અમદાવાદ-ગાંધીનગર સહિત 6 જિલ્લા માટે આગામી 3 કલાક ભારે, અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ

By: Nation Gujarat Team
18 Sep, 2026

Gujarat Weather Warning : અમદાવાદમાં આજે વહેલી સવારથી મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે સવારે 10:00 વાગ્યાથી આગામી ૩ કલાક (બપોરના 1:00 વાગ્યા સુધી) માટે ગુજરાતમાં વરસાદનું નાઉકાસ્ટ બુલેટિન જારી કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મેઘરાજાના જોરને ધ્યાનમાં રાખીને રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યા છે.

ક્યાં ક્યાં રેડ એલર્ટ

હવામાન વિભાગે અતિભારે વરસાદ અને ગાજવીજની ચેતવણી આપતા કેટલાક મુખ્ય જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં પ્રતિ કલાક 15 મિમીથી વધુ ભારે વરસાદ, 41 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની અને 60 ટકાથી વધુ વીજળી પડવાની (Lightning) સંભાવના છે. કુલ 6 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે.

રાજ્યના મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મધ્યમ વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. જેમાં બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, આણંદ, નવસારી, તાપી, નર્મદા, સુરત, પંચમહાલ, દાહોદ, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, ડાંગ, વલસાડ, દીવ, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. અહીં 5 થી 15 મિમી પ્રતિ કલાક મધ્યમ વરસાદ, તેજ પવન અને 30 થી 60 ટકા વીજળી પડવાની શક્યતા છે.

ક્યાં ક્યાં યલો એલર્ટ

સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદ અને સામાન્ય થંડરસ્ટોર્મ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છ, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. આ વિસ્તારોમાં 5 મિમીથી ઓછો હળવો વરસાદ, 40 કિમીથી ઓછી ઝડપે પવન અને 30 ટકાથી ઓછી વીજળી પડવાની સંભાવના છે.

તંત્ર દ્વારા નાગરિકોને આ સમયગાળા દરમિયાન સાવચેત રહેવા, ખુલ્લા સ્થળો કે વીજળીના થાંભલાઓથી દૂર રહેવા અને અતિશય ખરાબ વાતાવરણમાં સુરક્ષિત આશ્રય લેવા અપીલ કરવામાં આવી છે.


Related Posts

Load more