વિવિધ રૂટની આશરે 90 બસો સેવા આપશે
રાણીપ GSRTC બસ સ્ટેશન ખાતે બે કન્ટ્રોલરની ફરજ મૂકવામાં આવી છે. મુસાફરોની સંભવિત વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને બે વધારાની બસો પણ મુકવામાં આવી છે. આ બસો ઈન્કમટેક્સ, નટરાજ, પાલડી, ગીતામંદિર અને કાલુપુર જેવા મુખ્ય ટ્રાન્ઝિટ પોઇન્ટ્સ સુધી મુસાફરોને પહોંચાડશે. આ ઉપરાંત રાણીપ GSRTC સ્ટેશન પાસેથી પસાર થતા વિવિધ રૂટની આશરે 90 બસો કાલુપુર, મણિનગર, લાલદરવાજા, વાસણા અને પાલડી સહિતના વિસ્તારોમાં સેવા આપશે. સાબરમતી ધર્મનગર રે-સ્ટે ખાતે એક સ્પેર ડ્રાઈવર અને ફ્લાઈંગ ટીમને તૈનાત કરવામાં આવી છે. અહીંથી કાલુપુર અને મણિનગર તરફ જતા મુસાફરો માટે બે વધારાની બસોની વ્યવસ્થા કરાઈ છે. આ વિસ્તારમાંથી પસાર થતા વિવિધ રૂટની 28 બસો લાલદરવાજા, વાડજ, મણિનગર અને કાલુપુર સુધી મુસાફરોને પહોંચાડશે.
8 બસો ગીતામંદિર થઈને લાલદરવાજા સુધી સેવા આપશે
વટવા રેલવે સ્ટેશન ખાતે પણ એક કન્ટ્રોલરની નિમણૂક કરીને બે વધારાની બસો મુકવામાં આવી છે. આ બસો ગીતામંદિર થઈને કાલુપુર અને મણિનગર તરફ મુસાફરોને પહોંચાડશે. જ્યારે આ વિસ્તારના રૂટ પર ચાલતી 8 બસો ગીતામંદિર થઈને લાલદરવાજા સુધી સેવા આપશે. શહેરના મહત્વપૂર્ણ ટ્રાન્ઝિટ હબ ગીતામંદિર ખાતે ફ્લાઈંગ ટીમ તૈનાત રહેશે. અહીંથી પસાર થતી વિવિધ રૂટની બસો આશરે 15થી 20 મિનિટના અંતરે દોડાવવામાં આવશે, જેથી રિક્ષા સેવા ખોરવાઈ હોવા છતાં મુસાફરોને જાહેર પરિવહનનો વિકલ્પ મળી રહે.
50થી વધુ બસો ગીતામંદિર, લાલદરવાજા, વાડજ અને નરોડા સહિતના વિસ્તારોમાં મુસાફરોને પહોંચાડશે
કાલુપુર રે-સ્ટે ખાતે સારંગપુર કેબિન કન્ટ્રોલર ઉપરાંત બે ફ્લાઈંગ ટીમો તૈનાત કરવામાં આવી છે. અહીં ચાર વધારાની બસો પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત કાલુપુર વિસ્તારમાંથી પસાર થતા વિવિધ રૂટની 50થી વધુ બસો ગીતામંદિર, લાલદરવાજા, વાડજ અને નરોડા સહિતના વિસ્તારોમાં મુસાફરોને પહોંચાડશે.
AMCના આ આયોજનનો મુખ્ય હેતુ ઓટો રિક્ષા ચાલકોની હડતાળ દરમિયાન જાહેર પરિવહન વ્યવસ્થા પર વધતા ભારને સંભાળવાનો છે. શહેરના મહત્વપૂર્ણ ટ્રાન્ઝિટ પોઇન્ટ્સ પર વધારાની બસો અને સ્ટાફની તૈનાતીથી મુસાફરોને વૈકલ્પિક પરિવહન સુવિધા મળી રહે અને તેમની અવરજવર પર હડતાળની અસર શક્ય તેટલી ઓછી થાય તે માટે તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.