દિલજીત દોસાંઝના સમર્થનમાં જાણીતા સિંગરની વિવાદિત ટિપ્પણી, કહ્યું- ભારતના 80 ટકા ગીતો પાકિસ્તાની

By: Krunal Bhavsar
26 Jun, 2025

Jasbir Jassi Controversial Statement: દિલજીત દોસાંઝને આજકાલ પાકિસ્તાની એક્ટ્રેસ હાનિયા આમિર સાથે તેની આગામી ફિલ્મ ‘સરદારજી 3’ માં કામ કરવા બદલ ઘણી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. સિંગર મીકા સિંહ અને બી પ્રાકે પણ દિલજીતની ઘણી ટીકા કરી હતી. પરંતુ પંજાબી ગાયક જસબીર જસ્સી હવે દિલજીતના સમર્થનમાં આગળ આવ્યા છે અને લોકોના બેવડા ધોરણોની ટીકા કરી છે.

દિલજીત દોસાંઝને જસબીર જસ્સીનો ટેકો મળ્યો

એક ઇન્ટરવ્યુ દરમિયાન, પંજાબી ગાયક જસબીર જસ્સી દિલજીતના સમર્થનમાં આગળ આવ્યા. તેમણે કહ્યું કે, ‘હું જોઈ રહ્યો છું કે દિલજીત દોસાંઝ અને તેની ફિલ્મ સોશિયલ મીડિયા પર વિરોધનો સામનો કરી રહી છે કારણ કે તે ફિલ્મમાં એક પાકિસ્તાની કલાકાર છે. હું લોકોની લાગણીઓનું સન્માન કરું છું કે આપણે આપણા દેશને પ્રેમ કરવો જોઈએ અને આપણે આપણા દેશ સાથે ઊભા રહેવું જોઈએ. પણ આ બેવડા ધોરણો શા માટે? તમે નથી ઇચ્છતા કે કોઈ પાકિસ્તાની કલાકાર ભારતીય ફિલ્મમાં ગીતો ગાય, અભિનય કરે કે કામ કરે અને તમે તેમના પર પ્રતિબંધ મૂકવા માંગો છો. પરંતુ આપણા ઉદ્યોગના 80% ગીતો ચોરેલા છે, પછી ભલે તે ધૂન હોય કે ગીતના શબ્દો હોય કે આખા ગીતો. આપણી ફિલ્મોમાં ઘણા બધા ગીતો એવા છે જે પાકિસ્તાનના કલાકારો દ્વારા ગવાયેલા છે… તો, આ બેવડા ધોરણો કેમ?

દરેક જગ્યાએથી કેમ દૂર નથી કરતા પાકિસ્તાની ગીત? 

જસબીર જસ્સીએ આગળ કહ્યું, ‘કાં તો યુટ્યુબ, સ્પોટિફાઇ અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મ પરથી બધા ગીતો દૂર કરો. પરંતુ એવું નથી કે તમે કોઈ એક કલાકારને લઈને તેની સામે વિરોધ પ્રદર્શન શરૂ કરી દો. આ એવું છે કે, જાણે કોઈ તમારા ઘરે જમવા આવે અને પછી તમે તેને દુશ્મન કહી દો. પરંતુ, તમે તેની સાથે લાવેલી વસ્તુ અને મીઠાઈ ખાઇ લો છો. જો તમે પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મૂકવા ઈચ્છો છો, તો તેમના પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ મૂકી દો. દુનિયામાં હાજર તમામ કોન્ટેન્ટને દૂર કરી દો.’

‘સરદાર જી 3’ પર વિવાદ કેમ?

હાલમાં, દિલજીતની ફિલ્મ ‘સરદાર જી 3’ની આખી ટીમ ફિલ્મમાં હાનિયા આમિરનો સમાવેશ કરવાને કારણે ભારે ટીકાનો સામનો કરી રહી છે. જોકે, દિલજીત દોસાંઝ અને નીરુ બાજવા અભિનિત આ ફિલ્મ ભારતમાં રિલીઝ નથી થઈ રહી. તે 27 જૂને વિદેશમાં રિલીઝ થશે. 22 એપ્રિલે પહલગામમાં થયેલા આતંકી હુમલા અને પછી 7 મેના રોજ ભારતના ઓપરેશન સિંદૂર પછી આ વિવાદ સામે આવ્યો છે, જેમાં પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા.


Related Posts

Load more