અમદાવાદીઓ સાવધાન! સાંજે 4થી 6 મેઘરાજા ધબધબાટી બોલાવશે, લોકોને કામ વિના ઘરની બહાર ન નીકળવા AMCની અપીલ

By: Nation Gujarat Team
18 Sep, 2026

Ahmedabad HeavyRains: ગુજરાત રાજ્યમાં વહેલી સવારથી જ મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. સવારે 10 વાગ્યા સુધીમાં રાજ્યના 172 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. માત્ર 4 કલાકના સમયગાળામાં સૌથી વધુ અરવલ્લીના મેઘરજમાં 3 ઈંચ, જ્યારે અમદાવાદ શહેરમાં પોણા 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત અરવલ્લીના મોડાસા તાલુકામાં સવા બે ઈંચ, ખેરાલુ, ખાનપુર, કડાણા અને વાંકાનેરમાં 2-2 ઈંચ વરસાદ વરસ્યો છે. માણસા, મહેસાણા અને કલોલમાં પોણા 2 ઈંચ જ્યારે દહેગામ, ગાંધીનગર, ટંકારા, વડાલી, વિજાપુર, સંતરામપુર અને જોટાણામાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના અન્ય 6 તાલુકાઓમાં સવા એક ઈંચથી વધુ અને 7 તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

આગામી કલાકો માટે વરસાદની આગાહી અને રેડ એલર્ટ
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બપોરે 1 વાગ્યા સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે, જ્યારે સાંજે 4 થી 6 વાગ્યા દરમિયાન વધુ ભારે વરસાદ પડી શકે છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતા અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, સાબરકાંઠા અને અરવલ્લી સહિતના જિલ્લાઓમાં ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ તેમજ ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં ‘ઓરેન્જ એલર્ટ’ આપવામાં આવ્યું છે. આ અતિભારે વરસાદની આગાહીને પગલે AMC (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ અગત્યના કામ સિવાય ઘરની બહાર ન નીકળે.

માત્ર 3-4 ઈંચ વરસાદમાં અમદાવાદ બન્યું સ્વિમિંગ પૂલ: લોકોમાં ભારે રોષ
એક જ ચોમાસામાં સતત ત્રીજી વાર અમદાવાદ જળમગ્ન થવાની ઘટના બની છે. ફરી એકવાર સામાન્ય વરસાદમાં અમદાવાદના અનેક વિસ્તારો ડૂબી ગયા છે. શહેરના કેટલાક વિસ્તારો જાણે નદી બની ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે, તો કેટલાક વિસ્તારો સ્વિમિંગ પૂલમાં ફેરવાયા છે. માત્ર પૂર્વ જ નહીં, પરંતુ પશ્ચિમના વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થયા છે. ખાસ કરીને નવા વિકસી રહેલા વિસ્તારોમાં પાણી નિકાલ વ્યવસ્થાનો સ્પષ્ટ અભાવ જોવા મળી રહ્યો છે.

ભૂતકાળમાં એક સાથે 20 ઇંચ વરસાદ ખાબકે તો પણ પાણી નહીં ભરાય તેવો દાવો કરનાર AMCના ગાલે આ ઘટના એક મોટો તમાચો છે, કારણ કે માત્ર ત્રણથી ચાર ઇંચ વરસાદમાં જ આખું અમદાવાદ ડૂબી ગયું છે. આ પરિસ્થિતિના કારણે ફરી એકવાર AMCની કામગીરી પર લોકોનો ભારે ગુસ્સો ફૂટ્યો છે. લોકોના રોષ અને ચારેતરફ ભરાયેલા પાણી વચ્ચે AMCના હોદ્દેદારો અને અધિકારીઓએ પોતાના બચાવમાં નવા બહાના સાથે બપોરે 12 વાગે મીડિયા બ્રીફિંગ કરીને પરિસ્થિતિને થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.


Related Posts

Load more