સુરતના વિવાદિત નેતા ભરત પટેલને ભાજપે કર્યા સસ્પેન્ડ, બેન્કના નકલી લેટરનો ઉપયોગ કરી કર્યો હતો કાંડ

By: nationgujarat
29 Mar, 2025

Bharat Patel Arrested : સુરતની લીંબાડા બેઠકના ભાજપના નેતા ભરત પટેલ વિરૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે. આરોપી ભરત પટેલે બેન્કના લેટર પેડનો ઉપયોગ કરી બોજા મુક્તિનો દાખલો રજૂ કર્યો હતો. જે માંગરોળ મામલતદાર દ્વારા ચકાસણી કરતાં ખોટા હોવાનું ફલિત થયું હતું. સમગ્ર મામલે ભાજપના વિવાદિત નેતા ભરત પટેલ સામે જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખે કાર્યવાહી કરી છે. વિવાદિત નેતા ભરત પટેલને ભાજપે સસ્પેન્ડ કર્યા છે.

 

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના ભાજપના નેતા ભરત પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાતા ધરપકડ કરવામાં આવી છે. જેમાં પ્રાંત અધિકારીએ ફરિયાદી બનીને ફરિયાદ નોંધાવી છે. ભરત પટેલ માંગરોળ તાલુકા પંચાયતના સભ્ય છે.

ભરત પટેલે બેન્ક ઓફ બરોડાની અરેઠ માંડવી શાખામાંથી લોન લીધી હતી, છતાં આ આરોપીએ બેન્ક ઓફ બરોડાનો નકલી લેટર પેડ બનાવી 95 લાખનો દાખલો રજૂ કર્યો હતો. જ્યારે માંડવીની નેગામા સેવા સહકારી મંડળીનો 16 લાખનો બોજા મુક્તિનો દાખલો રજૂ કર્યો હતો. આ મામલે માંગરોળ મામલતદાર ચકાસણી કરતાં દાખલો ખોટો હોવાનું પુરવાર થયું હતું. જેથી આ મામલે પ્રાંત અધિકારીએ જાતે ફરિયાદી બનીને કાર્યવાહી કરી હતી. પોલીસ દ્વારા ભરત પટેલની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.​


Related Posts

Load more