Gandhinagar: ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયું છતાં ઓર્ડર અટક્યા! વિદ્યાસહાયકના ઉમેદવારો ગાંધીનગર ધસી આવ્યા

By: Nation Gujarat Team
27 Oct, 2026

રાજ્યમાં ચાલી રહેલી વિદ્યાસહાયક ભરતી પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી હોવા છતાં કાનૂની વિવાદના કારણે સેંકડો લાયક ઉમેદવારોની નિમણૂક અટવાઈ પડી છે. વર્તમાન ભરતીમાં રિઝર્વ રાખવામાં આવેલી 774 જગ્યાઓ તાત્કાલિક મુક્ત (રિલીઝ) કરી જિલ્લા ફાળવણી પૂર્ણ કરવાની માંગ સાથે રાજ્યભરમાંથી પાસ થયેલા વિદ્યાસહાયક ઉમેદવારો ગાંધીનગર ખાતે પહોંચ્યા છે. ઉમેદવારોએ સચિવાલય અને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓને રૂબરૂ મળીને રજૂઆત કરી છે કે સરકાર હાઈકોર્ટમાં તાત્કાલિક સત્તાવાર જવાબ રજૂ કરી કાનૂની ગૂંચ ઉકેલે અને મેરિટમાં સ્થાન પામેલા ઉમેદવારોને શાળા ફાળવણી કરી ઝડપથી ઓર્ડર આપે.

કેમ રિઝર્વ રાખવી પડી 774 જગ્યાઓ?

વર્તમાન વિદ્યાસહાયક ભરતી પ્રક્રિયા દરમિયાન મેરિટમાં સ્થાન ન મેળવી શકનારા કે અસંતુષ્ટ ઉમેદવારો દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી.હાઈકોર્ટમાં કેસ વિચારણા હેઠળ હોવાથી કોર્ટના સંભવિત આદેશોને ધ્યાને રાખી શિક્ષણ વિભાગ દ્વારા ૭૭૪ જેટલી જગ્યાઓ કામચલાઉ ધોરણે રિઝર્વ (અનામત) રાખી દેવામાં આવી હતી. આ અનામત રખાયેલી 774 જગ્યાઓ સિવાયની બાકી રહેલી તમામ સામાન્ય જગ્યાઓ પર પાસ થયેલા ઉમેદવારોની જિલ્લા પસંદગી અને ફાળવણી સહિતની વહીવટી પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવી છે.

વેરિફિકેશન પૂર્ણ છતાં નિમણૂક નહીં

અનામત રખાયેલી ૭૭૪ જગ્યાઓ સામે મેરિટમાં આવતા ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી (Document Verification) પણ શિક્ષણ વિભાગ દ્વારા પૂર્ણ કરી લેવામાં આવી છે.  ઉમેદવારોનો આરોપ છે કે સરકાર દ્વારા હાઈકોર્ટમાં સમયસર એફિડેવિટ (જવાબ) રજૂ કરવામાં વિલંબ થઈ રહ્યો છે, જેના કારણે ભરતી પ્રક્રિયા અદ્ધરતાલ લટકી રહી છે.  યોગ્ય લાયકાત અને કસોટી પાસ કરી ચૂકેલા ઉમેદવારો માનસિક તણાવ ભોગવી રહ્યા છે. સરકારે અદાલતમાં મજબૂત પક્ષ મૂકી આ 774 બેઠકો પરથી સ્ટે કે રિઝર્વેશન હટાવી તુરંત જિલ્લા પસંદગી કેમ્પનું આયોજન કરવું જોઈએ.


Related Posts

Load more
Follow Us

Live Cricket Score