Amul Ghee Price Hike : દિવાળી પૂર્વે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું! અમૂલે ઘીના ભાવમાં રૂ.50 અને બટરમાં રૂ.15નો વધારો ઝીંક્યો

By: Nation Gujarat Team
04 Nov, 2026

Amul Ghee Price Hike :  તહેવારોની સિઝનમાં જ સામાન્ય નાગરિકો અને ગૃહિણીઓના ખિસ્સા પર મોંઘવારીનો વધુ એક બોજ આવી પડ્યો છે. દેશની અગ્રણી ડેરી બ્રાન્ડ અમૂલે દિવાળીના તહેવાર પૂર્વે જ ઘી અને બટરના ભાવમાં ધરખમ વધારો ઝીંકી દીધો છે.

દિવાળી પહેલાં જ અમૂલે (Amul) વધાર્યા ઘીના ભાવ

અમૂલ દ્વારા કરવામાં આવેલા નવા ભાવ વધારા મુજબ, 1 કિલો ઘીના પેકેટ પર સીધો રૂ.50 નો વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે 1 કિલો અમૂલ ઘીનો ભાવ વધીને હવે રૂ.680 એ પહોંચી ગયો છે. આ ઉપરાંત 500 ગ્રામ બટરના પેકેટના ભાવમાં પણ રૂ.15 નો વધારો કરવામાં આવ્યો છે, જેથી 500 ગ્રામ બટરનો નવો ભાવ વધીને રૂ.325 થઈ ગયો છે. તહેવારોમાં મીઠાઈઓ અને પકવાનો બનાવવા માટે ઘી અને બટરનો વપરાશ વધી જતો હોય છે, ત્યારે આ ભાવવધારાથી ગૃહિણીઓનું બજેટ સંપૂર્ણ ખોરવાઈ ગયું છે.

નકલી ઘી વિરૂદ્ધ કાર્યવાહીથી માગમાં વધારો

કંપનીના વર્તુળોના જણાવ્યા અનુસાર, ઘીના ભાવ વધવા અને સપ્લાય ખોરવાવા પાછળ માગમાં થયેલો અચાનક અને ભારે ઉછાળો મુખ્ય જવાબદાર કારણ છે. તાજેતરમાં ગુજરાત અને રાજસ્થાન જેવા રાજ્યોમાં નકલી ઘી વિરુદ્ધ તંત્ર દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી હતી. છેલ્લા 6 મહિના દરમિયાન આ બંને રાજ્યોમાંથી આશરે 2 લાખ કિલો જેટલો નકલી ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ કડક કાર્યવાહીના કારણે ગ્રાહકોનો ભરોસો નકલી લોકલ બ્રાન્ડ્સ પરથી ઊઠીને અમૂલ જેવી વિશ્વસનીય અને માન્ય બ્રાન્ડેડ ઘી પર ઝડપથી વધ્યો છે.

ભાવ વધારા પાછળ માગમાં ઉછાળો જવાબદાર

આ સિવાય અન્ય એક મહત્ત્વનું કારણ એ પણ છે કે સમગ્ર વર્ષ દરમિયાન થતા કુલ ઘીના વપરાશમાંથી આશરે 45 ટકા જેટલો હિસ્સો એકલા તહેવારોની સિઝનમાં જ વપરાય છે. માગમાં એકાએક માતબર વધારો થવાના કારણે ડેરીની સપ્લાય ચેઈન પર ભારે દબાણ સર્જાયું છે, જેના પરિણામે કંપનીએ ભાવવધારો કરવાની ફરજ પડી છે.


Related Posts

Load more
Follow Us

Live Cricket Score