Ahmedabad News : મીઠી-મીઠી વાતો કરીને મિત્રતા કેળવી અને પછી રૂ.35 લાખ લઈ ફરાર, સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ

By: Nation Gujarat Team
19 Sep, 2026

અમદાવાદ શહેરના સેટેલાઈટ વિસ્તારમાં એક હાઈપ્રોફાઈલ ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે. અહીં આવેલી જાણીતી શાંતિ જુનિયર સ્કૂલના ટેરેટરી મેનેજર તરીકે ફરજ બજાવતી મહિલા સાથે એક યુવકે પ્રથમ મિત્રતા કેળવીને લાખો રૂપિયાની છેતરપિંડી આચરી છે. આરોપી યુવકે ધંધામાં રોકાણ કરી મોટો નફો મેળવવાની લાલચ આપીને મહિલા મેનેજર પાસેથી તબક્કાવાર કુલ રૂ.35 લાખની માતબર રકમ પડાવી લીધી હતી.

4 મહિનામાં નાણાં આપવાનું વચન આપી આરોપીઓ ફરાર

આરોપીએ મહિલાનો વિશ્વાસ જીતવા માટે એવું વચન આપ્યું હતું કે રોકાણ કરેલા તમામ રૂપિયા 4 મહિનાની અંદર પરત આપી દેવામાં આવશે. જોકે, 4 મહિનાનો સમયગાળો પૂર્ણ થઈ ગયા બાદ પણ જ્યારે રકમ પરત ન મળી ત્યારે મહિલાએ પોતાના નાણાંની માંગણી કરી હતી. તે સમયે આરોપી ગોળ-ગોળ જવાબો આપીને સમય વિતાવવા લાગ્યો હતો અને આખરે રૂપિયા પરત આપ્યા વિના જ ગાયબ થઈ ગયો હતો.

માતા અને પુત્ર સામે સેટેલાઈટ પોલીસ મથકે ફરિયાદ

આ સમગ્ર મામલે છેતરપિંડીનો ભોગ બનનાર મહિલા મેનેજરે સેટેલાઈટ પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો. મહિલાની ફરિયાદના આધારે પોલીસે હિતેન્દ્ર કાકુલપતિ અને તેની માતા વાણી કુમાર વિરુદ્ધ ઠગાઈ અને છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો છે. હાલમાં સેટેલાઈટ પોલીસે કાયદેસરનો ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા બંને આરોપીઓને ઝડપી પાડવા માટે આગળની તપાસ તેજ કરી છે.


Related Posts

Load more