Brics summit 2026 : બ્રિક્સમાં આજે શું થશે ? જાણો શી જિનપિંગ સહિત PM મોદી ક્યારે ક્યા નેતાઓને મળશે

By: Nation Gujarat Team
12 Sep, 2026

Brics summit 2026 : દેશમાં આજથી બ્રિક્સ સમિટની શરુઆત થવાની છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજથી નવી દિલ્હીમાં 18મી બ્રિક્સ સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સહિત અનેક વૈશ્વિક નેતાઓ સાથે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠકો યોજવાના છે. આ શિખર સંમેલનમાં વૈશ્વિક શાસન, ગ્લોબલ સાઉથની સમસ્યાઓ તથા યુક્રેન અને પશ્ચિમ એશિયાના સંકટ પર વિશેષ ચર્ચા કરવામાં આવશે.

વડાપ્રધાન મોદી અને અનેક દેશોના શીર્ષ નેતાઓ વચ્ચે યોજાશે બેઠક

રાજધાની દિલ્હીમાં યોજાઈ રહેલી આ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે વ્યસ્ત કાર્યક્રમ હેઠળ અનેક દેશોના શીર્ષ નેતાઓને મળશે. દિવસની શરૂઆત હૈદરાબાદ હાઉસ ખાતે ઇથોપિયાના વડાપ્રધાન અબી અહમદ અલી સાથેની મુલાકાતથી થશે. ત્યારબાદ મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમ, અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલીદ બિન મોહમ્મદ બિન જાયદ અલ નાહિયાન અને વિયતનામના વડાપ્રધાન લે મિન્હ હંગ સાથે દ્વિપક્ષીય બેઠકો યોજાશે. આ ઉપરાંત, રાષ્ટ્રપતિ ભવન ખાતે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સાથે પણ મહત્વપૂર્ણ બેઠક નિર્ધારિત છે.

ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત

આજના દિવસનું સૌથી મોટું આકર્ષણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેની મુલાકાત રહેશે. સાંજે 5:45 વાગ્યે ભારત મંડપમ ખાતે બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો થશે. ચીની રાજદૂતે જણાવ્યું છે કે બંને દેશો પરસ્પર મતભેદોને યોગ્ય રીતે ઉકેલવા અને સંબંધોને મજબૂત કરવા માટે સાથે મળીને કામ કરશે.

ગ્લોબલ સાઉથ અને વૈશ્વિક મુદ્દાઓ પર ભાર

ભારત આ વર્ષે બ્રિક્સની અધ્યક્ષતા કરી રહ્યું છે, જેના કારણે વિકાસશીલ દેશોના હિતો અને આર્થિક પડકારોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. પશ્ચિમ એશિયા અને યુક્રેન સંઘર્ષના કારણે વૈશ્વિક વેપાર અને ઊર્જા સુરક્ષા પર પડી રહેલા પ્રભાવને ઓછો કરવા માટે આ મંચ પર સઘન મંથન ચાલી રહ્યું છે.


Related Posts

Load more