ બ્રાન્ચે આ મામલાની ગંભીરતા જોતા આવકવેરા વિભાગને જાણ કરી દીધી છે. પોલીસ હવે નાણાકીય લેવડદેવડના હિસાબો તપાસી રહી છે, જ્યારે ઇન્કમટેક્સ વિભાગ આ બ્લેક મનીના સ્ત્રોત સુધી પહોંચવા પ્રયાસ કરશે. સુરત ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, શહેરના રાજકીય માહોલને પ્રભાવિત કરવા માટે ગેરકાયદેસર મનીનો ઉપયોગ થઈ રહ્યો છે. તપાસ દરમિયાન પોલીસના હાથમાં એક મહત્વપૂર્ણ સીસીટીવી ફૂટેજ આવ્યું છે, જેમાં આંગડિયા પેઢીઓ મારફતે નાણાંની હેરાફેરી થતી સ્પષ્ટ દેખાય છે. પ્રાથમિક તપાસ મુજબ, આ નાણાં દિલ્હીથી સુરતના ચોક્કસ સેન્ટરો પર મોકલવામાં આવતા હતા. પોલીસ હવે આ સીસીટીવીમાં દેખાતા અન્ય શખ્સો અને આંગડિયા સંચાલકોની કડક પૂછપરછ કરી રહી છે, જેથી આ આખી ચેઈનનો પર્દાફાશ થઈ શકે છે. આ સમગ્ર કૌભાંડમાં દિલ્હીના જનકપુરીમાં રહેતા હિમાંશુ પાહુજાનું નામ મુખ્ય સૂત્રધાર તરીકે સામે આવ્યું છે. હિમાંશુ અગાઉ કોંગ્રેસમાં સક્રિય હતો પરંતુ હાલમાં તે આમ આદમી પાર્ટી (AAP) સાથે જોડાયેલો હોવાનું અને નેતા સુરેન્દ્ર ભારદ્વાજનો નજીકનો માણસ હોવાનું માનવામાં આવે છે. ક્રાઈમ બ્રાન્ચે હિમાંશુ પાહુજાની કલાકો સુધી કડક પૂછપરછ કરી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, હિમાંશુ દિલ્હીથી ફંડ મોકલનાર તરીકેની મુખ્ય ભૂમિકા ભજવતો હતો. જોકે, પૂછપરછ બાદ હાલ તેને મુક્ત કરવામાં આવ્યો છે, પણ તેની ગતિવિધિઓ પર વોચ રાખવામાં આવી રહી છે.

દિલ્હીથી જે ફંડ મોકલવામાં આવતું હતું, તેને સુરતમાં સંભાળવાની જવાબદારી આકાશ મિશ્રા અને અજય તિવારી નામના બે શખ્સોની હતી. આકાશ મિશ્રા, જે પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનનો પીએ (PA) રહી ચૂક્યો છે, તે સુરતના પીપલોદ વિસ્તારમાં રહીને આ આખું ઓપરેશન ચલાવતો હતો. આકાશ અને અજય તિવારી દિલ્હીથી આવતા ફંડના ‘ફાઇનાન્સિયલ રિસીવર અને ડિસ્ટ્રીબ્યુટર’ તરીકે કામ કરતા હતા. તેઓ આ નાણાં મેળવીને શહેરના વિવિધ વિસ્તારોમાં ફાળવતા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, હવાલા મારફતે મેળવેલા આ લાખો રૂપિયાનો ઉપયોગ કોઈ કાયદેસરના કામ માટે નહીં, પરંતુ રાજકીય ગતિવિધિઓ માટે કરવામાં આવતો હતો. આ રકમનો ઉપયોગ સ્થાનિક કાર્યકરોને પોષવા, ચૂંટણીલક્ષી પ્રચાર-પ્રસાર, રેલીઓ અને અન્ય ગુપ્ત પોલિટિકલ ઓપરેશન્સ માટે કરવામાં આવતો હોવાની આશંકા છે. આ આર્થિક ચેઇન દ્વારા ગુજરાતમાં પાર્ટીના નેટવર્કને મજબૂત કરવા માટે બિનહિસાબી નાણાંનો ધોધ વહેવડાવવામાં આવ્યો હતો, જે આચારસંહિતા અને ઇન્કમટેક્સના નિયમોનું સીધું ઉલ્લંઘન છે.

ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં વધુ એક વિગત સામે આવી છે કે, આકાશ મિશ્રા અને અજય તિવારી માત્ર રિસીવર નહોતા, પણ તેઓ સુરતના સ્થાનિક રાજકારણમાં પણ ઉંડા ઉતરેલા હતા. તેઓ હિમાંશુ માટે અહીં ફંડિંગ એકઠું કરવામાં અને વહેંચવામાં મહત્વની કડી સાબિત થયા છે. આ બંને શખ્સોના સંપર્કમાં સુરતના કયા મોટા ગજાના નેતાઓ હતા, તેની યાદી પણ પોલીસ તૈયાર કરી રહી છે. આગામી દિવસોમાં આ બંનેની ફરીથી ધરપકડ કે કડક પૂછપરછ થવાની પૂરેપૂરી શક્યતા છે.
આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ, પોલીસ અને આઈટી વિભાગ ટૂંક સમયમાં સુરતના અનેક મોટા રાજકીય ચહેરાઓને સમન્સ પાઠવી શકે છે. આ તપાસનો રેલો શહેરના અનેક દિગ્ગજ નેતાઓ સુધી પહોંચવાની શક્યતા હોવાથી રાજકીય વર્તુળોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

 

હાલમાં આ કૌભાંડ દિલ્હી-સુરત પૂરતું મર્યાદિત દેખાઈ રહ્યું છે, પરંતુ પોલીસને શંકા છે કે આ જ પ્રકારે ગુજરાતના અન્ય મહાનગરો જેમ કે અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં પણ હવાલા મારફતે ફંડ મોકલવામાં આવ્યું હોઈ શકે છે. આગામી દિવસોમાં આંતરરાજ્ય તપાસ ટીમની રચના થઈ શકે છે. દિલ્હીના હાઈકમાન્ડના સીધા આદેશથી ચાલતી આ સિન્ડિકેટના મૂળ સુધી પહોંચવા માટે ક્રાઈમ બ્રાન્ચ હવે ટેકનિકલ સર્વેલન્સ અને બેંકિંગ ડેટાની મદદ લઈ રહી છે. ડીસીપી ભાવેશ રોઝિયાના જણાવ્યા અનુસાર, દિલ્હીના ‘આપ’ કાર્યકર હિમાંશુ પાહુજા દ્વારા સુરતના આકાશ મિશ્રાને હવાલા મારફતે કરોડો રૂપિયા મોકલવામાં આવતા હોવાની બાતમી મળી હતી. આ મામલે ઉમરા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરતા સામે આવ્યું છે કે છેલ્લા પાંચ મહિનામાં આંગડિયા પેઢી દ્વારા 1 કરોડથી સવા કરોડનું ટ્રાન્ઝેકશન કરવામાં આવ્યું છે. આ કેસમાં આકાશ મિશ્રાની પૂછપરછ કરવામાં આવી રહી છે અને સમગ્ર સિન્ડિકેટમાં સામેલ અન્ય 8 થી 10 લોકો સામે પણ કાર્યવાહી કરવાની તૈયારીઓ ચાલી રહી છે, જે અંગે ઇન્કમ ટેક્સ વિભાગને પણ જાણ કરવામાં આવી છે.


Related Posts

Load more