નવરાત્રિમાં નોન-વેજ ન ખાવાની ધીરેન્દ્ર શાસ્ત્રી ટકોર બાદ ભાજપ નેતાઓ મેદાને, કહ્યું- અમને માછલી ખાતાં કોઈ નહીં રોકી શકે

By: Nation Gujarat Team
08 Sep, 2026

Bageshwar Baba West Bengal Durga Puja Controversy : બાગેશ્વર ધામના મુખ્ય પુજારી અને 30 વર્ષીય ધીરેન્દ્ર કૃષ્ણ ગર્ગ/બાબા બાગેશ્વર દ્વારા પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લાના લિલુઆમાં ત્રણ દિવસીય હનુમંત કથા દરમિયાન હિન્દુઓને નવરાત્રી અને દુર્ગા પૂજામાં શાકાહારી ભોજન અપનાવવાની અપીલ કરવામાં આવી હતી. આ નિવેદન બાદ પશ્ચિમ બંગાળના રાજકારણમાં મોટો વિવાદ સર્જાયો છે. વિપક્ષી પક્ષો આક્ષેપ કરી રહ્યા છે કે આ પ્રકારના નિવેદનો દ્વારા બંગાળી સંસ્કૃતિ અને ખાનપાનની પરંપરાનું અપમાન કરવામાં આવી રહ્યું છે.

ભાજપના પ્રમુખ સામિક ભટ્ટાચાર્યની સ્પષ્ટતા

આ વિવાદ વચ્ચે પશ્ચિમ બંગાળ ભાજપના પ્રમુખ સામિક ભટ્ટાચાર્યે ધીરેન્દ્ર શાસ્ત્રીનું નામ લીધા વિના સ્પષ્ટ શબ્દોમાં આ અપીલને ફગાવી દીધી હતી. તેમણે જણાવ્યું હતું કે બંગાળીઓ માછલી અને માંસ કેમ ન ખાઈ શકે? સ્વામી વિવેકાનંદે પણ ઉલ્લેખ કર્યો હતો કે માં કાળીને મટન ચડાવવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ વિવેકાનંદ કે બંગાળી પરંપરાથી ઉપર જવાનો પ્રયાસ કરે તો તે યોગ્ય નથી. તેમણે ઉમેર્યું હતું કે પશ્ચિમ બંગાળના લોકો શું ખાશે અને શું પહેરશે તે અંગે કોઈ પક્ષ કે સાધુ ફરમાન જારી કરી શકે નહીં. બંગાળીઓ પોતાની પરંપરા મુજબ જ જીવન જીવશે અને બહારથી આવીને કોઈ શું કહે છે તેની ચિંતા કરવાની જરૂર નથી.

બુદ્ધિજીવીઓ અને નિષ્ણાતો દ્વારા તીખી પ્રતિક્રિયા

આ સમગ્ર પ્રકરણ પર પત્રકાર અને લેખક અભિજીત મજૂમદાર તેમજ પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર સંજીવ સાન્યાલે પણ સોશિયલ મીડિયા પર સખત વિરોધ નોંધાવ્યો હતો. નિષ્ણાતોના મતે, માંસ શાક્ત હિન્દુ ધર્મનો એક અત્યંત મહત્ત્વપૂર્ણ ભાગ છે અને પ્રાચીન પરંપરાઓ અનુસાર દુર્ગા પૂજામાં માતાને ભોગ અર્પણ કરતી વખતે માંસનો પણ સમાવેશ થાય છે. આ પવિત્ર પરંપરામાં કોઈ પણ પ્રકારની દખલગીરી સ્વીકાર્ય નથી. આ દરમિયાન સોશિયલ મીડિયા પર યુઝર્સે આ ઘટનાની સરખામણી સત્યજીત રેની પ્રસિદ્ધ ફિલ્મ ‘મહાપુરુષ’ના કાલ્પનિક પાત્ર ‘બિરિંચી બાબા’ સાથે કરીને કટાક્ષ કર્યો હતો.

દુર્ગા પૂજા માટે નવી માર્ગદર્શિકા અને બંગાળી હિન્દુત્વનું સ્વરૂપ

આ વિવાદ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા આગામી દુર્ગા પૂજા માટે વિશેષ નિયમો અને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, જેમાં 16 ઓક્ટોબરથી 21 ઓક્ટોબર સુધી તહેવાર ઉજવાશે અને તમામ મૂર્તિ વિસર્જન 24 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરવાના રહેશે. ઉત્તર ભારતની તુલનામાં પશ્ચિમ બંગાળમાં હિન્દુત્વનું સ્વરૂપ અલગ છે, જ્યાં અંદાજે 99 ટકા લોકો માંસાહારી છે અને નવરાત્રી કે દુર્ગા પૂજા દરમિયાન પણ માંસાહાર સામાન્ય પ્રથા છે. આ તમામ બાબતો વચ્ચે બંગાળની રાજનીતિમાં ખાનપાન અને સંસ્કૃતિનો મુદ્દો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.


Related Posts

Load more