પ્રથમ નવરાત્રિએ અંબાજીના મોહનથાળને GI ટેગનુ સર્ટિફિકેટ મળશે, જાણો શું ફાયદો થશે?

By: Nation Gujarat Team
09 Oct, 2026

ગુજરાતમાં થોડા સમય પહેલા અંબાજીના મોહનથાળના પ્રસાદની જગ્યાએ ચિક્કીનો પ્રસાદ આપવાનો પ્રયાસ થતાં જ સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચ્યો હતો. લોકોએ ભારે વિરોધ કરતાં આખરે સરકાર અને મંદિરના તંત્રએ લોકોની માગ સામે ઝુકવું પડ્યું હતું અને મોહનથાળનો પ્રસાદ મુખ્ય રાખીને તેની સાથે ચિક્કી વેચવાની જાહેરાત કરી હતી.મોહનથાળના પ્રસાદની જગ્યાએ ચિક્કી આપવાના પ્રયાસ થયા બાદ હવે મોહનથાળને GI ટેગ મળ્યો છે. લોકોની પ્રસાદ માટેની આસ્થા અને લાગણીઓ આ ટેગ મળવાથી વધુ મજબૂત થઈ છે.હવે મોહનથાળના પ્રસાદને પહેલી નવરાત્રિના દિવસે સર્ટિફિકેટ આપવામાં આવશે. ત્યારે જાણો હવે વિશ્વમાં મોહનથાળના પ્રસાદને કેટલા ફાયદા થશે.

મોહનથાળના પ્રસાદને GI Tag મળવાથી શું ફાયદા થશે

અંબાજીના મોહનથાળના પ્રસાદને GI ટેગ મળ્યો છે. હવે કોઈપણ વ્યક્તિ, વેપારી કે સંસ્થા વ્યાપાર કરવા માટે અંબાજી મોહનથાળના નામનો ખોટો ઉપયોગ કરી શકશે નહીં. જો કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો કાયદો છે. લોકોને હંમેશાં શુદ્ધ અને પરંપરાગત પદ્ધતિથી બનેલો ગુણવત્તાયુક્ત મોહનથાળનો પ્રસાદ જ મળશે. આ ટેગ મળવાથી અંબાજીના મોહનથાળની ભૌગોલિક વિશિષ્ટતા અને તેના પરંપરાગત સ્વાદને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે એક અનોખી બ્રાન્ડ ઓળખ મળશે. અંબાજીનો મોહનથાળ પણ હવે દેશના સૌથી પ્રતિષ્ઠિત અને વિશિષ્ટ મંદિર પ્રસાદોની ભદ્ર યાદીમાં સત્તાવાર રીતે સામેલ થઈ જશે.

GI Tag એટલે શું અને કોણ આપે છે?

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના વહીવટી નિયંત્રણ હેઠળ કામ કરતી સંસ્થા, Registrar of Geographical Indications આ ટેગ આપે છે. તેનું મુખ્ય મથક તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં છે.GI એટલે Geographical Indication. કોઈપણ એવી વસ્તુ, કૃષિ ઉત્પાદન અથવા હસ્તકલાને GI Tag આપવામાં આવે છે.જેની વિશેષતા,ગુણવત્તા અથવા પ્રતિષ્ઠા કોઈ ચોક્કસ ભૌગોલિક વિસ્તાર સાથે સીધી રીતે જોડાયેલી હોય.કોઈ ઉત્પાદનની આગવી ઓળખ તેની જમીન,આબોહવા,પરંપરા અથવા સ્થાનિક કૌશલ્યને કારણે હોય તો તેને GI Tag મળવાની શક્યતા રહે છે.ભારતમાં GI Tag Geographical Indications of Goods Act, 1999 હેઠળ આપવામાં આવે છે.આ પ્રક્રિયાનું સંચાલન Geographical Indications Registry, Chennai કરે છે.

GI રજિસ્ટ્રાર પ્રોફેસર ડૉ. ઉન્નત પંડિત આપશે સર્ટિફિકેટ

અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ ખાતે આગામી 11 ઓક્ટોબરના રોજ એક વિશેષ અને ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય GI રજિસ્ટ્રાર પ્રોફેસર ડૉ. ઉન્નત પી. પંડિત ઉપસ્થિત રહીને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટને સત્તાવાર રીતે જીઆઈ ટેગનું સર્ટિફિકેટ અર્પણ કરશે. આ ક્ષણ અંબાજી મંદિર ટ્રસ્ટ તેમજ દેશ-વિદેશમાં વસતા કરોડો અંબાભક્તો માટે અત્યંત ગૌરવશાળી બની રહેશે.


Related Posts

Load more