ઇંગ્લેન્ડમાં સમાપ્ત થયેલી એન્ડરસન-તેંડુલકર ટ્રોફી ઘણી રીતે ઐતિહાસિક રહી છે. આ ટેસ્ટ શ્રેણીમાં યશસ્વી જયસ્વાલ, મોહમ્મદ સિરાજ અને આકાશદીપ જેવા ઘણા ખેલાડીઓ ઉભરી આવ્યા. તે જ સમયે, એક એવો ખેલાડી હતો જેને 33 વર્ષની ઉંમરે 8 વર્ષ પછી ટેસ્ટ ટીમમાં વાપસી કરવાની તક મળી. પરંતુ તે આ તકનો લાભ ઉઠાવી શક્યો નહીં અને તેણે પોતાના પગમાં કુહાડી મારી જેવો ઘાટ છે. નિરાશાજનક પ્રદર્શન બાદ, હવે તેની ટેસ્ટ કારકિર્દીનો અંત માનવામાં આવી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે ફરી ટીમમા તક મળવી મુશ્કેલ સાબિત થઇ શકે છે
આ દિગ્ગજ ખેલાડીનું નામ કરુણ નાયર છે. નાયરે તેની ક્રિકેટ કારકિર્દીમાં ઘણી મહત્વપૂર્ણ સિદ્ધિઓ હાંસલ કરી. જોકે, એકંદરે તેની કારકિર્દી ઉતાર-ચઢાવથી ભરેલી હતી. ક્યારેક તે ત્રેવડી સદી ફટકારીને ટીમના ચમકતા સ્ટાર તરીકે ઉભરી આવ્યો, તો ક્યારેક તેને લાંબા સમય સુધી રાષ્ટ્રીય ટીમમાંથી બહાર રહેવાનું દુઃખ સહન કરવું પડ્યું.
કરુણ નાયરે ૧૧ જૂન ૨૦૧૬ના રોજ ઝિમ્બાબ્વે સામેની વનડે મેચથી પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી હતી. તે જ વર્ષે તેણે ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ૧૯ ડિસેમ્બર ૨૦૧૬ના રોજ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ઇંગ્લેન્ડ સામે રમાયેલી ટેસ્ટ મેચમાં તેણે અણનમ ૩૦૩ રન બનાવ્યા હતા. ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે આ બીજી ત્રેવડી સદી હતી. આ પહેલા ફક્ત વીરેન્દ્ર સેહવાગે જ આ સિદ્ધિ મેળવી હતી. આ ઇનિંગે તેને રાતોરાત સ્ટાર બનાવી દીધો હતો. જોકે, આ પછી તે તેના ફોર્મ અને પસંદગીમાં સાતત્યના અભાવ સાથે સંઘર્ષ કરી રહ્યો હતો.
નાયરે તેની ટેસ્ટ કારકિર્દીમાં કુલ ૯ મેચ રમી છે. આમાં તેણે ૧૩ ઇનિંગ્સમાં ૪૨ ની સરેરાશથી ૫૦૫ રન બનાવ્યા હતા. તેનો શ્રેષ્ઠ સ્કોર ૩૦૩ હતો. તેણે ૨૦૧૭માં ધર્મશાલામાં ઓસ્ટ્રેલિયા સામે છેલ્લી ટેસ્ટ રમી હતી. આ પછી, તેને આઠ વર્ષ સુધી ભારતીય ટેસ્ટ ટીમમાં તક મળી ન હતી અને તે તેના પુનરાગમનની રાહ જોતો રહ્યો.
લાંબી રાહ જોયા પછી, તેને આ વર્ષે ઇંગ્લેન્ડમાં યોજાયેલી ટેસ્ટ શ્રેણી માટે બોલાવવામાં આવ્યો હતો પરંતુ તે સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગયો. ચાર ટેસ્ટ મેચની આઠ ઇનિંગ્સમાં, તેણે 25.62 ની સરેરાશથી ફક્ત 205 રન બનાવ્યા. આમાં તેનો શ્રેષ્ઠ સ્કોર 57 રન હતો. તેણે ઓવલ ખાતે રમાયેલી પાંચમી ટેસ્ટમાં આ સ્કોર બનાવ્યો.
તેણે પહેલી ટેસ્ટમાં 0 અને 20 રન બનાવ્યા. બીજી ટેસ્ટમાં, તે ફક્ત 31 અને 26 રન બનાવી શક્યો. ત્રીજી ટેસ્ટમાં પણ તેનું નિરાશાજનક પ્રદર્શન ચાલુ રહ્યું. તે ફક્ત 40 અને 14 રન બનાવી શક્યો. ચોથી ટેસ્ટમાં, તેની જગ્યાએ સાઈ સુદર્શનનો સમાવેશ થયો. પાંચમી ટેસ્ટમાં પણ, તે ફક્ત 57 અને 17 રન બનાવી શક્યો. આ ખરાબ પ્રદર્શન પછી, ઘણા ક્રિકેટ નિષ્ણાતો હવે તેની ટેસ્ટ કારકિર્દીનો અંત માની રહ્યા છે. જોકે, તેની ઉંમર (33) અને તાજેતરના સ્થાનિક પ્રદર્શનને ધ્યાનમાં લેતા, તે IPL અને સ્થાનિક ક્રિકેટમાં ક્રિકેટ રમવાનું ચાલુ રાખી શકે છે.