Blinkit ની 24/7 ફ્રી સર્વિસ : ’10મિનિટમાં એમ્બ્યુલન્સ’ જીવ બચાવવા ટ્રાફિક પોલીસ સાથે ડીલ!

By: Nation Gujarat Team
09 Jul, 2026

Blinkit (બ્લિંકઇટ) દ્વારા ગુડગાંવ ટ્રાફિક પોલીસ સાથે હાથ મિલાવવામાં આવ્યા છે. કંપનીએ ગયા વર્ષે શરૂ કરેલી પોતાની ફ્રી એમ્બ્યુલન્સ સર્વિસનો વ્યાપ વધારીને હવે તેને શહેરના મુખ્ય અકસ્માત સંભવિત વિસ્તારો સુધી પહોંચાડી દીધી છે.

આ મિશનને સફળ બનાવવા માટે ગુડગાંવના ટ્રાફિક ટાવરમાં પોલીસકર્મીઓ માટે એક ખાસ ટ્રેનિંગ સેશન યોજાયું હતું. આ સેશનની અધ્યક્ષતા ટ્રાફિક DCP રાજેશ મોહને કરી હતી, જેમાં પોલીસકર્મીઓને Blinkit એપ દ્વારા તાત્કાલિક એમ્બ્યુલન્સ કેવી રીતે બોલાવવી તેની ટ્રેનિંગ અપાઈ હતી.

DCP રાજેશ મોહને ટ્રેનિંગ દરમિયાન ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે, રોડ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોમાં આશરે 50 ટકા હિસ્સો ટુ-વ્હીલર ચાલકો અને પગપાળા ચાલતા લોકોનો હોય છે. આ આંકડાને ઘટાડવા માટે અકસ્માતના તુરંત બાદ મેડિકલ સહાય મળવી ખૂબ જ જરૂરી છે.

Blinkit દ્વારા આ પહેલ અંતર્ગત 17 એમ્બ્યુલન્સનો ખાસ કાફલો મેદાને ઉતારાયો છે. અકસ્માત થતાં જ આશરે 15 મિનિટની અંદર ટીમ ઘટનાસ્થળે પહોંચી શકે તે માટે આ ગાડીઓને ગુડગાંવના ચિહ્નિત કરાયેલા 16 ‘બ્લેક સ્પોટ’ (ડેન્જર ઝોન) પર તૈનાત રાખવામાં આવી છે.

એમ્બ્યુલન્સની મુખ્ય તૈનાતી ગુડગાંવના પચગાવ ચોક, માનેસર, બિલાસપુર ચોક, સિધરાવલી કટ, KMP એક્સપ્રેસવે અને સોહના રોડ જેવા વ્યસ્ત અને અકસ્માત સંભવિત વિસ્તારોમાં કરવામાં આવી છે.

ટ્રાફિક પોલીસના પ્રવક્તાના જણાવ્યા મુજબ, દરેક એમ્બ્યુલન્સમાં પેરામેડિક, આસિસ્ટન્ટ અને ડ્રાઈવર સહિત 3 સભ્યોની ટીમ હશે. આ ગાડીઓમાં હોસ્પિટલ પહોંચતા પહેલા જ પ્રાથમિક સારવાર આપવા માટે ઓટોમેટેડ એક્સટર્નલ ડિફિબ્રિલેટર (AED), વાઇટલ્સ મોનિટર, ઓક્સિજન સિલિન્ડર અને જરૂરી લાઈફ-સેવિંગ ઈન્જેક્શન ઉપલબ્ધ રહેશે.

Blinkit ના CEO અલ્બિન્દર ધિંદસાએ સોશિયલ મીડિયા ‘X’ પર સ્પષ્ટ કર્યું છે કે, આ સેવા પાછળ કોઈ નફાનો હેતુ નથી. આ સર્વિસ ગયા વર્ષે 5 ગાડીઓ સાથે શરૂ થઈ હતી અને આગામી 2 વર્ષમાં આ ફ્રી લાઈફ સપોર્ટ (BLS) એમ્બ્યુલન્સ સેવા દેશના તમામ મોટા શહેરો સુધી પહોંચાડવાનું કંપનીનું લક્ષ્ય છે.


Related Posts

Load more