અમદાવાદ શહેરના ન્યૂ રાણીપ વિસ્તારમાં આવેલી સુકન સ્માઈલ સિટી સોસાયટીમાં સોસાયટીના મેન્ટેનન્સ અને જમવાના કૂપનને લઈને ભારે બબાલ થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. સોસાયટીનું મેન્ટેનન્સ બાકી હોવાના કારણે જમવાના કૂપન ન આપતા મામલો બિચક્યો હતો અને વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી.
મળતી માહિતી મુજબ, સુકન સ્માઈલ સિટી સોસાયટીમાં મેન્ટેનન્સ બાકી હોવાથી કેટલાક સભ્યોને જમવાના કૂપન આપવામાં આવ્યા ન હતા. આ બાબતે ઉગ્ર માથાકૂટ શરૂ થઈ હતી, જેમાં આલાપ શુક્લ નામના રહીશે સોસાયટીના સભ્યો સાથે બોલાચાલી કરી હતી. આ દરમિયાન સોસાયટીના અન્ય સભ્યો સાથે પણ ગાળાગાળી કરી અપશબ્દો બોલવામાં આવ્યા હતા અને મારામારી કરવામાં આવી હતી.
આ સમગ્ર હિંસક ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં મારામારીના દ્રશ્યો સ્પષ્ટપણે કેદ થયા છે. આ ઘટના બાદ સોસાયટીના ખજાનચી કનુભાઈ ચૌધરીએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં પહોંચીને આલાપ શુક્લ સામે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.
ખજાનચીએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે આરોપીએ સોસાયટીના અન્ય સભ્યો સાથે પણ મારામારી કરી હતી અને અપશબ્દો બોલીને ધમકીઓ આપી હતી. સોસાયટીના ખજાનચીની ફરિયાદ અને સીસીટીવી ફૂટેજના આધારે સાબરમતી પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.