તમિલ એક્ટર શ્રીકાંતની ડ્રગ્સ સંબંધિત કેસમાં ધરપકડ કરવામાં આવી છે. સોમવારે ચેન્નાઈમાં નુંગમ્બક્કમ પોલીસે તેમની ધરપકડ કરી હતી.
ધ હિન્દુના અહેવાલ મુજબ, પોલીસનું કહેવું છે કે શ્રીકાંતે ડ્રગ નેટવર્ક પાસેથી કોકેન ખરીદ્યું હતું. આ નેટવર્કમાં ઘાનાના એક નાગરિકનો પણ સમાવેશ થાય છે, જેની તાજેતરમાં ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં અન્ય એક એક્ટર કૃષ્ણાનું નામ પણ સામે આવ્યું છે, જે હાલમાં કેરળમાં હોવાની શંકા છે.
ચેન્નાઈ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે શ્રીકાંત તાજેતરમાં પકડાયેલા ત્રણ ડ્રગ ગુનેગારો સાથે સતત સંપર્કમાં હતો. તપાસમાં જાણવા મળ્યું છે કે શ્રીકાંત કોકેઈન ખરીદતો હતો અને તેનું સેવન પણ કરતો હતો. આ કેસની તપાસ ચાલુ છે.
નુંગમ્બક્કમ લેક એરિયામાં શ્રીકાંતના ઘરની તપાસ દરમિયાન, પોલીસને થોડી માત્રામાં કોકેઈન મળી આવ્યું. સોમવારે સવારે પૂછપરછ માટે તેની અટકાયત કરવામાં આવી હતી અને રાજીવ ગાંધી સરકારી હોસ્પિટલમાં તેનો ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.
શ્રીકાંતે 2002 માં ‘રોજા કૂટમ’ થી ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. શ્રીકાંતને શ્રીરામ કૃષ્ણમાચારી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે 2002 માં આવેલી તમિલ ફિલ્મ ‘રોજા કૂટમ’ થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે ‘એપ્રિલ માધાથિલ’, ‘પાર્થિબન કાનવુ’, ‘ઓક્રિકી ઓકારુ’ અને ‘3 ઇડિયટ્સ’ ની તમિલ રિમેક ‘નનબન’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમને અનેક ‘નંદી’ અને ‘ફિલ્મફેર’ એવોર્ડ મળ્યા છે.
17 જૂનના રોજ, એન્ટી-નાર્કોટિક્સ ઇન્ટેલિજન્સ યુનિટ (ANIU) ની માહિતીના આધારે, નુંગમ્બક્કમ પોલીસે પ્રદીપ કુમાર ઉર્ફે પ્રાડો (38, સાલેમ) અને જોન (38, ઘાના) ને 11 ગ્રામ કોકેઈન સાથે ધરપકડ કરી હતી. આ કોકેઈન બેંગલુરુથી લાવવામાં આવ્યું હોવાનું કહેવાય છે, જે પ્રદીપ અને જોને પ્રતિ ગ્રામ રૂ. 7,000 ના ભાવે ખરીદ્યું હતું અને ચેન્નાઈમાં રૂ. 12,000 માં વેચ્યું હતું.
પૂછપરછ દરમિયાન પ્રદીપે જણાવ્યું કે તેણે ટી. પ્રસાદને ડ્રગ્સ વેચ્યું હતું. પ્રસાદે ગયા મહિને એક પબમાં શ્રીકાંતને કોકેન વેચ્યું હતું. પ્રસાદની અગાઉ બારમાં થયેલી બોલાચાલી અને હૈદરાબાદના એક ઉદ્યોગપતિ સાથે સંકળાયેલા છેતરપિંડીના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, પ્રસાદે શ્રીકાંત સાથે ફિલ્મ નિર્માણમાં પણ કામ કર્યું હતું.